Maharashtra and Jharkhand Assembly Elections 2024 polls Updates : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઇ ગયું છે. ઉમેદવારોના ભાવિ EVM માં સીલ થઇ ગયા છે. મહારાષ્ટ્રની કુલ 288 બેઠક અને ઝારખંડની 38 બેઠકો માટે મતદાન યોજાયું હતું. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. જ્યારે ઝારખંડની ચૂંટણી 2 તબક્કામાં યોજાઇ હતી., જેમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. બંને રાજ્યોમાં 23 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 58.22% અને ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં 67.59% મતદાન થયું છે.
સુશીલ કુમાર શિંદેએ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે અને તેમની પુત્રી પ્રણિતી શિંદેએ અપક્ષ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના, જે કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે, તેણે સોલાપુર દક્ષિણ બેઠક માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. મતદાન કર્યા પછી બૂથમાંથી બહાર આવતાં સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે હું માનું છું કે ધરમરાજ કાદાદી એક સારા ઉમેદવાર છે અને વિસ્તારના ભવિષ્ય માટે સારું રહેશે. કોંગ્રેસ પાસે મજબૂત આધાર હોવા છતાં, તેઓ આ સીટ ઉદ્ધવ સેનાને જવાથી નારાજ હતા.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર એક્ઝિટ પોલ, કોણ મારશે બાજી
પીએમ મોદીએ વોટ કરવાની અપીલ કરી
પીએમ મોદીએ જનતાને મહારાષ્ટ્ર ચૂંટણી માટે મતદાન કરવાની અપીલ કરી અને ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે તમામ સીટો પર મતદાન થઈ રહ્યું છે. હું રાજ્યના તમામ મતદારોને આ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને લોકશાહીના આ પર્વની સુંદરતા વધારવા વિનંતી કરું છું. આ પ્રસંગે હું તમામ યુવા અને મહિલા મતદારોને આગળ આવીને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું.
આ પણ વાંચો – ઝારખંડમાં કોની બનશે સરકાર, જુઓ એક્ઝિટ પોલ
મહારાષ્ટ્રમાં કોણ કેટલી બેઠક પર મેદાનમાં
મહાયુતિમાં ભાજપ 143 સીટો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે) 81 બેઠકો પર, NCP (અજિત પવાર) 59 બેઠકો પર અને અન્ય સાથી પક્ષો છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એમવીએમાંથી કોંગ્રેસ 101 સીટો પર, શિવસેના (ઉદ્ધવ) 95 અને એનસીપી (શરદ પવાર) 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય સાથી પક્ષો 6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.





