Prayagraj Traffic Update: યાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. પૂર્ણિમા સ્નાન પહેલા, લાખો ભક્તો સંગમમાં આસ્થાના સ્નાન કરવા આવ્યા હતા, જેના કારણે રાજ્યના માર્ગો, રસ્તાઓ અને રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રાફિક જામની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે. શહેરમાં પ્રવેશતા અને બહાર જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસ અને ટ્રાફિક વિભાગ વ્યવસ્થાને સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે, પરંતુ ધારણા કરતાં વધુ ભીડને કારણે સિસ્ટમ સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેથી ટ્રાફિક વ્યવસ્થા સુધરતા હજુ થોડા દિવસો લાગી શકે છે.
પોલીસની 300 કિલોમીટર અગાઉથી સૂચના – ન જાવ
પ્રયાગરાજમાં લોકોના આ ધસારાને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી. રસ્તાઓ જામ છે. શેરીઓ જામ થઈ ગઈ છે. હાઈવે જામ થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે 300 કિલોમીટર દૂર કટનીમાં પોલીસે લાઉડ સ્પીકર દ્વારા શ્રદ્ધાળુઓને હજુ સુધી પ્રયાગરાજ ન જવા માટે કહેવું પડે છે.
રેવા-પ્રયાગરાજ રોડ 50 કિલોમીટર સુધી જામ થઈ ગયો છે. લગભગ 20 કિલોમીટર સુધી રસ્તો બ્લોક છે. મુંબઈ અને એમપીની ટ્રેનો પણ આ રૂટ પરથી આવી રહી છે. મહારાષ્ટ્રના અમરાવતીથી આવેલી દીક્ષા સાહુ કહે છે કે, અમે છેલ્લા 49 કલાકથી ટ્રાફિક જામ વચ્ચે ચાલી રહ્યા છીએ. જો કે, જેમણે વ્યવસ્થા કરી છે તેમનો આભાર માનીશ, આટલા બધા લોકો આવતા હોવાથી વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ બની રહી છે.
200 થી 300 કિલોમીટર લાંબો જામ
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રવિવારે જબલપુર, કટની, મૈહર, રીવા સહિતના અનેક વિસ્તારોમાં 200 થી 300 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ઘણા ભક્તો કલાકો સુધી પોતાના વાહનોમાં અટવાયા હતા, જેના કારણે યાત્રાને પીડાદાયક બની હતી.
સંગમ સ્ટેશન બંધ કરાયું
વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (ઉત્તરી રેલવે), લખનૌ કુલદીપ તિવારીએ જણાવ્યું હતું કે, “પ્રયાગરાજ સંગમ સ્ટેશનની બહાર ભારે ભીડ મુસાફરોને સ્ટેશનની બહાર નીકળવામાં અવરોધ કરી રહી હોવાથી, પ્રયાગરાજ સંગમ સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” મહાકુંભ 2025 માટે આવનારા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ઉત્તર મધ્ય રેલવેએ આગામી આદેશો સુધી પ્રયાગરાજ જંક્શન સ્ટેશન પર એક દિશામાં ટ્રાફિકની વ્યવસ્થા લાગુ કરી છે.
- મહાકુંભના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ટ્રાફિક જામ સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર આ જામ “વિશ્વના સૌથી મોટા ટ્રાફિક જામ” તરીકે જાણીતો બન્યો. ઘણા લોકોએ ટ્વિટર અને ફેસબુક પર તેમની સમસ્યાઓ શેર કરી. એક મુસાફરે લખ્યું, “જબલપુર પહેલા 15 કિલોમીટર પહેલા જામ છે, પ્રયાગરાજ હજુ 400 કિલોમીટર દૂર છે!” આ દરમિયાન કોઈએ કહ્યું, “5 કલાકમાં માત્ર 5 કિલોમીટર જ આગળ વધી શક્યા, ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરવી પડી.”
પ્રયાગરાજમં ભક્તોનું પૂર ઉમટ્યું
મહાકુંભ વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, રવિવારે રાત્રે 8 વાગ્યા સુધી 1.57 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું અને 13 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી 43.57 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.