લોકસભા ચૂંટણી 2024 : 24 કલાકમાં કોંગ્રેસના 3 મોટા નેતાઓએ પાર્ટી છોડી, જાણો કોણે કેવા આરોપ લગાવ્યા

Lok Sabha elections 2024 : કોંગ્રેસ છોડ્યા બાદ બધાએ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાર્ટીને કેવી રીતે સંજીવની આપી શકશે

Written by Ashish Goyal
April 04, 2024 22:12 IST
લોકસભા ચૂંટણી 2024 : 24 કલાકમાં કોંગ્રેસના 3 મોટા નેતાઓએ પાર્ટી છોડી, જાણો કોણે કેવા આરોપ લગાવ્યા
24 કલાકની અંદર ત્રણ નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. આ તમામે કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)

Lok Sabha elections 2024 : લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી નેતાઓ માટે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ આ લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ સાથે જે રીતે થઈ રહ્યું છે, તે કોંગ્રેસ માટે કોઈ મોટી મુશ્કેલીથી ઓછું નથી. કારણ કે જ્યારથી લોકસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઇ ગઇ છે ત્યારથી કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. આ સાથે જ 24 કલાકની અંદર ત્રણ નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. આ તમામે કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાર્ટીને કેવી રીતે સંજીવની આપી શકશે. આવો જાણીએ 24 કલાકની અંદર કયા ત્રણ નેતા છે, જેમણે કોંગ્રેસ છોડ્યા બાદ સૌથી જૂની પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ગૌરવ વલ્લભ

ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ ભાજપમાં જોડાયા હતા. તેમણે સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું. ગૌરવ વલ્લભે ખડગેને કહ્યું હતું કે તેઓ ન તો સનાતન વિરોધી નારા લગાવી શકે છે કે ન તો દેશના સંપત્તિ નિર્માતાઓને સવાર-સાંજ ગાળો આપી શકે છે. આ કારણે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં ગૌરવે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી હું પાર્ટીના વલણથી અસહજ અનુભવી રહ્યો છું. જ્યારે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે હું માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. ત્યાં દરેકના વિચારની કદર થાય છે, પરંતુ એવું નથી. પાર્ટીનું જમીની સ્તરનું જોડાણ સંપૂર્ણપણે તૂટી ગયું છે અને તે નવા ભારતની આકાંક્ષાને જરા પણ સમજી શકતી નથી. આ કારણથી પાર્ટી ન તો સત્તામાં આવી શકે છે કે ન તો મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવવા સક્ષમ છે. મોટા નેતાઓ અને પાયાના કાર્યકરો વચ્ચેનું અંતર પૂરવું ખૂબ મુશ્કેલ છે, જે રાજકીય રીતે જરૂરી છે. જ્યાં સુધી એક કાર્યકર્તા પોતાના નેતાને ડાયરેક્ટ સૂચનો ન આપી શકે ત્યાં સુધી કોઈ હકારાત્મક પરિવર્તન શક્ય નથી.

ગૌરવ વલ્લભે કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડ હું નારાજ છું. હું જન્મથી હિન્દુ છું અને કર્મથી શિક્ષક છું. પાર્ટી અને ગઠબંધન સાથે જોડાયેલા ઘણા લોકો સનાતન વિરુદ્ધ બોલે છે અને તેના પર પાર્ટીનું મૌન મંજૂરી આપવા જેવું છે. તેમણે કહ્યું કે આ દિવસોમાં પાર્ટી ખોટી દિશામાં આગળ વધી રહી છે. એક તરફ આપણે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરીએ છીએ તો બીજી તરફ આપણે સમગ્ર હિન્દુ સમાજનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છીએ. આ કાર્યશૈલી જનતાને સંદેશ આપી રહી છે કે પાર્ટી કોઈ ખાસ ધર્મને અનુકૂળ છે. આ કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

સંજય નિરુપમ

કોંગ્રેસમાંથી નિષ્કાસિત થયેલા સાંસદ સંજય નિરુપમે ગુરુવારે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં પાંચ અલગ-અલગ સત્તા કેન્દ્રો છે. સોનિયા, રાહુલ, પ્રિયંકા, નવા અધ્યક્ષ ખડગે અને વેણુગોપાલ. કોંગ્રેસમાં વૈચારિક સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના કારણે કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે.

સંજય નિરુપમે વધુમાં જણાવ્યું હતું કે હવે તેમની ધીરજ ખૂટી ગઈ છે. તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓમાં ઘણી નિરાશા છે. વૈચારિક મોરચે પણ કોંગ્રેસ પોતાને ધર્મનિરપેક્ષ કહે છે. મહાત્મા ગાંધી સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ રાખતા હતા. બધી વિચારધારાઓની સમય મર્યાદા હોય છે. નેહરુવાદી બિનસાંપ્રદાયિકતા જે ધર્મને નકારે છે તે જતી રહી છે. કમનસીબી એ છે કે કોંગ્રેસ તેને સ્વીકારવા તૈયાર નથી. નિરુપમે વધુમાં દાવો કર્યો હતો કે ભારત હવે એક સંપૂર્ણપણે ધાર્મિક દેશ બની ગયો છે.

આ પણ વાંચો – અમેઠી અને રાયબરેલીને લઇને કોંગ્રેસમાં અસમંજસ, રાહુલ-પ્રિયંકા વિરાસત સંભાળશે કે નહીં?

તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ પણ ખૂબ ગર્વ સાથે મંદિરોમાં જાય છે. વૈચારિક અને સંગઠનની દૃષ્ટિએ કોંગ્રેસ પક્ષ અવ્યવસ્થાની સ્થિતિમાં છે. કોંગ્રેસનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નિરુપમે કહ્યું કે રાહુલ ગાંધીની આસપાસ જે લેફ્ટિસ્ટ છે, તે શ્રદ્ધામાં માનતા નથી. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણના જવાબમાં કોંગ્રેસે એકલાએ જ એક પત્ર લખ્યો હતો કે આ ભાજપનો પ્રચાર છે. તેમણે રામના અસ્તિત્વને જ નકારી કાઢ્યું હતું.

આ પહેલા સંજય નિરુપમે ગુરુવારે સવારે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલ્યા બાદ પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા હતા. નિરુપમે પોતાના રાજીનામાની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે એવું લાગે છે કે ગઈ કાલે રાત્રે મારું રાજીનામું મળતાંની સાથે જ પાર્ટીએ મારી હકાલપટ્ટીની જાહેરાત કરવાનું નક્કી કર્યું હતું. આવી સ્ફુર્તિ જોઈને આનંદ થયો.

વિજેન્દર સિંહ

બોક્સર વિજેન્દર સિંહ બુધવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 38 વર્ષીય વિજેન્દ્ર સિંહ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થયા બાદ વિજેન્દ્ર સિંહે કહ્યું કે હું આજે ભાજપમાં જોડાઇ રહ્યો છું. તે મારા માટે ઘરે પાછા ફરવા જેવું છે. 2019માં મેં ચૂંટણી લડી હતી. પાછા આવવું સારું છે. જ્યારે અમે વિદેશમાં ભાગ લેવા જતા હતા ત્યારે એરપોર્ટ પર ઘણી ઘટનાઓ બનતી હતી, પરંતુ જ્યારથી ભાજપ સત્તામાં આવી છે, ત્યારથી ખેલાડીઓને ખૂબ માન મળે છે. હું આશા રાખું છું કે હું લોકોને સાચો રસ્તો બતાવી શકું. હું એ જ વિજેન્દર છું. હું ખોટાને ખોટું છે અને સાચાને સાચું કહીશ.

વિજેન્દર સિંહે કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હી બેઠક પરથી 2019ની લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં પરાજય થયો હતો. તેણે 2008ના બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં પણ દેશ માટે મેડલ જીત્યા છે. તેણે 2006 અને 2014ના કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ, 2009ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અનિલ શર્મા

બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનિલ શર્મા ગુરુવારે ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક સાંપ્રદાયિક પાર્ટી બની ગઈ છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી મોટાભાગના સાંપ્રદાયિક લોકોની શ્રેણીમાં આવે છે. અનિલ શર્માને દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.

અનિલ શર્માએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને નકારી કાઢ્યું હતું. પરંતુ જ્યારે ઇટાલીમાં મધર ટેરેસા સાથે સંબંધિત કાર્યક્રમ યોજાયો ત્યારે તેમણે કોંગ્રેસના પ્રતિનિધિને મોકલ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે મલ્લિકાર્જુન ખડગે કેવી રીતે એક ધર્મ વિશેષ પ્રત્યે નજર રાખે છે. શર્માએ ખડગેના એક નિવેદનને પણ ટાંક્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો નરેન્દ્ર મોદીનું શાસન આવશે તો દેશમાં સનાતન જ રાજ કરશે.

કોંગ્રેસના પૂર્વ નેતાએ કહ્યું કે આ સમયે દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. એક તરફ વિચારધારા છે જે સનાતન ધર્મને બચાવવા માટે લડી રહી છે, તો બીજી તરફ તે વિચારધારા છે, જે સનાતનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ સનાતનને મિટાવે તેવી વિચારધારા પર કામ કરી રહ્યા છે.

અનિલ શર્માએ 31 માર્ચે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પપ્પુ યાદવને કોંગ્રેસમાં સામેલ કરવાથી તેઓ નારાજ છે. આ કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે જો લોકસભા ચૂંટણીમાં આરજેડીને ચારથી પાંચ સીટો મળશે તો તેજસ્વી યાદવનું જંગલ રાજ બિહારમાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ