Lok Sabha Elections 2024 : કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે પીડીએ ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણીમાં ઉતરી છે. સપા 62, કોંગ્રેસ 17 અને ટીએમસી એક બેઠક પર ચૂંટણી લડશે. પાર્ટીએ હજુ સુધી પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, જેમાં તેની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલીનો પણ સમાવેશ થાય છે. 2019ની લોકસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની પહેલી યાદીમાં કોંગ્રેસે અમેઠીથી તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધીની જાહેરાત કરી હતી.
અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર કોઈ પણ ઉમેદવારની પસંદગી થવામાં પાર્ટીનો વિલંબ અને નિષ્ફળતા ખૂબ જ આશ્ચર્યજનક છે. આ કારણે સવાલ પણ ઉભા થયા છે કે શું પાર્ટી આ બંને સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવામાં વધારે માથાપચ્ચી કરી રહી છે અને શું આ વખતે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી આમાંથી કોઇ બેઠક પર ચૂંટણી લડતા જોવા મળશે કે નહીં?
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીની બેઠક છોડી ચૂક્યા છે અને રાજસ્થાનથી રાજ્યસભાની બેઠક મારફતે સંસદમાં પહોંચ્યા છે. તેમના ગયા બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલીની સીટ મળશે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
રાહુલ અમેઠી લોકસભા સીટ હારી ચુક્યા છે
પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે 8 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 12 યાદીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, પરંતુ અમેઠી, કે રાયબરેલીનો કોઈ ઉલ્લેખ નથી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. જોકે તેઓ વાયનાડથી પણ ઉતર્યા હતા જેના કારણે તેઓ જીતીને સંસદ પહોંચ્યા હતા. આ વખતે તેમની પણ અમેઠીથી ચૂંટણી લડવા અંગે શંકા છે.
પાંચમા તબક્કામાં અમેઠી અને રાયબરેલીમાં મતદાન
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે નિર્ણય કરવા માટે પૂરતો સમય છે કારણ કે આ બંને બેઠકો પર પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ મતદાન થવાનું છે, જેમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મેના રોજ છે. રસપ્રદ વાત એ છે કે પાર્ટીએ મહારાજગંજ, દેવરિયા, બાંસગાંવ અને વારાણસી જેવી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યાં સૌથી છેલ્લે મતદાન થશે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રની એવી 6 સીટો જ્યાં MVA સામે ચૂંટણી લડવા કોંગ્રેસ મક્કમ, કેમ નારાજ છે કાર્યકર્તા?
રાહુલ-પ્રિયંકા બંને પક્ષના ટોચના નેતાઓ છે અને તેમના કેસમાં વિલંબ એક વિચિત્ર પરિસ્થિતિ છે. પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ ભાઈ-બહેન વિશે વધુ કહી શકતા નથી અને આ નિર્ણય તેમના બંને પર છોડી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એલાયન્સની રેલીમાં પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણી પણ લડી શકે છે.
કોંગ્રેસના એક અન્ય અંદરના સૂત્રએ જાણકારી આપી કે ભાઈ-બહેન તેમના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. બંનેને પ્રચાર માટે દેશભરમાં વ્યાપક પ્રવાસ કરવો પડશે. તેઓ તેમના મત વિસ્તારો સુધી મર્યાદિત રહેવાનું પસંદ નહીં કરે. જો મને બરાબર યાદ છે તો તેમાંથી કોઈ પણ છેલ્લા બે વર્ષમાં અમેઠી અને રાયબરેલીમાં ગયું નથી. તેથી તેઓ તમામ પાસાઓ પર ધ્યાન આપી રહ્યા છે. સાથે જ કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે ભાઈ-બહેનમાંથી કોઈ એકને અહીં ચૂંટણી લડવી પડશે નહીં તો પાર્ટીની ફજીહત પણ થઇ શકે છે.
ભાજપનું બન્ને તરફ ઘેરવાનું સ્ટેન્ડ
ગાંધી પરિવારે હજી સુધી તેમના પત્તા ખોલ્યા નથી. પાર્ટીના નેતાઓનું માનવું છે કે તેઓ ચૂંટણી લડે કે ના લડે, બે પ્રકારની વાતો થશે. જો તેઓ ચૂંટણી નહીં લડે તો ભાજપ કહેશે કે તેઓ ભાગી ગયા છે. જો તેઓ લડશે તો ભાજપ કહેશે કે પરિવારવાદનો વિસ્તાર કરતા ત્રણેય ગાંધી સંસદ પહોંચ્યા છે.
હવે જોવાનું રસપ્રદ રહેશે કે ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલીનો રાજકીય વારસો છોડે છે કે પછી આ બેઠકો પર પાર્ટી ભાજપને આકરી ટક્કર આપવાના પ્રયાસમાં કોંગ્રેસ મોટો દાવ ખેલે છે.