Lok Sabha Elections 2024 : કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીની મહારાષ્ટ્રના યવતમાલમાં એક રેલી દરમિયાન અચાનક તબિયત ખરાબ થઇ હતી. નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં જાહેર સભામાં મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન બેહોશ થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભાજપના કાર્યકરો નીતિન ગડકરીને બેભાન અવસ્થામાં સ્ટેજ પરથી નીચે લઈ જતા જોવા મળે છે. મીડિયા અહેવાલો અનુસાર ગડકરીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સ્વસ્થ થયા અને તેમનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
નીતિન ગડકરીએ શું કહ્યું
ખરાબ તબિયત વિશે નીતિન ગડકરીએ એક્સ પર એક પોસ્ટ દ્વારા જાણકારી આપી છે. તેમણે X પર પોસ્ટ કર્યું કે મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવતો હતો પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી જનસભાને સંબોધિત કરવા માટે વરુડ જવા રવાના થઈ રહ્યો છું. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર. આ પહેલા 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તે અચાનક મંચ પર બેભાન થઇ ગયા હતા.
તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી નાગપુર લોકસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર છે. આ બેઠક પર પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાઈ ગઇ છે. નીતિન ગડકરી 2014 અને 2019માં સતત બે વાર નાગપુર લોકસભા સીટ પરથી સાંસદની ચૂંટણી જીતી ચુક્યા છે. તે યવતમાલમાં એનડીએના સહયોગી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ઉમેદવાર રાજશ્રી પાટીલના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.