Lok Sabha Speaker: સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની છે. મોદીએ 9 જૂને વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તેમના મંત્રીમંડળમાં કુલ 71 મંત્રીઓ છે. સાથે જ લોકસભાના સ્પીકરની ચૂંટણી પર પણ સૌની નજર છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે.
રાષ્ટ્રપતિ 27મીએ સંસદમાં સંબોધન કરશે
ભારતના રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન 27 જૂને સવારે 11 વાગ્યે શરૂ થશે. એટલે કે રાષ્ટ્રપતિના સંબોધન પહેલા લોકસભાના તમામ સાંસદોને શપથ લેવડાવવામાં આવશે અને નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. 24 અને 25 જૂને પ્રોટેમ સ્પીકર તમામ નવા સાંસદોને શપથ લેવડાવશે.
ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે એનડીએની કઈ પાર્ટીના નેતા લોકસભાના અધ્યક્ષ બનશે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ લોકસભા અધ્યક્ષનું પદ પોતાની પાસે રાખશે. એટલે કે 18મી લોકસભામાં સ્પીકર પણ ભારતીય જનતા પાર્ટીના જ હશે. આ વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે ભાજપના સાથી પક્ષો ટીડીપી અને જેડીયુ સ્પીકર પદની માંગ કરી રહ્યા છે. પરંતુ સાથી પક્ષોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે કોઈ માંગ કરી નથી.
ભાજપ પાસે પોતાના દમ પર પૂર્ણ બહુમત નથી
ભાજપ ટૂંક સમયમાં સ્પીકરના નામની પસંદગી કરશે અને તે પછી તેને એનડીએની બેઠકમાં મૂકવામાં આવશે. આ પછી, તમામ પક્ષો તેના પર સંમત થશે અને પછી નામ લોકસભામાં રાખવામાં આવશે, જેના પર મતદાન થઈ શકે છે. 2014માં એનડીએ એ સુમિત્રા મહાજનને સ્પીકર તરીકે ચૂંટ્યા હતા, જ્યારે ઓમ બિરલા 2019થી 2024 સુધી લોકસભા સ્પીકર હતા. જો કે 2014 અને 2019 બંને ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમત મળ્યો હતો. આ વખતે ભાજપને પૂર્ણ બહુમત મળ્યો નથી.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : લગભગ 7,200 ઉમેદવારોએ 16.4 કરોડ રૂપિયાની ડિપોઝિટ ગુમાવી
લોકસભા અધ્યક્ષ માટે સૌથી પ્રબળ દાવેદાર કોણ?
જો ભાજપ સિવાય એનડીએના સાથી પક્ષોને લોકસભા અધ્યક્ષ પદમાં રસ ન હોય તો સૌથી પ્રબળ દાવેદાર તરીકે ત્રણ નામ સામે આવી રહ્યા છે. ભાજપના સાત વખતના સાંસદ રાધા મોહન સિંહને પણ સ્પીકર પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તો સાથે જ અગાઉના લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નામ પણ હેડલાઇન્સમાં છે અને તેઓ ફરી સ્પીકર પણ બની શકે છે. ત્રીજું નામ કે જેની ચર્ચા થઇ રહી છે તે ભાજપના આંધ્રપ્રદેશના અધ્યક્ષ દગ્ગુબતી પુરંદેશ્વરીનું છે. તે સાંસદ છે અને ચંદ્રબાબુ નાયડુની પત્નીના બહેન છે. માનવામાં આવી રહ્યું છે કે ટીડીપી પણ તેમને સરળતાથી સ્વીકારી લેશે.