Lok Sabha Election 2024 Phase 3 Voting Updates, લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન 2024 : લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થઇ ગયું છે. ત્રીજા તબક્કામાં 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થયું હતું. સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થતાં મતદાન તે બેઠક પર મતદાન થયું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંતિમ અપડેટ મળ્યા ત્યારે 59.20 ટકા મતદાન થયું હતું.
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું.
મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે.
જાફરાબાદમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન મથકમાં મહિલા કર્મચારીનું મોત
જાફરાબાદની સાગર પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક દરમિયાન ઢળી પડ્યા હતા. ચાલુ મતદાનમાં ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.
ગુજરાતમાં સરેરાશ 59.20 ટકા મતદાન
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં 25 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે.
બેઠક સરેરાશ મતદાન (ટકાવારી) કચ્છ 55.05 બનાસકાંઠા 67.74 પાટણ 57.88 મહેસાણા 59.04 સાબરકાંઠા 63.04 ગાંધીનગર 59.19 અમદાવાદ પૂર્વ 53.88 અમદાવાદ પશ્વિમ 53.42 સુરેન્દ્રનગર 54.32 રાજકોટ 59.60 પોરબંદર 51.76 જામનગર 57.17 જુનાગઢ 58.80 અમરેલી 49.22 ભાવનગર 52.01 આણંદ 63.96 ખેડા 57.43 પંચમહાલ 57.60 દાહોદ 58.66 વડોદરા 61,33 છોટા ઉદેપુર 67.18 ભરૂચ 68.75 બારડોલી 64.59 નવસારી 57.36 વલસાડ 70.58
લોકસભા ચૂંટણી 2024 ત્રીજો તબક્કો : સાત કેન્દ્રીય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં
ત્રીજા તબક્કાના મતદાનમાં સાત કેન્દ્રિય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કેન્દ્રિય મંત્રીઓની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી એસ પી સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પર્યટન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈક, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું ભાવિ 7 મે ના રોજ ઈવીએમમાં કેદ થઇ ગયું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ તેમજ કર્ણાટકના બે પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઇ અને જગદીશ શેટ્ટાર મેદાનમાં છે.






