Lok Sabha elections 2024 : લોકસભા ચૂંટણી બાદ સ્પીકરની ચૂંટણી 26 જૂને થવા જઈ રહી છે. તે ચૂંટણીને લઇને પણ તમામ પ્રકારની અટકળો થઇ રહી છે, એનડીએમાં ઘણા સાથી પક્ષોની નજર આ પદ પર છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ સ્પીકર પદ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લે છે. હવે આ દરમિયાન જેડીયુ તરફથી ભાજપ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે જેડીયુ સ્પીકરની ચૂંટણીમાં ભાજપને ટેકો આપવા જઈ રહી છે.
ભાજપ પોતાની પાસે રાખશે સ્પીકરનું પદ?
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે જેડીયુ તે ઉમેદવારને ટેકો આપશે જેને ભાજપ દ્વારા ઉતારવામાં આવશે. હવે આ નિવેદનમાં સ્પષ્ટ બતાવે છે કે ભાજપ આગામી સ્પીકરની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે, સ્પીકરનું પદ કદાચ સાથી પક્ષોને મળવાનું નથી. મોટી વાત એ છે કે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ટીડીપી અને જેડીયૂ બંને સ્પીકર પદ પોતાની પાસે રાખવા માંગે છે, પરંતુ ભાજપ આ વાત પર સહમત નથી.
કોણ-કોણ હોઈ શકે છે દાવેદાર?
જો ભાજપ સિવાય એનડીએના સાથી પક્ષોને અધ્યક્ષ પદમાં રસ ન હોય તો સૌથી વધુ ત્રણ નામ સામે આવી રહ્યા છે. ભાજપના સાત વખતના સાંસદ રાધા મોહન સિંહનું નામ પણ સ્પીકર પદ માટે છે. આ સાથે ગત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ફરી સ્પીકર પણ બની શકે છે. ત્રીજું નામ ભાજપના આંધ્ર પ્રદેશના અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરીનું છે. તે સાંસદ છે અને ચંદ્રબાબુ નાયડુના પત્નીની બહેન છે. માનવામાં આવી રહ્યું છે કે ટીડીપી પણ તેમને સરળતાથી સ્વીકારી લેશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : લગભગ 7,200 ઉમેદવારોએ 16.4 કરોડ રૂપિયાની ડિપોઝિટ ગુમાવી
ભાજપની સ્થિતિ પહેલા કરતા નબળી
જાણકારી માટે જણાવી દઈએ કે 2014માં એનડીએએ સુમિત્રા મહાજનને સ્પીકર તરીકે ચૂંટ્યા હતા. જ્યારે 2019થી 2024 સુધી લોકસભા સ્પીકર ઓમ બિરલા હતા. જો કે 2014 અને 2019 બંને ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમત મળ્યો હતો. આ વખતે ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી.