Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યાર ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાન પછી તેઓ કેટલીક વિદેશી એજન્સીઓના અહેવાલોથી ચિંતિત હતા, પરંતુ ત્રીજા તબક્કા પછી જાણવા મળ્યું કે, વિપક્ષી મતદારો ઓછુ મતદાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિપક્ષ ખૂબ જ નિરાશ છે કારણ કે, પરિણામો વડાપ્રધાન મોદીની તરફેણમાં છે. આવી સ્થિતિમાં, તેમને લાગે છે કે, ઉનાળામાં બહાર જવાને બદલે ઘરે બેસી રહેવું વધુ સારું છે. જોકે આ લોકશાહી માટે સારું નથી. લોકોએ ગરમીમાં રક્ષણ સાથે ઘરની બહાર આવીને મતદાન કરવું જોઈએ, પરંતુ ઈન્ડિયા ગઠબંધનના મતદારોમાં ભારે અસમંજસ જોવા મળી રહ્યું છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા એવા સ્થાનો છે જ્યાં વધુ મતદાન થતુ હતુ. પરંતુ, આ વખતે ત્યાં પણ ઓછું મતદાન થયું છે. વિશ્લેષણ કરશો તો ખબર પડશે કે જ્યાં કોંગ્રેસનું સમર્થન વધુ હતું ત્યાં મતદાન ઓછું થયું છે. જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, કેટલાક વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને લાગે છે કે, ભાજપે દાવો કર્યો છે તેટલી સીટો જીતી નથી રહી. તેના પર શાહે કહ્યું કે, વિદેશી એજન્સીઓ દેશમાં યોગ્ય રીતે સર્વે કરી શકતી નથી.
ગૃહમંત્રીએ કહ્યું કે, અમે પાયાના સ્તરે ચૂંટણી લડી રહ્યા છીએ. દરેક રેલી પછી, અમે ઓછામાં ઓછા 40 થી 50 કાર્યકરો સાથે વાત કરી અને જમીન પર શું થઈ રહ્યું છે તે જાણ્યું. એકલા તેમના પ્રતિસાદના આધારે, એવું લાગે છે કે, ચિંતા કરવા જેવુ કંઈ નથી. અમિત શાહે કહ્યું કે આ ચૂંટણી પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં લડવામાં આવી રહી છે અને તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. તેમણે કહ્યું કે, વિપક્ષે રાહુલ ગાંધી સિવાય બીજા કોઈને પ્રોજેક્ટ કર્યા નથી.
ઉત્તર પ્રદેશને લઈને અમિત શાહે કહ્યું કે, તેમને નથી લાગતું કે જાતિના આધારે મતદાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, યુપીમાં યાદવો પણ ભાજપને વોટ આપી રહ્યા છે. કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. આ સિવાય બંગાળમાં ભાજપ 24 થી 30 સીટો જીતવા જઈ રહી છે. આ વખતે ઓડિશામાં ભાજપ સરકાર બનાવી રહી છે. આ સિવાય 17 થી વધુ લોકસભા સીટો પણ જીતશે.