Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘણા સમય પહેલા ટીએમસીના 42 ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. મમતાએ કેશ-ફોર-ક્વેરીમાં ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ મહુઆ મોઇત્રા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહુઆને કૃષ્ણાનગર બેઠક પર ઉમેદવાર જાહેર કરી હતી. મહુઆને ઘેરવા માટે ભાજપે મોટો દાવ ખેલ્યો છે. મહુઆ મોઇત્રાની સામે ભાજપે રાણી મા અમૃતા રોયને મેદાનમાં ઉતાર્યા છે.
20 માર્ચના રોજ અમૃત રોય બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. રાણી અમૃતા રોયને ચૂંટણીમાં ઉતારવાના ભાજપના નિર્ણયને માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યો છે. અમૃતા રોયને જોડાયાના એક અઠવાડિયા બાદ જ ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. હવે તે મહુઆ મોઇત્રાને ટક્કર આપી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે કૃષ્ણાનગર બેઠક મહુઆ મોઇત્રાનો ગઢ માનવામાં આવે છે.
કોણ છે રાની અમૃતા રોય?
અમૃતા રોય કૃષ્ણાનગરના ‘રાજબાડી’ના રાજમાતા છે. તે કૃષ્ણાનગરથી સંબંધ ધરાવે છે. અહીં 18મી સદીમાં તત્કાલીન મહારાજા કૃષ્ણ ચંદ્ર રોયનું શાસન હતું. કૃષ્ણ ચંદ્રની બંગાળમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તરીકે નામના છે અને એક મહાન રાજા હતા. કૃષ્ણ ચંદ્ર 18 વર્ષની ઉંમરે સિંહાસન પર બિરાજમાન થયા હતા. તેમણે સામાજિક, સાંસ્કૃતિક અને વહીવટી સુધારામાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. તેમણે રાજ્યના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું અને શાસક તરીકે સમાજ અને ભવિષ્ય પર કાયમી અસર છોડી હતી.
આ પણ વાંચો – ચૂંટણી કાર્ડ વગર પણ લોકસભા ચૂંટણીમાં કરી શકો છો મતદાન, જાણો શું છે પ્રક્રિયા
ભાજપને કેવી રીતે ફાયદો?
બંગાળમાં કૃષ્ણ ચંદ્ર રોયના પરિવારનું યોગદાન સારી રીતે યાદ આવે છે અને તેના કારણે અમૃતા રોયની રાજકીય વગ ઘણી મજબૂત સાબિત થઇ શકે છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે રાણી સાહિબાનું ભાજપમાં જોડાવું ભાજપ માટે મોટો ફાયદો બની શકે છે. જો તે આ બેઠક જીતી જાશે તો તે ટીએમસી માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે અમૃતા રોયની ઉમેદવારીથી ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ વધશે અને રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સામે આકરી ટક્કર આપવામાં પણ પાર્ટીને મદદ મળશે. નાદિયા જિલ્લા નેતૃત્વએ સૌ પ્રથમ અમૃતા રોયને મેદાનમાં ઉતારવામાં રસ દાખવ્યો હતો. પાર્ટીએ તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને લોકસભાની ચૂંટણી લડવા માટે અનેક તબક્કાની વાતચીત કરી હતી ત્યારબાદ તેઓ 20 માર્ચે ભાજપમાં જોડાયા હતા.