Written by Pushkar Banakar, લોકસભા ચૂંટણી 2024 : બીજેપી 370 સીટો અને એનડીએ 400ને પાર કરવાના મિશન સાથે આગળ વધી રહી છે. લોકસભામાં 400ને પાર બેઠકોના મિશનને પાર પાડવા માટે ભાજપ તમામ મોરચે લડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધનને લઈને તેની વાતચીત ચાલી રહી છે. તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ ગુરુવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. આ દરમિયાન આંધ્ર પ્રદેશમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા થઈ હતી. આંધ્રપ્રદેશમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે.
લોકસભા ચૂંટણી 2024 : ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણ અને અમિત શાહ વચ્ચે બેઠક
અભિનેતામાંથી રાજકારણી બનેલા જનસેના પાર્ટી (JSP)ના વડા પવન કલ્યાણ પણ ચંદ્રબાબુ નાયડુની અમિત શાહ સાથેની બેઠકમાં હાજર હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેઓએ તેમના પ્રસ્તાવિત ગઠબંધન અને સીટ શેરિંગ ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી. ચંદ્રબાબુ નાયડુ ગુરુવારે હૈદરાબાદથી દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન, ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા જ્યોત્સના થિરુનાગરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ગઠબંધન અંગેની જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવે તેવી શક્યતા છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે ટીડીપી પાસેથી 25 વિધાનસભા અને 7 લોકસભા સીટોની માંગણી કરી છે. જો કે ટીડીપી 15 વિધાનસભા સીટો અને 5-6 લોકસભા સીટો આપવાની વાત કરી રહી છે. ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે તેમણે પવન કલ્યાણની પાર્ટી જેએસપીને પણ સીટ આપવી પડશે. આંધ્ર પ્રદેશમાં 175 વિધાનસભા મતવિસ્તાર અને 25 લોકસભા બેઠકો છે. YS જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCP રાજ્યમાં સત્તા પર છે.
આ પણ વાંચોઃ- યુપી કેબિનેટ : યોગી વિરુદ્ધ અને કેન્દ્રની નજીક, યુપીના નવા કેબિનેટ વિસ્તરણમાં સ્પષ્ટ દેખાઈ મોદીની રણનીતિ
લોકસભા ચૂંટણી માટે નાયડુની આ મુલાકાત મહત્વની
ગયા મહિનાથી ભાજપના ટોચના નેતાઓને મળવા ચંદ્રબાબુ નાયડુની આ બીજી દિલ્હી મુલાકાત છે. આંધ્ર પ્રદેશ બીજેપી ચીફ ડી પૂર્ણેશ્વરી પહેલેથી જ દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા છે. નાયડુની આ મુલાકાત ભાજપ સાથે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવા માટે છે. “ચૂંટણીની સૂચના માટે વધુ સમય બાકી ન હોવાથી, અમે જોડાણ અંગે સ્પષ્ટતા ઈચ્છીએ છીએ,” TDP સૂત્રોએ જણાવ્યું હતું.
ટીડીપી પહેલાથી જ જેએસપી સાથે ગઠબંધનમાં છે. તાજેતરમાં જ ટીડીપી-જેએસપી ગઠબંધને વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. JSP 24 વિધાનસભા બેઠકો અને ત્રણ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.