PM Narendra Modi Net Worth: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (14 મે 2024) ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદીએ નામાંકન સમયે પોતાનું ચૂંટણી સોગંદનામું પણ દાખલ કર્યું હતું. જેમાં તેમણે પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે માહિતી આપી છે. એફિડેવિટ મુજબ પીએમ નરેન્દ્ર મોદી પાસે પોતાનું કોઇ ઘર નથી. આ સિવાય તેમની પાસે કોઇ કાર પણ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં 73,304 રૂપિયા જમા છે. જ્યારે વારાણસી શાખામાં 7000 રૂપિયા જમા છે.
પીએમ નરેન્દ્ર મોદી પાસે છે 2 કરોડની એફડી
પીએમ મોદીએ સોગંદનામામાં છેલ્લા 5 વર્ષની આવક વિશે પણ માહિતી આપી છે. વર્ષ 2018-19માં તેમણે આઇટીઆરમાં પોતાની આવક 11,14,230 રૂપિયા દર્શાવી હતી. તે જ સમયે 2019-20 માં 17,20,760 રૂપિયા, 2020-21 માં 17,07,930 રૂપિયા, 2021-22 માં 15,41,870 રૂપિયા અને 2022-23 માં પીએમએ તેમની આવક 23,56,080 રૂપિયા દર્શાવી હતી.
આ પણ વાંચો – PM મોદીની ઉમેદવારીનો પ્રસ્તાવ મૂકનાર ચાર પ્રસ્તાવક કોણ છે
સોગંદનામા મુજબ પીએમ મોદી પાસે 31 માર્ચ 2024ના રોજ 24,920 રૂપિયા રોકડા હતા અને ગઇકાલે એટલે કે 13 મે 2024ના રોજ 28 હજાર રૂપિયા રોકડા ઉપાડ્યા હતા. એટલે કે તેમની પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ છે. પીએમ પાસે એસબીઆઈમાં કુલ 2 કરોડ 85 લાખ 60 હજાર 338 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ છે.
પીએમ મોદી પાસે ચાર સોનાના વીંટી પણ છે
પીએમ નરેન્દ્ર મોદી પાસે 9,12,398 રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ છે. પીએમએ પોતાના સોગંદનામામાં ચાર સોનાની વીંટી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 45 ગ્રામ સોનાની કિંમતની આ વીંટીઓની કિંમત આશરે 2,67,750 રૂપિયા છે. ચૂંટણી પંચમાં આપવામાં આવેલા એફિડેવિટ મુજબ પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયા છે.
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ 1967માં એસએસસી બોર્ડ, ગુજરાતમાંથી એસએસસી કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. જ્યારે 1983માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.