Mahakumbh 2025 : મહાકુંભ 2025ની પૂર્ણાહુતિ થઇ ગઇ છે છતાં સંગમના તટ પર હજુ પણ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. કુંભ મેળા દરમિયાન ભારે ભીડને કારણે સ્નાનથી વંચિત રહેલા શ્રદ્ધાળુઓ હવે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. વોટર પોલીસના ઇન્ચાર્જ જનાર્દન સાહનીએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોની સરખામણીમાં સંગમ તટ પર શ્રદ્ધાળુઓનો ધસારો વધારે છે. સંગમ તટની સુરક્ષા માટે વોટર પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
45 દિવસમાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું
મહાકુંભના 45 દિવસ દરમિયાન 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડુબકી લગાવી હતી, પરંતુ ભીડના ડરના કારણે ઘણા લોકો સ્નાન કરી શક્યા ન હતા. હવે મહાકુંભ મેળો પૂરો થયો છે એટલે તેઓ સંગમ પહોંચી રહ્યા છે. ચેન્નઈથી આવેલા આશિષકુમાર સિંહે જણાવ્યું હતું કે ભીડથી બચવા માટે કુંભમેળો પૂરો થયા બાદ સંગમમાં સ્નાન કરવાનો નિર્ણય કર્યો હતો. આવી જ રીતે જયપુરના યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું હતું કે, મેળા દરમિયાન બસ અને ટ્રેનોમાં જગ્યાના અભાવે તેઓ આવી શક્યા ન હતા, પરંતુ હવે તેઓ આરામથી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે અને સંગમ સ્નાન કરી રહ્યા છે.
આ પણ વાંચો – મહા કુંભ 2025માં બન્યા ત્રણ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ
પ્રયાગરાજ વહીવટીતંત્રે ટ્રાફિક પ્રતિબંધો હળવા કર્યા છે, જેના કારણે મેળા વિસ્તાર નજીકના મેદાનો હવે પાર્કિંગ લોટમાં ફેરવાઈ ગયા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સીધા ગંગા ઘાટ જઈ રહ્યા છે. જોકે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ શુક્રવારે સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા માટે ઉમટ્યા છે. સવારે 5 વાગ્યે ઘાટ પર શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા જેવી હતી, જેમાં બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોના લોકો પણ સામેલ હતા.
સૌથી વધુ ભીડ સંગમ નોઝ પર જોવા મળે છે
મહાકુંભ દરમિયાન ન આવી શકેલા ઘણા ભક્તો તેવી જ આસ્થા સાથે સ્નાન કરી રહ્યા છે, જે મેળા દરમિયાન જોવા મળ્યો હતો. સૌથી વધુ ભીડ સંગમ નોઝ પર જોવા મળે છે, જ્યારે નજીકના ઘાટ પણ ભક્તોથી ભરેલા છે. સંગમના કિનારે ભારે ભીડ દર્શાવે છે કે મહા કુંભ પૂરો થઈ ગયો હોવા છતાં ભક્તોની આસ્થા અને સંગમ સ્નાનની પરંપરા હજી પણ ચાલુ છે.