લોકસભા ચૂંટણી 2024 માં ભાજપે મોદી સરકાર 3.0 માટે 400 પ્લસ બેઠકો સાથે જીતનો લક્ષ્યાંક રાખ્યો છે. છેલ્લી બે ટર્મથી દેશમાં શાસન ચલાવી રહેલ મોદી સરકારે લોકસભા ચૂંટણી 2014 અને 2019 માં વધુ બેઠકો સાથે પરિણામ સતત સુધાર્યું છે. હવે આ વખતે ચારસોથી વધુ બેઠકો પર ભગવો લહેરાવાના રણટંકાર સાથે ભાજપે ચૂંટણી એલાને જંગ કર્યું છે. જોકે એ તો 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે ભાજપ એના લક્ષ્યમાં પાર ઉતર્યું કે નહીં પરંતુ 400 પ્લસનો રેકોર્ડ અગાઉ થયેલો છે. આવો જાણીએ કે લોકસભા ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો કયા પક્ષે ક્યારે મેળવી હતી.
અબકી બાર 400 પાર … ભાજપ આ સ્લોગન સાથે લોકસભા ચૂંટણી 2024 મેદાને જંગમાં ઉતર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપના આ લક્ષ્યાંકને પુરો કરવા ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ભાજપ આ આંકડાએ પહોંચશે કે કેમ એ તો ચૂંટણી પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે નેતાઓએ ગજવેલી ચૂંટણી સભાઓ મતમાં પરિણમી કે નહીં. જો ભાજપ ચારસો પ્લસ બેઠકો સાથે ચૂંટણી જીતે તો ભારતની સામાન્ય ચૂંટણીમાં આ એક વધુ ઐતિહાસિક ઘટના બનશે.
દેશમાં અત્યાર સુધી યોજાયેલી લોકસભા ચૂંટણી પરિણામ અંગે વાત કરીએ તો સૌથી વધુ બેઠક મેળવવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે છે. દેશમાં કોઇ એક પક્ષ દ્વારા 400 કરતાં વધુ બેઠક પર જીત મેળવવાની ઘટના અત્યાર સુધી એક જ વાર બની છે. રાજીવ ગાંધી એ સફળ નેતા છે કે જેમના નેતૃત્વમાં કોંગ્રેસે આ સિધ્ધિ મેળવી હતી. જે આજે પણ એક કિર્તીમાન સમી છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં વર્ષ 1984 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને રેકોર્ડબ્રેક 414 બેઠકો પર જીત મળી હતી.
લોકસભા ચૂંટણી પરિણામ 1984 – કોંગ્રેસ 414 બેઠક રેકોર્ડ
લોકસભા ચૂંટણી કુલ બેઠક જીતની બેઠક પક્ષ પક્ષના નેતા આઠમી 1984 541 414 કોંગ્રેસ રાજીવ ગાંધી
આઠમી લોકસભાની વર્ષ 1984 ની ચૂંટણી છેલ્લી છે કે જેમાં કોઇ એક પક્ષે 400 થી વધુ બેઠકો જીતી હોય. જોકે એ વખતે શીખ વિરોધી રમખાણ અને બળવાખોરીને પગલે આસામ અને પંજાબમાં ચૂંટણી વિલંબિત કરાઇ હતી અને બાકીની 514 બેઠકો પર ચૂંટણી યોજાતાં કોંગ્રેસને 404 બેઠકો મળી હતી. જોકે બાદમાં આસામ અને પંજાબમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો 10 બેઠકો પર વિજય થયો હતો. આમ કોંગ્રેસને કુલ 414 બેઠકો મળી હતી.
લોકસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસની 414 બેઠકો બાદ બીજા ક્રમનો સૌથી મોટો રેકોર્ડ બીજી લોકસભાની ચૂંટણીમાં નોંધાયો હતો. લોકસભા ચૂંટણી 1957 માં જવાહરલાલ નહેરુના વડપણમાં કોંગ્રેસે 371 બેઠકો પર જીત મેળવી હતી. જે લોકસભાની કુલ બેઠકોનો 75.10 ટકા હિસ્સો હતો. આ ચૂંટણી લોકસભાની 494 બેઠકો માટે યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે પૂર્ણ બહુમત કરતાં 123 બેઠકો વધુ જીતી હતી. જે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મેળવેલી 364 બેઠકો કરતાં વધુ બેઠકો પર જીત મેળવી એ વખતે ઇતિહાસ સર્જ્યો હતો.
લોકસભા ચૂંટણી પરિણામ – ભાજપ કોંગ્રેસ 300 પાર
લોકસભા ચૂંટણી કુલ બેઠક જીતની બેઠક પક્ષ પક્ષના નેતા બીજી 1957 494 371 કોંગ્રેસ જવાહરલાલ નહેરુ પહેલી 1951 489 364 કોંગ્રેસ જવાહરલાલ નહેરુ ત્રીજી 1962 494 361 કોંગ્રેસ જવાહરલાલ નહેરુ સાતમી 1980 529 353 કોંગ્રેસ ઇન્દિરા ગાંધી પાંચમી 1971 542 352 કોંગ્રેસ ઇન્દિરા ગાંધી સત્તરમી 2019 543 303 ભાજપ નરેન્દ્ર મોદી
લોકસભા ચૂંટણી પરિણામમાં કોઇ એક પક્ષ દ્વારા સૌથી વધુ બેઠક જીતવાનો ત્રીજા ક્રમનો રેકોર્ડ પહેલી લોકસભા ચૂંટણીમાં નોંધાયો હતો. વર્ષ 1951 માં યોજાયેલી ચૂંટણીમાં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કોંગ્રેસે કુલ 489 બેઠકો પૈકી 364 બેઠકો પર જીત મેળવી હતી. જે પૂર્ણ બહુમત કરતાં 120 બેઠકો વધુ હતી. લોકસભાની કુલ બેઠકના 74.48 ટકા હિસ્સા પર કોંગ્રેસનો પંજો દેખાયો હતો. આ ચૂંટણીમાં સરેરાશ મતદાન 44.87 ટકા નોંધાયું હતું.
લોકસભા ચૂંટણી પરિણામ વિશે વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં લોકસભાની 17 ચૂંટણી યોજાઇ છે. જેમાં કોઇ એક પક્ષ દ્વારા 400 કરતાં વધુ બેઠક જીતવાનો રેકોર્ડ એક જ વખત નોંધાયો છે. જે રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે 1984 ની ચૂંટણીમાં 414 બેઠકો જીતી ઇતિહાસ રચી દીધો હતો. પૂર્ણ બહુમત સાથે 300 થી 400 બેઠકો વચ્ચે જીત મેળવવાની ઘટના 6 વખત નોંધાઇ છે. જેમાં પ્રથમ પાંચ મોટી જીત કોંગ્રેસ પક્ષે અને એક વખત ભાજપે જીત મેળવી હતી. 1957 માં 371 બેઠક, 1951 માં 364 બેઠક, 1962 માં 361 બેઠક, 1980 માં 353 બેઠક, 1971 માં 352 બેઠક અને લોકસભા ચૂંટણી 2019 માં ભાજપે 303 બેઠક પર જીત મેળવી હતી.
લોકસભા ચૂંટણી પરિણામ – 300 થી ઓછી બેઠકો સાથે જીતનાર પક્ષ
લોકસભા ચૂંટણી કુલ બેઠક જીતની બેઠક પક્ષ પક્ષના નેતા છઠ્ઠી 1977 542 295 જનતા પાર્ટી મોરારજી દેસાઇ ચોથી 1967 520 283 કોંગ્રેસ ઇન્દિરા ગાંધી સોળમી 2014 543 282 ભાજપ નરેન્દ્ર મોદી દસમી 1991 534 244 કોંગ્રેસ નરસિંહ રાવ પંદરમી 2009 543 206 કોંગ્રેસ મનમોહનસિંહ નવમી 1989 529 197 જનતા દળ વી પી સિંહ બારમી 1998 543 182 ભાજપ અટલ બિહારી વાજપાઇ તેરમી 1999 543 182 ભાજપ અટલ બિહારી વાજપાઇ અગિયારમી 1996 543 161 ભાજપ અટલ બિહારી વાજપાઇ ચૌદમી 2004 543 145 કોંગ્રેસ મનમોહન સિંહ
લોકસભા ચૂંટણી પરિણામમાં 200 થી 300 બેઠકો વચ્ચે કોઇ એક પક્ષ દ્વારા જીત મેળવવાની પાંચ ઘટનાઓ નોંધાઇ છે. જેમાં કોંગ્રેસે 1967 માં 283 બેઠક, 1991 માં 244 બેઠક અને 2009 માં 206 બેઠક પર જીત મેળવી હતી. જનતા પાર્ટીએ એક વખત 1977 માં 295 બેઠકો પર જીત મેળવી કોંગ્રેસના ગઢમાં પ્રથમ વખત મોટું ભંગાણ પાડી સરકાર બનાવી ઇતિહાસ રચ્યો હતો. ભાજપે વર્ષ 2014 માં 282 બેઠકો પર જીત મેળવી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.
લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત ન મળ્યો હોય પરંતુ કોઇ એક પક્ષ દ્વારા 100 થી 200 બેઠકો મેળવવાની ઘટના પાંચ વખત નોંધાઇ છે. જેમાં ત્રણ વખત ભાજપે ટેકા સાથે સરકાર બનાવી છે તો એક વખત કોંગ્રેસ અને એક વખત જનતાદળે મોટા પક્ષ તરીકે અન્ય સહયોગી પક્ષોનો ટેકો લઇ સરકાર બનાવી છે.