Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત બાદ હવે પ્રચારની સાથે સાથે તમામ રાજકીય પક્ષોની રણનીતિ બનાવવામાં આવી રહી છે, જેમાં કેન્દ્રમાં મેનિફેસ્ટો પણ છે. કોંગ્રેસ પણ આ અંગે સક્રિય દેખાઈ હતી અને મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પાર્ટીએ ચૂંટણી ઢંઢેરાને લઇને ખાસ ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે પાર્ટી આ વખતે સચ્ચર કમિટીના રિપોર્ટ અને જૂની પેન્શન સ્કીમ પાછી લાવવાની વાત પોતાના એજન્ડામાં રાખવા જઈ રહી છે.
દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં કોંગ્રેસની કેન્દ્રીય કાર્યસમિતિની બેઠક મળી હતી, જેમાં લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનું ઘોષણાપત્ર શું હશે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)એ કોંગ્રેસના ઢંઢેરા પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રાના પાંચ સ્તંભો – કિસાન ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સાદારી ન્યાય – દરેકની 5-5 ગેરંટી છે.
ઇન્ડિયા શાઇનિંગની જેમ થશે મોદીની ગેરંટીના હાલ – ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 1926થી કોંગ્રેસ પાર્ટીના ઘોષણાપત્રને “વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનો દસ્તાવેજ” માનવામાં આવે છે. દેશ ઉત્સાહભેર પરિવર્તનની માંગણી કરી રહ્યો છે. મોદી સરકાર હાલમાં જે ગેરંટીઓનો ઢંઢેરો પીટી રહી છે તેની પણ એવી જ હાલત થશે જેવી ભાજપના ઇન્ડિયા શાઇનિંગની થઇ હતી. ઇન્ડિયા શાઇનિંગ 2004નો ભાજપનો નારો હતો.
આ પણ વાંચો – BJP-શિવસેના ગઠબંધનમાં સામેલ થઇ શકે છે MNS ચીફ રાજ ઠાકરે, આ બે સીટો પર ચાલી રહી છે વાત
કેવો હશે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો?
સૂત્રો દ્વારા કોંગ્રેસ પાર્ટીના સંભવિત ચૂંટણી ઢંઢેરાની કેટલીક ખાસ વાતો સામે આવી છે. જાણકારી અનુસાર આમાં ઓલ્ડ પેન્શન સ્કીમનો અમલ, સચ્ચર કમિટીની ભલામણો, તેમજ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને વિધાનસભા ચૂંટણી તાત્કાલિક કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્ટી લદ્દાખને વિશેષ દરજ્જો ધરાવતું રાજ્ય બનાવવાનું વચન પણ આપી શકે છે.
પછાતો પર રાખવામાં આવી શકે છે ખાસ ફોક્સ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જાતિ જનગણનાથી લઇને પછાતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ઘોષણાપત્રમાં એસસી-એસટી વર્ગ માટે વિશેષ બજેટનો પણ ઉલ્લેખ કરી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઘોષણાપત્રને મંજૂરી આપવા માટે અધિકૃત કરી દીધા છે. જોકે તે ક્યારે રિલીઝ થશે? આની તમામ જવાબદારી ચેરમેન ખડગેને પણ સોંપવામાં આવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અંગે સચિન પાયલટે કહ્યું કે આજે બેઠક માત્ર મેનિફેસ્ટો પર થઈ હતી અને અમે જનતા વચ્ચે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ જે ગેરંટી આપી છે તેને લાગુ કરવા અંગે ચર્ચા કરી છે.
પાયલોટે કહ્યું કે કોંગ્રેસ વંચિત વર્ગો માટે સમર્પિત છે, અમે દેશની પરિસ્થિતિને જનતાની સામે રાખીશું અને જણાવીશું કે આગામી સમયમાં જો ઇન્ડિયા ગઠબંધન જીતશે તો અર્થતંત્ર, ખેડૂતો, બેરોજગારો અને યુવાનો માટે કેવી રીતે કામ કરશે.