લોકસભા ચૂંટણી 2024 : પ્રથમ તબક્કામાં 102 સીટો પર સરેરાશ 60.03 ટકા મતદાન

Lok Sabha Elections 2024 Voting : ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બિહારમાં માત્ર 48.50% મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે મતદાન થયું છે, જ્યાં લગભગ 80 ટકા મતદાન નોંધાયું

Written by Ashish Goyal
Updated : April 19, 2024 21:51 IST
લોકસભા ચૂંટણી 2024 : પ્રથમ તબક્કામાં 102 સીટો પર સરેરાશ 60.03 ટકા મતદાન
Lok Sabha Election 2024 Phase 1 Voting : પશ્ચિમ બંગાળમાં 77.57% મતદાન થયું છે (Express photo by Partha Paul)

Lok Sabha Elections 2024 Phase 1 Voting : લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યોની કુલ 102 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. આ અંતર્ગત 102 બેઠકો પર સરેરાશ 60.03 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બિહારમાં માત્ર 48.50% મતદાન થયું છે. ત્રિપુરા આ મામલે સૌથી આગળ છે, જ્યાં લગભગ 80 ટકા મતદાન થયું છે. બંગાળમાં 77.57% મતદાન, યુપીમાં 58.19%, ઉત્તરાખંડમાં 53.97%, તમિલનાડુમાં 63.6%, રાજસ્થાનમાં 55.68%, પુડુચેરીમાં 73.50%, મહારાષ્ટ્રમાં 55.35%, મધ્ય પ્રદેશમાં 64.59%, જમ્મુ કાશ્મીરમાં 65.08% અને છત્તીસગઢમાં 63.41% મતદાન થયું છે.

2019માં લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં 69.58 મતદાન થયું હતું. 2019માં પ્રથમ તબક્કામાં 20 રાજ્યની 91 સીટો પર મતદાન થયું હતું.

આ દિગ્ગજ નેતાઓના ભાવી ઇવીએમમાં બંધ

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા અગ્રણી નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સર્બાનંદ સોનોવાલ, કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને દ્રવિડ મુનેત્ર કઝગમના કનિમોઝીનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં ભાજપનો ચૂંટણી પ્રચાર સંભાળી રહેલા કે અન્નામલાઈ પણ પ્રથમ તબક્કાના ઉમેદવારમાં સામેલ છે. ગડકરી અને સોનોવાલ ઉપરાંત સાત અન્ય કેન્દ્રીય મંત્રીઓમાં ભૂપેન્દ્ર યાદવ, કિરેન રિજિજુ, સંજીવ બાલિયાન, જિતેન્દ્ર સિંહ, અર્જુન રામ મેઘવાલ, એલ મુરુગન અને નિસિથ પ્રામાણિકના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં જનતાએ શાંતિની વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પશ્ચિમ બંગાળ, મણિપુર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાંથી હિંસાની ખબર સામે આવી હતી. કેટલીક જગ્યાએ ફાયરિંગ થયું તો કેટલીક જગ્યાએ EVM તોડવાનો પ્રયાસ થયો હતો.

આ પણ વાંચો – શું વિદેશમાં રહેલા એનઆરઆઈને દેશની ચૂંટણીમાં વોટ કરવાનો અધિકાર છે? જાણો બધી જ વિગતો

કૂચબિહારમાં બૂથ સામે પથ્થરમારાની ઘટના બની

પશ્ચિમ બંગાળમાં અલીપુરદુઆર તુફાનગંજ-2 બ્લોકમાં બરોકોડાલી-1 ગ્રામ પંચાયતના હરિરહાટ વિસ્તારમાં ટીએમસીના કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. ટીએમસીનો આરોપ છે કે ભાજપના સમર્થકોએ જ તોફાન કર્યું હતું અને ઓફિસને આગ ચાંપી દીધી હતી. ભાજપે આવા કોઈ પણ ષડયંત્રનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આવી જ રીતે કૂચબિહારમાં બૂથ સામે પથ્થરમારાની ઘટના બની હતી.

મણિપુરમાં વંશીય હિંસાથી પ્રભાવિત રાજ્યની બે લોકસભા સીટો પર આજે મતદાન થયું હતું. આ દરમિયાન રાજ્યમાં હિંસાના સમાચાર પણ સામે આવ્યા હતા. મણિપુરની ઇનર મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગ થયું હતું. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં પણ એક મતદાન મથક પર ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે ઇમ્ફાલ પૂર્વના થોંગજુમાં એક બૂથ પર પણ ઇવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી.

બીજાપુરમાં એક IED બ્લાસ્ટ થયો

છત્તીસગઢમાં નક્સલીગઢ બીજાપુરમાં એક IED બ્લાસ્ટ થયો હતો. જેમાં એક પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત થયો હતો. તેને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. જે સમયે એરિયા ડોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો અને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ