કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પોતાની જ પાર્ટીને આપ્યું અલ્ટિમેટમ, કહ્યું – ખીચડી ચોર માટે હું પ્રચાર નહીં કરું

Lok Sabha Elections 2024 : શિંદે જૂથમાં જોડાવાના મામલે સંજય નિરુપમે કહ્યું હતું કે વિકલ્પો ખુલ્લા છે. જ્યારે જઇશું ત્યારે તમને ખબર પડશે. હવે લડાઈ આર પારની થશે

Written by Ashish Goyal
March 27, 2024 20:46 IST
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પોતાની જ પાર્ટીને આપ્યું અલ્ટિમેટમ, કહ્યું – ખીચડી ચોર માટે હું પ્રચાર નહીં કરું
કોંગ્રેસ નેતા સંજય નિરુપમ (એક્સપ્રેસ ફોટો)

Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રના મહા વિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીને લઈને હંગામો યથાવત્ છે. શિવસેના યુબીટીએ પોતાના 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો પ્રકાશ આંબેડકરની પાર્ટીએ 9 બેઠકો માટે પોતાના ઉમેદવારો નક્કી કર્યા છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ પાર્ટીની અંદર બળવાનો સૂર જોવા મળી રહ્યો છે. મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે શિવસેના દ્વારા મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી સંજય જાધવને ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે.

સંજય નિરુપમે કહ્યું કે આજે સવારે શિવસેના યુબીટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુંબઈની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને એક આવતીકાલ સુધીમાં કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે એક બેઠક કોંગ્રેસને ભીખની જેમ આપવામાં આવી છે. હું આનો વિરોધ કરું છું. હું પણ બંને પક્ષો વચ્ચેની વાતચીતમાં સામેલ હતો. શિવસેના દ્વારા નોર્થ વેસ્ટના જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે. હું કોઈ પણ ખીચડી ચોર માટે પ્રચાર કરીશ નહીં.

કોંગ્રેસ પાર્ટીએ મારી સાથે કોઇ વાતચીત કરી નથી

કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા સંજય નિરુપમે કહ્યું કે કોંગ્રેસની નેતાગીરીએ ઘણા દિવસો સુધી મારી સાથે કોઈ ચર્ચા કરી ન હતી. તેમણે કહ્યું કે પાર્ટી દરેક જગ્યાએ ન્યાયની વાત કરે છે પરંતુ પોતાના લોકો પર વધારે ફોકસ નથી કરતી. હું મારા મતવિસ્તાર માટે ઘણાં વર્ષોથી કામ કરી રહ્યો છું. પરંતુ હાઈકમાન્ડે કોઈ ધ્યાન આપ્યું નહીં અને શિવસેના સામે હાર સ્વીકારી લીધી.

તેમણે કહ્યું કે હું પાર્ટીના નેતૃત્વને બે અઠવાડિયાનો સમય આપું છું, જો સમયસર કોઈ નિર્ણય નહીં લેવાય તો હું મારી જાત માટે સ્વતંત્ર રીતે નિર્ણય લઈશ. નિરુપમે એમ પણ કહ્યું હતું કે હવે લડાઈ આર પારની થશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિરુપમે કહ્યું કે સાંગલી પર અમારો દાવો હતો. પરંતુ જે રીતે કોંગ્રેસની બેઠકો આંચકી લેવામાં આવી, બની શકે છે કે શિવસેનાનો છુપો એજન્ડા કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવાનો હોય. પ્રકાશ આંબેડકરને અલગ રસ્તો પસંદ કરવા પર તેમણે કહ્યું કે તેઓ મોટા નેતા છે. અમે ઇચ્છતા હતા કે બધા સાથે આવે, પરંતુ તેમની ડિમાન્ડ થોડી વધારે હતી. શિંદે જૂથમાં જોડાવાના મામલે તેમણે કહ્યું હતું કે વિકલ્પો ખુલ્લા છે. જ્યારે જશું ત્યારે તમને ખબર પડશે.

શું છે ખિચડી કૌભાંડ?

કોરોના કાળમાં બીએમસીએ પ્રવાસી મજૂરોને મદદ કરવા માટે ખીચડી વહેંચવાની યોજના ચલાવી હતી. આ માટે નક્કી કરવામાં આવ્યું હતું કે જે પણ 5000થી વધુ પેકેટ બનાવશે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓને આપવાનો હતો. તેમજ આ કોન્ટ્રાક્ટ એવા લોકોને આપવાનો હતો જેમની પાસે કિચન અને હેલ્થ ડિપાર્ટમેન્ટનું સર્ટિફિકેટ હશે. પરંતુ નિયમોનું પાલન ન થયું હોવાના અને લાઇસન્સ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. આ કેસમાં અમોલ કિર્તીકર અને સૂરજ ચવ્હાણને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ