Mahakumbh 2025, prayagraj traffic updates : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન મહા પૂનમના અવસરે મહાકુંભમાં સ્નાન કરવાના મુખ્ય કાર્યક્રમની પહેલાં વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. મહાકુંભનો પાંચમો સ્નાનોત્સવ 12મી ફેબ્રુઆરીના રોજ ‘મહા પૂનમ’ના રોજ યોજાશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત મીટિંગ દરમિયાન, આદિત્યનાથે તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું અને કાર્યક્રમને સુચારૂ રીતે ચલાવવા માટે અધિકારીઓને ઘણી માર્ગદર્શિકા જારી કરી છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે મહા પૂનમના દિવસે વિશેષ તકેદારી અને સાવચેતી જરૂરી છે. તેમણે કહ્યું, “છેલ્લા એક સપ્તાહમાં પ્રયાગરાજમાં ભક્તોની ભીડ નોંધપાત્ર રીતે વધી છે. સાર્વજનિક વાહનવ્યવહારની સાથે સાથે મોટી સંખ્યામાં ખાનગી વાહનો પણ આવી રહ્યા છે અને સ્નાન પર્વ પર આ સંખ્યા વધુ વધવાની અપેક્ષા છે. સીએમ આદિત્યનાથે અધિકારીઓને કહ્યું કે આને ધ્યાનમાં રાખીને, એક સુવ્યવસ્થિત ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવી જોઈએ.
સીએમ યોગીએ પ્રયાગરાજમાં ટ્રાફિક મેનેજમેન્ટને લઈને સૂચનાઓ આપી
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે 5 લાખથી વધુ વાહનોની ઉપલબ્ધ પાર્કિંગ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને નિયમોનું ઉલ્લંઘન કરીને કોઈ પણ વાહનને મેળાના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જરૂરિયાત મુજબ શટલ બસોનો ઉપયોગ કરો અને તેમની સંખ્યા વધારવી જોઈએ. CMએ કહ્યું, ‘સડકો પર વાહનોની લાંબી કતારો ન લાગવી જોઈએ. ક્યાંય ટ્રાફિક જામ ન થવો જોઈએ, વાહનોને રસ્તા પર ક્યાંય પાર્ક કરવા દેવા જોઈએ નહીં. વાહનોની અવરજવર સતત ચાલુ રહેવી જોઈએ.”
મહાકુંભ 2025: ચાર જિલ્લામાં શાળાઓ બંધ
મહાકુંભમાં ભેગી થયેલી વિશાળ ભીડની અસર માત્ર પ્રયાગરાજમાં જ નહીં પરંતુ અયોધ્યા, કાશી અને મિર્ઝાપુર જિલ્લામાં પણ જોવા મળી હતી. પરિસ્થિતિને જોતા સંબંધિત જિલ્લા પ્રશાસને આ ચાર જિલ્લામાં શાળાઓ બંધ કરી દીધી છે. તે જ સમયે, ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ માટે લખનૌ અને અન્ય જિલ્લામાંથી પોલીસ પ્રશાસનના અનુભવી અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે સોમવારે મહા કુંભમાં આવનારી ભીડના પડકારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ અભૂતપૂર્વ માનવ અને વાહનોના પ્રવાહનું સંચાલન કરવું એ કોઈપણ વહીવટીતંત્ર અથવા પોલીસ દળ માટે અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ પડકાર છે.
વહીવટીતંત્ર અને પોલીસ દળ માટે ટ્રાફિકનું સંચાલન કરવું મુશ્કેલ પડકાર છે
એક સત્તાવાર નિવેદનમાં, ડીજીપીએ જણાવ્યું હતું કે, “મહા કુંભ 2025 ઇતિહાસમાં સૌથી મોટા ભક્તોના મેળાવડાનું સાક્ષી છે. અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે અને દરરોજ લાખો લોકો પ્રયાગરાજ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ અભૂતપૂર્વ માનવ અને વાહન પ્રવાહનું સંચાલન કરવું એ કોઈપણ વહીવટીતંત્ર અથવા પોલીસ દળ માટે અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ પડકાર છે.
ડીજીપી કુમારે કહ્યું, “પ્રયાગરાજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેની મહત્તમ ક્ષમતાથી વધુ કામ કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ટ્રાફિકમાં વિલંબ થવો સ્વાભાવિક છે. “આ કોઈ વહીવટી નિષ્ફળતાનું પરિણામ નથી પરંતુ યાત્રાળુઓની અસાધારણ સંખ્યા છે.” ડીજીપીએ કહ્યું, “આ હોવા છતાં, દરેક કોન્સ્ટેબલથી લઈને ઉત્તર પ્રદેશ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સુધી દરેક દિવસ-રાત અથાક મહેનત કરી રહ્યા છે. તેઓ ભક્તોને માર્ગદર્શન આપી રહ્યા છે, સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે અને શહેરમાં વ્યવસ્થા જાળવવા માટે તેમના તમામ પ્રયાસો કરી રહ્યા છે.”