Congress Manifesto : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પાર્ટીએ આ ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ મેનિફેસ્ટોને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. તેમણે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ફાડી નાખ્યો અને કહ્યું કે તેની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે તેમાં ન્યૂયોર્ક અને થાઈલેન્ડના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે હાલમાં જ સોશિયલ મીડિયા અધ્યક્ષે કહ્યું કે તેમને ખબર નથી કે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોણ સંભાળી રહ્યું છે. ઓછામાં ઓછું પાર્ટીને તો ખબર હોવી જોઈએ કે તેમનો ચૂંટણી ઢંઢેરો કોણ તૈયાર કરી રહ્યું છે. તેમણે ફોટો બતાવીને કહ્યું કે આ તસવીર રાહુલ ગાંધીના મનપસંદ સ્થળ થાઈલેન્ડની છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં આ જ વાત મૂકવામાં આવી છે.
કોંગ્રેસે પોતાનું એક પણ વચન પૂરું કર્યું નથી
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ખોટી તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કોઈ મોટો મુદ્દો નથી. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ તસવીરો વિદેશી સંસ્થાઓની છે. અત્યાર સુધી તેઓ વિદેશ જઈને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરતા આવ્યા છે. પરંતુ હવે તેઓ પોતાના માટે વિદેશી તસવીરો ઉધાર લઈ રહ્યા છે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે તેના શાસન દરમિયાન તેના ઢંઢેરામાં કેન્દ્ર અથવા રાજ્યમાં કરેલા વચનોમાંથી એક પણ પૂર્ણ કર્યું નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપર પણ કર્યો વળતો પ્રહાર
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે ભારતમાં એક સોય પણ બનતી ન હતી. આ વાત તદ્દન ખોટી છે. સીવી રામનને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના 1909માં કરવામાં આવી હતી. પરંતુ તેઓ માનતા રહ્યા કે બધું જ નહેરુ પછી થયું છે.
આ પણ વાંચો – ચૂંટણીમાં ડિપોઝીટ ક્યારે જપ્ત થાય છે? લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ
કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યો ઢંઢેરો
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાંચ પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે. ઘોષણાપત્રમાં યુવાઓને સરકારી નોકરી, 400 રૂપિયા ન્યૂનતમ વેતન, ગરીબ મહિલાઓ માટે 1 લાખ રૂપિયાની મદદ, ટ્રેનિંગ માટે એક લાખની મદદ, શહેરી રોજગાર ગેરેન્ટી યોજના લાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી ચિરંજીવી યોજનાના તર્ક પર દેશભરમાં 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે કેશલેસ વીમા યોજના લાગુ કરવામાં આવશે.
મહાલક્ષ્મી યોજના હેઠળ પરિવારની સૌથી વૃદ્ધ મહિલાઓને વાર્ષિક 1 લાખ આપવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી ચિદમ્બરમ, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, સચિન પાયલટ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી લોકતંત્ર અને સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે. તેમણે કહ્યું કે આજે બંધારણ પર મોટો ખતરો છે. તેને બચાવવા માટે ઇન્ડિયા એલાયન્સ કામ કરી રહ્યું છે. કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે આ લડાઈ મૌલિક અધિકારોની છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહી અને બંધારણ પર સતત પ્રહાર કરી રહી છે.





