Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024: શું ખેડૂતોની આવક બમણી કરવાનો મુદ્દો ખતમ થઈ ગયો?

Lok Sabha Election 2024 And Farmers Income Doubled Issue : લોકસભા ચૂંટણી 2024 માં ખેડૂતોના મુદ્દા પર ફોકસ ઓછુ જોવા મળી રહ્યું છે, પરંતુ ગત ચૂંટણીમાં એક વચન ખેડૂતોની આવક બમણી કરવાનું હતુ, જે ખુદ પીએમ મોદીએ કર્યું હતું. તો જોઈએ ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં, કેમ વચન અધૂરુ રહ્યું.

Written by Kiran Mehta
Updated : April 30, 2024 18:28 IST
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024: શું ખેડૂતોની આવક બમણી કરવાનો મુદ્દો ખતમ થઈ ગયો?
લોકસભા ચૂંટણી 2024 : ખેડૂતોની આવક બમણી મામલો (ફોટો - એક્સપ્રેસ)

અંકિત રાજ | Lok Sabha Election 2024 And Farmers Income Doubled Issue : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના બે કાર્યકાળ પૂર્ણ થઈ ગયા છે. ભાજપ ત્રીજી ટર્મ મેળવવા માટે પ્રચાર કરી રહી છે. વિપક્ષ ‘મોદી સરકાર’ની ખામીઓ ગણાવી રહ્યો છે અને અધૂરા વચનોની યાદી બતાવી રહી છે.

આવું જ એક વચન ખેડૂતોની આવક બમણી કરવાનું છે, જે ખુદ પીએમ મોદીએ કર્યું હતું. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ ખેડૂતોની આવક બમણી કરવાની વાત નથી કરી રહી. ભાજપના પ્રચારમાં આ વાતને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવવામાં આવી રહી નથી.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પ્રાકૃતિક ખેતી, સહકારી નીતિ અને સન્માન નિધિના સંદર્ભમાં ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આવક બમણી કરવાના વચનો ન તો દોહરાવવામાં આવ્યા હતા, ન તો સરકારે ખેડૂતોની આવક બમણી કરી હોવાની સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી . ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે શું લખ્યું છે? તમે તેને નીચે આપેલ PDF માં જોઈ શકો છો :

ખેડૂતોની આવક બમણી કરવાનું વચન

2016 માં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે, તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે. તેનો ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારે એક કમિટી પણ બનાવી છે.

સરકારી સમિતિએ અનુમાન લગાવ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમની વાર્ષિક આવકમાં 10.4 ટકાનો વધારો કરવો પડશે. પરંતુ સરકારના પોતાના જ સર્વેક્ષણો દર્શાવે છે કે, ખેડૂતોની આવકમાં વાર્ષિક વધારો માત્ર 2.8% થયો છે.

બમણી આવક ધરાવતા ખેડૂતોની યાદી

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉલ્લેખ ભલે ન હોય, પરંતુ વર્ષ 2022 માં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ એવા ખેડૂતો પર એક પુસ્તક બહાર પાડ્યું હતું, જેમની આવક બમણી થઈ ગઈ છે. પુસ્તકમાં સરકારી સંસ્થાએ 75,000 ખેડૂતોની માહિતી આપી છે. જો કે, ન્યૂઝલોન્ડ્રીની તપાસ દર્શાવે છે કે, આ પુસ્તક એવા ખેડૂતોની આવક બમણી કરવાનો પણ દાવો કરે છે, જેમની પાસે ખેતી માટે જમીન પણ નથી, અથવા જેમણે લાંબા સમય પહેલા જ ખેતી છોડી દીધી છે.

ખેડૂતોને રીઝવવાના પ્રયાસો નિષ્ફળ ગયા

2019 ના બજેટમાં, સરકારે આવક-સહાય યોજનાની જાહેરાત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. પરંતુ સૌથી મોટો ફેરફાર 2020 માં આવ્યો, જ્યારે સરકારે સંસદમાં ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા. આ કાયદાઓ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય કૃષિ બજારને વચેટિયાઓ અને ભાવ નિયમનથી મુક્ત કરવાનો હતો.

જોકે, ખેડૂતોને સરકારના સુધારા ગમ્યા ન હતા. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેનો મોટા પાયે વિરોધ કર્યો હતો. વિરોધ એક વર્ષ સુધી ચાલુ રહ્યો.

સખત વિરોધનો સામનો કરી રહેલી મોદી સરકાર પાસે 2021 ના અંતમાં કાયદાને રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સરકારે યુ-ટર્ન લીધો અને કહેવાતા સુધારાઓ અવઢવમાં રહી ગયા. સ્થિતિ એવી છે કે, ખેડૂતો હજુ પણ તેમની આવક વધારવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો – જર્મની અને બ્રિટનમાં ભારત કરતાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઓછું, અમીરોના પૈસાથી ગરીબોને કેટલો ફાયદો થઈ શકે?

હરિયાણા જેવા કૃષિપ્રધાન રાજ્યમાં ભાજપના ઉમેદવારો ખેડૂતોના રોષનો સામનો કરી રહ્યા છે. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ભાજપ હરિયાણાની તમામ 10 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ખેડૂતોના વિરોધ વચ્ચે ભાજપ આ વખતે કેવું પ્રદર્શન કરે છે, તે તો 4 જૂને જ ખબર પડશે.

વિકસિત ભારતમાં ખેડૂતોની સ્થિતિ

ભાજપના મેનિફેસ્ટોમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, ICRIER (ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ) ખાતે કૃષિના પ્રોફેસર અશોક ગુલાટીએ વિકસિત રાષ્ટ્રની કલ્પનામાં દેશના ખેડૂતોની સ્થિતિ વિશે વાત કરી હતી.

આ પણ વાંચો – નરેન્દ્ર મોદીના 10 વર્ષ : ડોલરના મુકાબલે રૂપિયો નબળો થયો હોવા છતા રૂપિયાની તાકાત વધી

ડેટા દર્શાવે છે કે, ભારતની કુલ જીડીપીમાં કૃષિનો ફાળો માત્ર 18 ટકા હોવા છતાં, 45 ટકા લોકો હજુ પણ કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા છે.

ગુલાટી લખે છે કે, જો આપણે આ ગતિએ આગળ વધતા રહીશું તો 2047 સુધીમાં જીડીપીમાં કૃષિનું યોગદાન વધુ ઘટશે, પરંતુ તેમ છતાં દેશના 30 ટકાથી વધુ લોકો કૃષિ સંબંધિત કામ પર જ નિર્ભર રહેશે. તે સવાલ ઉઠાવે છે કે, શું વિકસિત ભારતમાં ખેડૂતો પણ સમૃદ્ધ થશે? તેમને ડર છે કે, વિકસિત ભારતમાં ટોચના 25 ટકામાં નહીં આવેને?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ