Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 હવે છઠ્ઠા તબક્કામાં પહોંચી ગઈ છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારબાદ 1 જૂને છેલ્લા તબક્કાનું અને 4 જૂને પરિણામ જાહેર થશે. પરંતુ આ બધી રાજનીતિ વચ્ચે કેટલાક એવા ટેક્નિકલ શબ્દો છે કે જે હવે દરેકના મનને પરેશાન કરી રહ્યાછે? આ વખતે દરેક તબક્કાના મતદાન પછી એક વિવાદ ઉભો થઈ રહ્યો છે કે મત ટકાવારીના અગાઉના આંકડા અને અંતિમ આંકડા વચ્ચે ઘણો તફાવત છે. આ ચર્ચામાં ફોર્મ 17સી નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
ફોર્મ 17C શું છે?
હવે અહીં તમને આ ફોર્મ 17C નો અર્થ સરળ ભાષામાં જણાવી દઈએ. ચૂંટણીની ભાષામાં એક કાયદો છે, તેનું નામ ‘કંડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961’ છે. હવે આ નિયમ હેઠળ બે ફોર્મ છે- પ્રથમ ફોર્મનું નામ ફોર્મ 17-એ અને બીજા ફોર્મનું નામ – 17સી છે. હવે ફોર્મ 17-એ મતદારોનું એક રજિસ્ટર છે. જ્યારે તમે મત આપવા જાઓ છો ત્યારે બૂથ પર એક પોલિંગ ઓફિસર હોય છે, તે તમારી બધી માહિતી લખે છે, એક જ જગ્યાએ તેની નોંધ કરે છે.
હવે જ્યાં તે બધી માહિતી લખવામાં આવી છે, ત્યાં તેને ફોર્મ 17-એ કહેવામાં આવે છે. હવે તમારા મનમાં સવાલ થશે કે ફોર્મ 17સી શું છે? મતદારની વિગતો હોય છે તેને 17-એ માં દાખલ કરવામાં આવે છે, જયારે વોટ આપવામાં આવી રહ્યા હોય છે, તેના જેટલા પણ લેખા-જોખા હોય તેની વિગતો 17C માં ભરવામાં આવે છે.
આ પણ વાંચો – સ્વાતિ માલીવાલે કહ્યું – બિભવે મને 7-8 થપ્પડ મારી, મેં મદદ માટે ચીસો પાડી પણ કોઈ આવ્યું નહીં
હવે ફોર્મ 17C થોડું મૂંઝવણભર્યું લાગે છે કારણ કે તેના પણ બે ભાગ છે. આ ફોર્મનો પ્રથમ ભાગ મતદાનના દિવસે જ ભરવાનો હોય છે. તેમાં બૂથ પર ઉપયોગમાં લેવાતા ઈવીએમ વિશે માહિતી હોય છે અને તેનો આઈડી નંબર લખેલો હોય છે. આ ઉપરાંત કુલ મતદારોની સંખ્યા, મતદાન મશીન દીઠ કુલ કેટલા મત નોંધાયા છે તે પણ ફોર્મ 17C ના પ્રથમ ભાગમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે ફોર્મનો બીજો ભાગ હોય છે તેમાં ફક્ત ફાઈનલ પરિણામ લખવામાં આવે છે.
હવે શું છે વિવાદ?
હવે ચૂંટણી આચરણ નિયમ 1961ના નિયમ 49એસ માં કહેવામાં આવ્યું છે કે દરેક પોલિંગ ઓફિસરે ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે તેની જાણકારી આપવી પડે છે. મોટી વાત એ છે કે કોઈપણ પાર્ટીનો પોલિંગ એજન્ટ પોલિંગ ઓફિસર પાસે આ ડેટા માંગી શકે છે. આવી સ્થિતિમાં તેનો રેકોર્ડ રાખવો ફરજિયાત હોવાનું કહેવાય છે. પરંતુ હવે હાલના વિવાદની વાત કરીએ તો એડીઆરએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે મતદાન મથકવાર ફોર્મ 17સી પાર્ટ-1 અને મતવિસ્તાર પ્રમાણે મતદાનના ડેટા દરેક તબક્કાના મતદાન બાદ જાહેર કરવા જોઇએ. તેને ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવે.
એ વાત અલગ છે કે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે જો આ રીતે તમામ ડેટા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે તો ભ્રામક સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. તસવીરો સાથે છેડછાડની શક્યતા પણ વધી જાય છે.