Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો છે. આ વખતે રાહુલ અમેઠીથી ચૂંટણી નથી લડી રહ્યા, તેના બદલે તેઓ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે એક રેલીમાં કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે સોનિયા ગાંધી પણ ડરીને રાજસ્થાન ચાલ્યા ગયા હતા.
પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં એક જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મે પહેલા જ કહી દીધુ હતુ કે શહેજાદે વાયનાડમાં હારના ડરથી પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમણે અમેઠીથી ભાગીને રાયબરેલીની સીટ પસંદ કરવી પડી છે. આ લોકો ફરી-ફરીને બધાને કહે છે કે ડરો નહીં. હું પણ તેમને એમ જ કહીશ – ડરો મત, ભાગો મત. આજે હું વધુ એક વાત કહીશ કે કોંગ્રેસ આ વખતે પહેલા કરતા ઓછી બેઠકો પર સમેટાઈ જવાની છે.
પીએમ મોદીએ મમતા બેનર્જી ઉપર પણ કર્યો પ્રહાર
પીએમ મોદીએ પોતાનો પ્રહાર માત્ર કોંગ્રેસ સુધી સીમિત ન રાખ્યો, તેમણે મમતા બેનર્જી પર પણ જોરદાર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે ટીએમસીએ સંદેશખાલી કેસમાં માત્ર એટલા માટે કાર્યવાહી નથી કરી કારણ કે તે વ્યક્તિ અન્ય સમુદાયનો છે. પીએમે કહ્યું કે બંગાળની ટીએમસી સરકારે અહીં હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. આ કેવા લોકો છે કે તેમને જય શ્રી રામના નારા સામે પણ વાંધો છે. હું ટીએમસી સરકારને પૂછવા માંગુ છું કે અહીં સંદેશખાલીમાં અમારી દલિત બહેનો સાથે આટલો મોટો ગુનો થયો. આખો દેશ કાર્યવાહીની માંગ કરતો રહ્યો, પરંતુ ટીએમસી ગુનેગારને બચાવતી રહી. કારણ કે તે ગુનેગારનું નામ શાહજહાં શેખ હતું.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી : રાયબરેલી રાહુલ ગાંધી માટે ‘સુરક્ષા કવચ’ સમાન, 20 વર્ષ પછી ફરી માતા સોનિયા બની ‘સહારો’
ટીએમસી, લેફ્ટ અને કોંગ્રેસ પાસે વિકાસનું વિઝન નથી – પીએમ મોદી
પીએમ મોદીએ પણ પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે ટીએમસી, લેફ્ટ અને કોંગ્રેસ પાસે વિકાસનું વિઝન નથી. ડાબેરીઓ, કોંગ્રેસ અને ટીએમસી કોઇ રાજ્યની કેવી સ્થિતિ કરી શકે છે તે તમે સારી રીતે જાણો છો. અહીં નજીકમાં જ ત્રિપુરાને ડાબેરીઓએ તબાહ કરીને નાખ્યું હતું. પરંતુ છેલ્લા 5 વર્ષમાં ભાજપે આખા ત્રિપુરાનું જીવન બદલી નાખ્યું છે.





