Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024નું પરિણામ માટે મત ગણતરી પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે. દેશ વિદેશના લોકોની નજર છે ત્યારે પહેલા 1 જૂને જાહેર કરાયેલા એક્ઝિટ પોલ આંકડા દક્ષિણ ભારતમાં ભાજપનો ઉદય દર્શાવી રહ્યા છે. ભાજપની આગેવાનીમાં એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પરિણામ 2024 ભાજપ માટે નવો રેકોર્ડ બનાવે એવી સંભાવના જોવાઇ રહી છે.
ભાજપ સતત દક્ષિણમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપ કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં પણ વોટ શેર વધવાની આશા છે.
કેરળ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપને 2 બેઠકો જીતવાનું અનુમાન
કેરળ યુડીએફનો મજબૂત ગઢ છે, તેમ છતાં એક્ઝિટ પોલ્સ અનુસાર ભાજપ અહીં પોતાની હાજરી નોંધાવવા જઈ રહ્યું છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ આ રાજ્યમાં બે બેઠકો જીતી શકે છે. કેરળની એક પણ લોકસભા સીટ ભાજપે આજ સુધી જીતી નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં યુડીએફએ કેરળની 20 લોકસભા સીટોમાંથી 19 સીટો પર જીત મેળવી હતી અને ત્યારબાદ માનવામાં આવી રહ્યુ હતુ કે રાહુલ ગાંધીના વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડવાના કારણે આવુ થયુ હતુ. ડાબેરી પક્ષોના ગઠબંધન ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને માત્ર એક જ બેઠક મળી હતી.
તમિલનાડુ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : તમિલનાડુમાં ભાજપ જીતી શકે છે 4 સીટો
તમિલનાડુના એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો રાજ્યની 39 લોકસભા સીટોમાંથી ડીએમકેને 33થી 37 સીટો અને બીજેપીને ચાર સીટો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં એક પણ બેઠક મળી ન હતી. ડીએમકે ગઠબંધને 38 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ એનાલિસિસ : દરેક સંભવિત નુકસાનની ભરપાઈ! અમિત શાહના ‘મિશન 120’ એ કેવી રીતે ભાજપને મજબૂત બનાવ્યું
તમિલનાડુમાં એક્ઝિટ પોલના આંકડાને રાજ્યમાં ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઈના નેતૃત્વ સાથે જોડવામાં આવી રહ્યા છે. ભાજપે અહીં એઆઇએડીએમકેનું સ્થાન લેવાનો પ્રયાસ કર્યો છે. એઆઈએડીએમકે પોતાના આંતરિક ઝઘડા સામે લડી રહી છે.
કર્ણાટક લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જેડીએસ સાથે ગઠબંધનથી ફાયદો?
કર્ણાટકમાં ભાજપ 2019 જેવી સફળતાનું પુનરાવર્તન કરે તો ચોક્કસ નવાઈ લાગશે. તે સમયે ભાજપે કર્ણાટકની 28માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઇ હતી. અહીં તમામ ચેનલોના એક્ઝિટ પોલમાં ભાજપને સરેરાશ 23 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સૂચવે છે કે જેડીએસ સાથેના જોડાણથી ભાજપને ફાયદો થયો છે.
તેલંગાણા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : તેલંગાણામાં ભાજપને 11-12 સીટો મળી શકે છે
તેલંગાણા વિશે એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવેલા આંકડા જો સાચા સાબિત થશે તો ભાજપને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેલંગાણામાં ભાજપ ક્યારેય મજબૂત તાકાત રહી નથી. અહીં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણાની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપની અહીં કોંગ્રેસ સાથે જોરદાર સ્પર્ધામાં છે. એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં ભાજપને 11-12 સીટો મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ આ રાજ્યની ચાર બેઠકો જીતી હતી.
આંધ્ર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : એનડીએને મોટી જીતનો સંકેત
આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થઈ હતી. એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે કે રાજ્યની 25 લોકસભામાંથી 22 સીટ બીજેપી, ટીડીપી અને જનસેના પાર્ટી ગઠબંધનને મળશે. 2019ની લોકસભા ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસે 22 સીટો પર જીત મેળવી હતી.
જો વાયએસઆર કોંગ્રેસને એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બેઠકો મળે તો એવું માની લેવામાં આવશે કે રાજ્યમાં સત્તા વિરોધી પરિબળ ખૂબ જ શક્તિશાળી રહ્યું છે. વાયએસઆર કોંગ્રેસે આ વખતે મોટા પાયે નવા ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ એ પણ બતાવે છે કે એનડીએ ગઠબંધનનું ચૂંટણી ગણિત આંધ્ર પ્રદેશમાં બેઠકોની વહેંચણી પર યોગ્ય રહ્યું છે.





