Lok Sabha Elections 2024 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી દ્વારા લોકસભા ચૂંટણી નહીં લડવાની અને રાજ્યસભા દ્વારા સંસદ પહોંચવાની જાહેરાત બાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. જોકે સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી ડેબ્યૂ માટે તૈયાર હોવાનો સંકેત હજુ સુધી આપ્યો નથી.
વરિષ્ઠ પત્રકાર કુમી કપૂરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ માટે પોતાની સાપ્તાહિક કોલમ ‘ઇનસાઇડ ટ્રેક’માં લખ્યું છે કે જ્યારે પ્રિયંકાના નજીકના સાથીઓ તાજેતરમાં જ તેમને મળ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે શું તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કરવો જોઇએ, ત્યારે તેમણે તેમને કોઇ સૂચના આપી ન હતી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીમાં તેમના ભાઈની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભમાં હાજર રહ્યા ન હતા, જ્યારે યોજના મુજબ તેઓ જોડાવાના હતા. એક પ્રેસ નોટમાં કહ્યું હતું કે પ્રિયંકાની તબિયત ખરાબ હોવાના કારણે તે હોસ્પિટલમાં હતા. જોકે સોનિયા ગાંધી જ્યારે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે તે પોતાની માતા સાથે રાજસ્થાનમાં જોવા મળ્યા હતા. કપૂર લખે છે કેટલાક લોકો અનુમાન લગાવે છે કે પ્રિયંકા 2024 માં કોંગ્રેસની સતત ત્રીજી નિર્ણાયક હાર સાથે જોડાવવા માંગતી નથી.
રાયબરેલી સાથે જૂનો નાતો
આઝાદી બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણી (1952)માં ગાંધી પરિવારના સભ્ય ફિરોઝ ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડી હતી. ફિરોઝ ગાંધી અલ્હાબાદથી ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ ત્યાંની આ બેઠક માટે પહેલાથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સ્પર્ધા હતી. આવી સ્થિતિમાં સ્વતંત્રતા સેનાની રફી અહમદ કિદવઈના આહ્વાન પર ફિરોઝ ગાંધી રાયબરેલીમાં પોતાની પહેલી સામાન્ય ચૂંટણી લડવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો – દ્વારકામાં પીએમ મોદીનો અનોખો અંદાજ, સ્કૂબા ડાઇવિંગ કરી સમુદ્રની અંદર કૃષ્ણ નગરીના દર્શન કર્યા
નહેરુ પરિવારના જમાઈ અને ઈન્દિરાના પતિ હોવાના કારણે ફિરોઝ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન રાયબરેલીના ગામોમાં જમાઇ જેવી મહેમાનગતિ મળી હતી. ફિરોઝ ગાંધી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદની ચૂંટણીમાં પણ તેમણે રાયબરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ત્યાર બાદ પણ આ બેઠક પર ગાંધી પરિવારનો દબદબો રહ્યો હતો. આઝાદી બાદ નહેરુ-ગાંધી પરિવાર સિવાય માત્ર ચાર વખત કોંગ્રેસના નેતા રાયબરેલીથી સાંસદ બન્યા હતા. ગત ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો હતો. કોંગ્રેસે માત્ર રાયબરેલી બેઠક જીતી હતી.
હવે સોનિયા ગાંધી દ્વારા લોકસભા સીટ છોડવા અને પ્રિયાંક ગાંધીની અનિચ્છાને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવાર અમેઠીની જેમ રાયબરેલી છોડી શકે છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને હિન્દી બેલ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ પોતે અમેઠીથી વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. આ હાર બાદ રાહુલ ગાંધી માત્ર બે વાર અમેઠીની મુલાકાતે આવ્યા છે.
સોનિયા રાહુલ ગાંધી માટે અમેઠી છોડી રાયબરેલી ગયા
સોનિયા ગાંધી અમેઠીથી 1999માં પહેલીવાર સાંસદ બન્યા હતા, આ બેઠકનું પ્રતિનિધિત્વ એક સમયે તેમના દિવંગત પતિ રાજીવ ગાંધી કરતા હતા. તે 2004માં રાહુલ માટે અમેઠી છોડીને રાયબરેલી ગયા હતા. સોનિયા રાજ્યસભામાં પ્રવેશ કરનાર નહેરુ-ગાંધી પરિવારની બીજા સભ્ય બનશે. રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીત્યા પહેલા તેમના સાસુ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 1964થી 1967 સુધી ઉપલા ગૃહના સભ્ય હતા.





