Lok Sabha Election Results 2024 : આ વખતે લોકસભાની ચૂંટણીનો જનાદેશ આવ્યો છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. ચૂંટણી પહેલા ચર્ચા હતી કે આ વખતે જંગી જનાદેશ મળવાનો છે, કેન્દ્રમાં મજબૂત સરકાર બનવા જઈ રહી છે. પરંતુ જે પરિણામો આવ્યા છે તેમાં એનડીએને ચોક્કસ બહુમતી આપવામાં આવી છે, પરંતુ ભાજપ આ જ બહુમતીના આંકડાથી ઘણો પાછળ રહી ગયો છે. ભાજપે પોતાના દમ પર માત્ર 240 સીટો જીતી છે
મોદી-શાહને લઇને સવાલ ઉભો થશે
હવે એનડીએને બહુમત મળવાનો અર્થ એ છે કે આ વખતે ક્ષેત્રીય પક્ષો વધુ મજબૂત બનશે, આ વખતે બધાને સાથે લઈને ચાલવું જરૂરી રહેશે. પરંતુ સવાલ એ પણ થાય છે કે શું મોદી તમામ પક્ષોને સાથે લઈ ચાલી શકે છે? શું મોદી-શાહની જોડી ખરેખર ગઠબંધન સરકાર ચલાવી શકે છે? હવે સત્ય એ છે કે 2014 અને 2019માં ગઠબંધનની સરકાર હતી પરંતુ ત્યારે ભાજપના પોતાના દમ પર બહુમતમાં હતો. આવી સ્થિતિમાં જો સાથી પક્ષોએ સહકાર ન આપ્યો હોય તો પણ સરકારને કોઈ જોખમ ન હતું.
મોદી-શાહને હંમેશા પૂર્ણ બહુમત મળ્યો
પરંતુ આ વખતે મોટો તફાવત એ છે કે મોદી-શાહે સંપૂર્ણપણે તેમના સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. તેમાં પણ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે તાલમેલ બેસાડવો વધુ જરૂરી છે. હવે મોદી-શાહ માટે આ એક મોટો પડકાર બની રહેવાનો છે કારણ કે આ બંને નેતાઓને હજુ સુધી ગઠબંધન સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. પીએમ મોદીએ પોતાના મુખ્યમંત્રી પદની શરૂઆત ગુજરાતથી કરી હતી. હવે તેને લોકપ્રિયતા કહેવાય કે ભાજપનું સંગઠન, તેમના નેતૃત્વમાં દરેક વખતે ગુજરાતમાં પાર્ટીએ પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવી હતી.
મોદીની કાર્યશૈલી ગઠબંધનની રાજનીતિથી વિપરીત
વર્ષ 2001 પછીથી અત્યાર સુધી ગુજરાતમાં એક પણ ચૂંટણી એવી નથી કે જેમાં ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળી હોય. દર વખતે બહુમતથી વધુ સીટો આવી અને આ કારણે સરકાર પર ક્યારેય કોઈ સંકટ હતું નહીં. આ પ્રકારના જનાદેશને કારણે જ મોદીને અન્ય સાથી પક્ષોની ખાસ જરૂર રહેતી ન હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે પીએમ મોદી પોતાના સાથી નેતાઓથી વધારે અધિકારીઓ સાથે તાલમેલ બેસાડવામાં વિશ્વાસ રાખે છે. તેમની નજરમાં તમામ યોજનાઓને અમલમાં મૂકવાનું કામ કરે બ્યુરોક્રેટ્સ કરે છે. એટલે જ હવે જ્યારે તેમણે સાથી પક્ષો સાથે ખરા અર્થમાં વાટાઘાટો કરવાની છે ત્યારે ખરી કસોટી જોવા મળશે.
આમ જોવા જઈએ તો પીએમ મોદી અને અમિત શાહને ક્યારેય ગઠબંધન સરકાર ચલાવવાનો મોકો મળ્યો નથી. 2014થી બંને નેતાઓનું વલણ એક સરખું જ રહ્યું છે, અનેક પાર્ટીઓ છોડીને જતી રહી છે. તેમની વિદાય જ દર્શાવે છે કે ભાજપના વર્તમાન નેતાઓ તાલમેલ બેસાડવાના મામલે કંઈક અંશે નબળા જણાય છે. મોટી વાત એ છે ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ મોદી-શાહ પાસે નથી. અટલ બિહારી વાજપેયીને તેના માહેર ખેલાડી માનવામાં આવતા હતા.
વાજપેયી પાસેથી શીખો ગઠબંધન સરકાર કેવી રીતે ચલાવવી
અટલ બિહારી વાજપેયીને ઘણા અવસર પર પીએમ બનવાનો જનાદેશ મળ્યો, પરંતુ તેઓ ક્યારેય પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી શક્યા નહીં. આ કારણે એ મજબૂરીઓએ તેમને અન્ય નેતાઓ સાથે તાલમેલ કરવાનું શીખવ્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ એનડીએની રચના કરી ત્યારે તેમણે પૂરા પાંચ વર્ષ સુધી 20 પક્ષો સાથે સરકાર ચલાવી હતી. તેમની સાથે અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને પ્રમોદ મહાજન જેવા નેતાઓ પણ હતા. જેમણે પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ઘણા પક્ષો સાથે સારા સંબંધો બતાવ્યા હતા. આ જ કારણોસર વિકાસના કામો પણ થયા, રસ્તાઓનો વિસ્તાર પણ થયો પરંતુ ભાજપે તેના ઘણા મોટા એજન્ડા બેકફૂટ પર રાખવા પડ્યા હતા.
આ પણ વાંચો – નબળા પરિણામથી ભાજપની અંદર પણ આવશે ફેરફાર, હાઇકમાન્ડે બદલવી પડશે કાર્યશૈલી, ઘણા નેતાઓને આશા
હિન્દુત્વના મુદ્દે ભાજપ ઝડપથી આગળ વધે છે, મોદી-શાહે પોતાના કાર્યકાળમાં તેને એક નવું પરિમાણ આપવાનું કામ કર્યું છે. સીએએ લાવવાની વાત હોય કે પછી કલમ 370ને ખતમ કરવાની વાત હોય, ત્રણ તલાકને હટાવવાની વાત હોય કે પછી અન્ય કોઈ મોટું પગલું હોય, કારણ કે મોદી-શાહની પાસે પ્રચંડ બહુમતી હતી. એવામાં આવા બધા જ નિર્ણયો લઇ શકાયા હતા. પરંતુ હવે નિર્ણયો એટલી સરળતાથી નહીં લેવાય, દરેક પક્ષ સાથે વાત કરવી પડશે, દરેક નિર્ણય પહેલા તેમને પૂછવું પડશે. આ મજબૂરી વર્તમાન નેતૃત્વની કાર્યશૈલીથી તદ્દન વિરુદ્ધ લાગે છે.
ગુજરાત રમખાણ અને નાયડૂએ કરી હતી મોદીના રાજીનામાની માંગ
એ પણ સમજવા જેવું છે કે આ વખતે મોદી-શાહની સૌથી મોટી નિર્ભરતા ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર પર છે, જે બંને નેતાઓ વર્તમાન નેતૃત્વ સાથે બહુ સારા સંબંધો માનવામાં આવતા નથી. રાજકારણમાં કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી હોતો પણ બધી જ ફરિયાદો એક સાથે ભૂલાઈ જાય એવું લાગતું નથી. ચંદ્રાબાબુ નાયડુ અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં ઘણા પ્રસંગોએ ટકરાવ જોવા મળ્યો છે.
આ 2002 ની વાત છે જ્યારે ગુજરાતમાં ભયાનક રમખાણો થયા હતા. તે રમખાણો પછી એનડીએના પહેલા નેતા ચંદ્રબાબુ નાયડુ હતા જેમણે ખુલ્લેઆમ મોદીના રાજીનામાની માંગ કરી હતી. તેમના તરફથી એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે મોદી રમખાણો રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. એ જ રીતે નીતિશકુમાર સાથે મોદીની વ્યક્તિગત કેમિસ્ટ્રી ક્યારેય આટલી સૌહાર્દપૂર્ણ રહી નથી. 2005ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશે મોદીને રાજ્યમાં પ્રચાર માટે આવવા દીધા ન હતા, 2010માં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. 2013માં જ્યારે મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા તો સૌથી પહેલા નીતિશ નારાજ થયા હતા.
આવી સ્થિતિમાં ગઠબંધન સરકાર ચલાવવી એક પડકાર છે. આની સાથે જ નાયડૂ અને નીતિશને સાથે લઇને ચાલવું પણ પોતાના આપમાં જ એક મોટો પડકાર છે. બંને નેતાઓ ગઠબંધન સરકારમાં રહી ચૂક્યા છે. પોતાની વાતને કેવી રીતે કહેવી તે જાણે છે. આવી સ્થિતિમાં દબાણની રાજનીતિ ઘણી જોવા મળશે. આ રાજકારણ વચ્ચે મોદી-શાહ કેવી રીતે આગળ વધે છે, ત્રીજી ટર્મ સંપૂર્ણપણે તેના પર નિર્ભર રહેવાની છે.