Lok Sabha Elections 2024 Third Phase Voting Turnout Data: લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું છે, તેમાંથી અડધાથી વધુ લોકસભા બેઠકો પર 2019ની સરખામણીમાં મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે શનિવારે 93 બેઠકો માટે 65.68% પર અંતિમ મતદાનના આંકડા જાહેર કર્યા હતા, જે છેલ્લી લોકસભા ચૂંટણીમાં સમાન બેઠકો પર થયેલા મતદાન કરતાં 1.32 ટકાનો ઘટાડો દર્શાવે છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર ત્રીજા તબક્કાની 93 બેઠકો માંથી 40 સીટો પર મતદાન વધ્યું છે, જ્યારે બાકીની 53 (અથવા 57%) પર મતદાતાઓની ભાગીદારીમાં ઘટાડો જોવા મળ્યો છે. પુરૂષ મતદારોનું મતદાન અનુક્રમે 66.89% છે, જે મહિલા મતદાતાઓના 64.41 ટકાની તુલનાએ લગભગ 2.5 ટકા વધુ હતું.
સૌથી વધુ મતદાન ઘટ્યું તેવી 10 બેઠકોમાંથી 8 બેઠકો ગુજરાતની
આ વખતે લોકસભા ચૂંટણી મતદાનમાં સૌથી વધુ ઘટાડો જોવા મળેલી 10 બેઠકોમાંથી 8 બેઠકો ગુજરાતની હતી (બારડોલી, દાહોદ, અમદાવાદ પૂર્વ, નવસારી, વડોદરા, ગાંધીનગર , મહેસાણા અને અમરેલી). દક્ષિણ ગુજરાતના બારડોલીમાં મતદાનમાં સૌથી વધુ 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો . ગાંધીનગર લોકસભા બેઠક જ્યાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા, ત્યાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો પર મતદાન યોજાયું હતું; કારણ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થતા અને અન્ય ઉમેદવારો દ્વારા નામાંકન પરત ખેંચવાને પગલે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા .
આસામ, બિહાર, છત્તીસગઢ , ગોવા , કર્ણાટક , પશ્ચિમ બંગાળ અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના 16 મતદારક્ષેત્રોમાં મહિલા મતદારોનું મતદાન વધુ હતું . 2019માં આ જ 93 લોકસભા બેઠકોમાંથી 18 પર પુરૂષ મતદારો કરતાં મહિલા મતદાન વધુ હતું.
10 બેઠકોમાંથી જ્યાં સ્ત્રી-પુરુષ વચ્ચેનું અંતર સૌથી વધુ હતું, તેમાંથી નવ ગુજરાતમાં હતી. પોરબંદર, જામનગર, ખેડા અને રાજકોટમાં પુરૂષ મતદાન મહિલા મતદાન કરતાં 10 ટકા વધુ હતું.
જ્યારે મોટે ભાગે મતદાન પેટર્ન પુરૂષ અને સ્ત્રી મતદારો માટે સમાન હતી તો અમુક બેઠકો પર વલણો બદલાયા હતા. દાખલા તરીકે, ગ્વાલિયરમાં પુરૂષ મતદાનમાં 7 ટકાનો વધારો થયો છે, જ્યારે મહિલા મતદાનમાં 2.6 ટકાનો ઘટાડો થયો છે. આ અગાઉ, ગ્વાલિયર વધુ મહિલા મતદાન (4 ટકા પોઈન્ટ) ધરાવતી બેઠકોમાં સામેલ હતું, પરંતુ આ વખતે પુરૂષ મતદાન સ્ત્રીઓ કરતાં 4 ટકાથી વધુ હતું.
પ્રથમ અને બીજા તબક્કા માટે મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ વિપક્ષની ટીકા વચ્ચે, ચૂંટણી પંચે મંગળવારે રાત્રે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ત્રીજા તબક્કામાં કામચલાઉ મતદાન રાતના 11.40 વાગ્યે સુધી 64.4% હતું અને અંતિમ આંકડા શનિવાર સુધીમાં રિલીઝ થશે. મતદાનના બીજા દિવસે, ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ દર્શાવે છે કે મતદાન 65% સુધી પહોંચી ગયું છે.
ચૂંટણી પંચે શનિવારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, અંતિમ મતદાન માત્ર પોસ્ટલ બેલેટની ગણતરી અને કુલ મત ગણતરીમાં તેના ઉમેરા સાથે, ગણતરી પછી જ ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024: ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત; અખિલેશ, અધીર અને મહુઆ સહિત 1717 નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર
લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કામાં મતદાન થનાર 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચારમાં પુરૂષો કરતાં વધુ મહિલા મતદાન હતું – બિહાર, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ગોવા અને પશ્ચિમ બંગાળ. આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પુરૂષ મતદાન વધુ હતું .