Mahakumbh Stampede: મૌની અમાસ નિમિત્તે બીજા ‘અમૃત સ્નાન’ માટે સંગમ ખાતે એકત્ર થયેલી વિશાળ ભીડને કારણે મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે નાસભાગ મચી ગઈ હતી. આમાં અનેક લોકોના મોત થયા હતા, જોકે મૃત્યુઆંક ઘણો વધારે હોવાનું કહેવાય છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પ્રશાસને મૃતકો અને ઘાયલ લોકોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી.
નાસભાગ પછી, વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાસનું અમૃત સ્નાન રદ કર્યું છે. અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, સંગમ નાકા પર વધુ પડતી ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઘટના અંગે પૂછપરછ કરી હતી.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ અફવાના કારણે સંગમ નાકા પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને પસાર થયા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી.
ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ નાક વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ- મૌની અમાવસ્યા પર જઇ રહ્યા છો મહાકુંભ? આ વાતોનું રાખો ધ્યાન, મેળા પ્રશાસને એડવાઇઝરી જાહેર કરી
કોઈપણ પ્રકારની અફવાઓથી બચો
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (કુંભ) રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ભક્તોને સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ખાસ તબીબોની ટુકડીઓને ચોવીસ કલાક તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં શ્રદ્ધાળુઓની દેખરેખ રાખી શકાય.