Maharashtra Election Result 2024, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સત્તામાં વાપસી માટે તૈયાર છે. મહાયુતિ 229 બેઠકો પર આગળ ચાલી રહી છે. એમવીએ 51 બેઠકો પર આગળ છે. મહાયુતિ ગઠબંધનમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને એનસીપીના અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે.
ભાજપ સૌથી મોટી પાર્ટી બની
મહાયુતિ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. હાલ ભાજપ 132, શિવસેના (એકનાથ શિંદે) 55 બેઠકો, એનસીપી (અજિત પવાર) 40 અને અન્ય બે બેઠકો પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડીની વાત કરવામાં આવે તો 51 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. એમવીએમાં શિવસેના (યુબીટી) 19, એનસીપી (શરદ પવાર) 11, કોંગ્રેસ 18 અને અન્ય ત્રણ બેઠકો પર આગળ છે.
એકનાથ શિંદેની શિવસેના સમગ્ર એમવીએ પર ભારે
આવી સ્થિતિમાં જો બંને જૂથોનું વિશ્લેષણ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ છે કે શિવસેના (એકનાથ શિંદે) જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે. તેટલી સીટો પર વિપક્ષી ગઠબંધન એમવીએ નથી. શિંદે જૂથ 55 બેઠકો પર આગળ છે, જ્યારે સમગ્ર એમવીએ 51 બેઠકો પર આગળ છે. આ અર્થમાં એકનાથ શિંદેની શિવસેના સમગ્ર એમવીએ પર ભારે પડતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો – સીએમની ખુરશી પર ફડણવીસનો દાવો મજબૂત, શું એકનાથ શિંદે થશે સહમત?
ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ પર સવાલો
એકનાથ શિંદેની શિવસેનાની આ લીડે ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ હવે શું કરશે તે અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ પ્રશ્ન એટલા માટે પણ ખૂબ જ મહત્વનો બની જાય છે કારણ કે બંને જૂથોના ચૂંટણી પ્રતીકોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જોકે ચૂંટણી પંચે એકનાથ શિંદેને અસલી શિવસેના માની છે, જ્યારે અસલી એનસીપી અજિત પવાર જૂથને ગણાવ્યું છે. જોકે ચૂંટણી પંચે આમાં પણ અનેક ટર્મ શરતો લગાવી છે. એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથે તેનું પાલન કરવું પડશે.
પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે અસલી શિવસેના અને અસલી એનસીપી કોણ છે. મહારાષ્ટ્રની જનતાના મતે અસલી શિવસેના શિંદે જૂથ અને અસલી એનસીપી અજિત જૂથ તરીકે ગણી શકાય. જેમ કે અત્યાર સુધીના ટ્રેન્ડમાં જોવા મળ્યું છે.