Maha Kumbh 4000 Hectares Area Dismantling: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો 2025ના સમાપનને ઘણા દિવસો વીતી ગયા છે. મહા કુંભ મેળામાં કરોડો લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. મહા કુંભમાં સ્નાન કરનાર લોકો ખુશ છે, દરેક પોતાનો અનુભવ શેર કરે છે. પરંતુ યુપીની યોગી સરકાર અત્યારે આરામથી બેસી શકે તેમ નથી. પ્રયાગરાજમાં તેના માટે પહાડ જેવો પડકાર છે. ખરેખર આ કુંભ મેળાનું આયોજન જે 4000 હેક્ટર વિસ્તારમાં થયું હતું તેનું શું કરવું, ત્યાંથી બધું કેવી રીતે દૂર થશે, વહીવટીતંત્રે તેના વિશે વિચારવું પડશે. બધું જ સાફ કરવાની અંતિમ તારીખ 20 માર્ચ નક્કી કરવામાં આવી છે.
હાલમાં પ્રશાસનને પ્રયાગરાજમાં 2 લાખ ટેન્ટ હટાવવા, 1.5 લાખ અસ્થાયી શૌચાલય અને બીજી ઘણી અસ્થાયી વસ્તુઓને હટાવવાની છે. શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે 80 હંગામી કુવાઓ પણ બનાવવામાં આવ્યા હતા, હવે તે દૂર કરવાની તૈયારી ચાલી રહી છે, મેળા વિસ્તારમાંથી 70 હજાર એલઇડી લાઇટ પણ દૂર કરવામાં આવશે. આમ જોવા જઈએ તો પ્રશાસન સામે એક પડકાર એ છે કે સંગમના પાણીને હવે શુદ્ધ કેવી રીતે રાખવું, હકીકતમાં એક રિપોર્ટ બાદ પાણીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો.
મહા કુંભ મેળા અધિકારી વિજય કિરણ આનંદનું કહેવું છે કે, નિરીક્ષણ કરવા માટે અનેક પગલાં અને પદ્ધતિઓ છે, 1000 કરોડની ઇન્વેન્ટરીની પણ સમીક્ષા કરવી પડશે. 15 દિવસનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, આ સમયમાં બધું જ ગ્રાઉન્ડ ઝીરો પર લાવવાનું છે. ત્યારબાદ જ એનજીટીનો ઝીરો ડિસ્ચાર્જ ટેસ્ટ પાસ થશે. એવું નથી કે તમામ માલ-સામાનનો નાશ જ થશે, આવી ઘણી વસ્તુઓ છે જે પાછળથી ઉપયોગ માટે રાખવામાં આવશે, આવતા વર્ષે યોજાનારા માઘ મેળામાં ઘણી બધી વ્યવસ્થા કરવી પડશે.
જાણકારી માટે જણાવી દઈએ કે, તંત્ર દ્વારા જે ડિસમેન્ટલની કામગીરી કરવાની છે, તેમા શહેરી વિકાસ, સિંચાઈ અને આરોગ્ય વિભાગની મદદ લેવામાં આવશે. આમ જોવા જઈએ તો વહીવટીતંત્રે ઘણા પુલો પણ હટાવવા પડશે જે માત્ર મહા કુંભ મેળા માટે બનાવાયા હતા, તકનીકી ભાષામાં તેને પોનટૂન બ્રિજ કહેવામાં આવે છે. કુંભ દરમિયાન આવા 31 પુલ બનાવવામાં આવ્યા હતા, હવે ક્યાં સુધી તેને હટાવવામાં આવશે, તે જોવા જેવી બાબત રહેશે.