ચૂંટણી પંચ શા માટે 100 ટકા VVPAT સ્લિપની ગણતરી કરતું નથી? માત્ર પાંચ બૂથની સ્લિપ જ કેમ ગણાય છે?

લોકસભા ચૂંટણી અને ઈવીએમ (EVM) વિવાદ : ચૂંટણી પંચ (EC) કેમ બધા વીવીપેટ (VVPAT) ની સ્લીપ ગણતરી નથી કરતુ? વિપક્ષની શું માંગ છે? ચૂંટણી પંચની શું સમસ્યા છે? જાણો બધુ જ

Written by Kiran Mehta
April 09, 2024 19:31 IST
ચૂંટણી પંચ શા માટે 100 ટકા VVPAT સ્લિપની ગણતરી કરતું નથી? માત્ર પાંચ બૂથની સ્લિપ જ કેમ ગણાય છે?

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીની તમામ રાજકીય પાર્ટી તૈયારીઓ કરી રહી છે, વિપક્ષો ઈવીએમ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ (SC) એ કહ્યું છે કે, તે ટૂંક સમયમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ્સની 100 ટકા ચકાસણીની માંગ કરતી અરજીઓ પર વિચાર કરશે.

માર્ચ 2023 માં, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી દાખલ કરી હતી કે, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં નોંધાયેલા મતોની VVPAT સાથે ક્રોસ વેરિફિકેશન થવી જોઈએ.

પ્રક્રિયા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ થાય તેની ખાતરી કરવા માટે, ADR એ VVPAT સ્લિપ્સ પર બારકોડનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સાત તબક્કામાં આયોજિત લોકસભા ચૂંટણી-2024 ના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે.

VVPAT શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

VVPAT ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના બેલેટ યુનિટ સાથે જોડાયેલ હોય છે. સરળ ભાષામાં સમજીએ તો, તે ડ્રોપ બોક્સ સાથેનું પ્રિન્ટર છે. તે મતદારોને તેમણે પસંદ કરેલા વિકલ્પનું વિઝ્યુઅલ બતાવે છે. તે પેપર સ્લિપ પર તે દ્રશ્ય છાપે છે. સ્લિપમાં ઉમેદવારનો સીરીયલ નંબર, નામ અને પક્ષનું ચિહ્ન હોય છે.

ઇવીએમ દ્વારા મતદાન થતાંની સાથે જ, આ સ્લિપ સૌથી પહેલા VVPAT ની સામે સ્થાપિત કાચની બારીમાં દેખાય છે. મતદાતા પાસે 7 સેકન્ડનો સમય હતો તે ચકાસવા માટે કે વોટ તે વ્યક્તિને ગયો છે કે નહી, જેનું તેણે બટન ઈવીએમમાં ​​દબાવ્યું હતું. સાત સેકન્ડ પછી સ્લિપ નીચે કમ્પાર્ટમેન્ટમાં પડી જાય છે.

કોઈપણ મતદાર તેની સાથે VVPAT સ્લિપ લઈ જઈ શકશે નહીં કારણ કે, તેનો ઉપયોગ પછીથી રેન્ડમલી પસંદ કરાયેલા પાંચ મતદાન મથકોમાં પડેલા મતની ચકાસણી કરવા માટે કરવામાં આવે છે.

VVPAT નો આઈડિયા એ છે કે, ઈલેક્ટ્રોનિક રીતે આપેલ મતને ફિજિકલી ચકાસણીને મંજૂરી આપીને પ્રક્રિયામાં મતદાતા અને રાજકીય પક્ષ બંનેનો વિશ્વાસ વધારવાનો છે, જેથી તેઓ ખાતરી કરી શકે કે, તેમનો મત ચોક્કસ રીતે નોંધાઈ રહ્યો છે.

ચૂંટણી પંચે શા માટે VVPAT દાખલ કર્યું?

વર્ષ 2010 ની વાત છે. ચૂંટણી પંચે EVM મતદાનની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ચર્ચા કરવા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. VVPAT નો વિચાર સૌપ્રથમ આ જ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.

VVPAT નો પ્રોટોટાઇપ તૈયાર થયા પછી, જુલાઈ 2011 માં લદ્દાખ, તિરુવનંતપુરમ, ચેરાપુંજી, પૂર્વ દિલ્હી અને જેસલમેરમાં ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા.

ડિઝાઇનને આખરી ઓપ આપ્યા બાદ અને રાજકીય પક્ષો પાસેથી પ્રતિસાદ લીધા પછી, ચૂંટણી પંચની નિષ્ણાત સમિતિએ ફેબ્રુઆરી 2013 માં VVPAT ની અંતિમ ડિઝાઇનને મંજૂરી આપી હતી. તે જ વર્ષે પછીથી 1961 ના ચૂંટણી નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેથી ઈવીએમ સાથે ડ્રોપ બોક્સ સાથેના પ્રિન્ટરને મંજૂરી આપવામાં આવે.

નાગાલેન્ડના નોક્સેન વિધાનસભા મતવિસ્તારના તમામ 21 મતદાન મથકો પર 2013 માં VVPATs નો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ચૂંટણી પંચે તબક્કાવાર રીતે VVPAT નુ વિસ્તરણ કરવાનું શરૂ કર્યું હતું. જૂન 2017 સુધીમાં, VVPAT એ 100 ટકા દરેક જગ્યાએ અપનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

માત્ર પાંચ મતદાન મથકોની VVPAT સ્લિપની જ શા માટે ગણતરી થાય છે?

છેલ્લા કેટલાક વર્ષોથી, આ પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે કે, તમામ VVPAT સ્લિપને ગણવાને બદલે રેન્ડમલી પસંદ કરાયેલા પાંચ પોલિંગ બૂથની માત્ર VVPAT સ્લિપ જ કેમ ગણાય છે? ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજમાં પોતાનો જવાબ આપ્યો હતો.

વાસ્તવમાં, 2018 માં, ચૂંટણી પંચે EVM દ્વારા પડેલા મતો સાથે VVPAT સ્લિપનું ઑડિટ કરવા માટે ભારતીય આંકડાકીય સંસ્થા (ISI) પાસેથી “ગાણિતિક રીતે સાચુ, આંકડાકીય રીતે યોગ્ય અને વ્યવહારિક રીતે પર્યાપ્ત” એક સેમ્પલ સાઈઝની માંગ કરી હતી, જેથી ઈવીએમ દ્વારા આપવામાં આવેલા મત સાથે VVPAT ની સ્લીપની ઓડિટ થઈ શકે.

ફેબ્રુઆરી 2018 માં, ચૂંટણી પંચે દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી એક મતદાન મથક પર VVPAT સ્લિપની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. TDP નેતા ચંદ્રાબાબુ નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર એપ્રિલ 2019 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આને વધારીને પાંચ મતદાન મથકો કરવામાં આવ્યા હતા. સંબંધિત રિટર્નિંગ ઓફિસરો લોટરી દ્વારા પાંચ મતદાન મથકોની પસંદગી કરે છે અને તેના માટે ઉમેદવારો અને તેમના એજન્ટોને બોલાવવામાં આવે છે.

VVPAT સંબંધિત કાનૂની સમસ્યાઓ શું છે?

સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચના કેસથી શરૂ કરીને VVPAT ઘણા કાનૂની કેસોનો વિષય રહ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે પેપર ટ્રેલ જરૂરી છે અને સરકારને VVPAT ને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ પૂરું પાડવાનો આદેશ આપ્યો હતો.

2019 માં, ચંદ્રાબાબુ નાયડુએ રેન્ડમ VVPAT સ્લિપ્સના ઓછામાં ઓછા 50% ગણવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, EC એ દલીલ કરી હતી કે, જો આવું થાય તો પરિણામોમાં પાંચથી છ દિવસનો વિલંબ થશે.

આ ઉપરાંત, EC એ ISI દ્વારા નિર્દિષ્ટ સેમ્પલના કદ તરફ ધ્યાન દોર્યું, જે મુજબ દેશભરમાંથી રેન્ડમલી પસંદ કરેલ 479 VVPAT સ્લિપની ગણતરી બાદ પણ 99% થી વધુ ચોકસાઈની બાંયધરી આપશે. જો કે, ત્યારબાદ કોર્ટે EC ને પાંચ મતદાન મથકો પર VVPAT ની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.

ચૂંટણી પંચ 50 ટકા સ્લિપની ગણતરી કેમ કરવા માગતું નથી?

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેની અરજીમાં દાવો કર્યો હતો કે, ચૂંટણી અધિકારીને મતદાન મથક પર EVM ની ગણતરી સાથે VVPAT સ્લિપને મેચ કરવામાં એક કલાકનો સમય લાગે છે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, EVM દ્વારા પડેલા મતોની ગણતરી પછી VVPAT સ્લિપની ગણતરી શરૂ થઈ શકે છે, જો પાંચ મતદાન મથકોની VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવે તો કુલ પાંચ કલાકનો વિલંબ થશે.

આ સિવાય ચૂંટણી પંચે એ પણ સ્વીકાર્યું છે કે, જ્યાં VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવે છે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યારેક અભાવ હોય છે. આ ઉપરાંત આ કામ કરવા માટે માનવબળ પણ ઓછુ હોય છે.

શા માટે રાજકીય પક્ષો વધુને વધુ VVPAT સ્લિપની ગણતરી કરવાની માંગ કરી રહ્યા છે?

વિરોધ પક્ષો મતદાનને વધુ પારદર્શક બનાવવા માટે વધુ મતદાન મથકો પર ચકાસણીની માંગ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે, નિષ્પક્ષ ચૂંટણીની પવિત્રતાની ચિંતા, મોડુ પરિણામ જાહેર થાય તેની ચિંતા કરતા વધારે છે.

પક્ષોએ VVPAT સ્લિપની ગણતરી 50 % થી 100 % કરવાની માંગ કરી છે. ડિસેમ્બરમાં, કૉંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્કસવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ કરતું વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન, VVPAT સ્લિપ્સની 100 % ચકાસણીની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. ઈન્ડિયા ગઠબંધન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળવા અને તેમની ચિંતાઓ અંગે ચર્ચા કરવા માટે સમય પણ માંગ્યો છે. જોકે, ચૂંટણી પંચે અત્યાર સુધી આમ કરવામાં અનિચ્છા દર્શાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ