Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે અને પાર્ટી અને વિપક્ષ એક બીજા પર તીખા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ નારાયણ રાણેએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો બાળાસાહેબ ઠાકરે હોત તો ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત. કોંકણમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારાયણ રાણેએ કહ્યું કે આ ચૂંટણીમાં ઉદ્ધવ જૂથના 25 ધારાસભ્યો ફરીથી ચૂંટાશે નહીં. તમણે ઉદ્ધવ ઠાકરેની અસભ્ય ભાષાની ટીકા કરતાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે, જે ઠાકરે પરિવારને શોભે તેમ નથી. જો બાળાસાહેબ ઠાકરે આજે જીવતા હોત તો ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દેત. તેમણે કહ્યું કે ઉદ્ધવનું વર્તન પરિવારની ગરિમા પ્રમાણે નથી.
નારાયણ રાણેએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વ સાથે સમાધાન કરીને મુખ્યમંત્રી બન્યા છે. જોકે તેમણે પોતાના અઢી વર્ષના કાર્યકાળમાં માત્ર બે દિવસ મંત્રાલયમાં કામ કર્યું હતું અને હવે ફરીથી મુખ્યમંત્રી બનવાની મહેચ્છા ધરાવે છે. નારાયણ રાણેએ પૂછ્યું કે આવા લોકોને સત્તા કોણ આપશે?
આ પણ વાંચો – આલિશાન ફ્લેટ, 25 લાખ રૂપિયા, બાબા સિદ્દીકી હત્યાકાંડના શૂટર્સને આપવામાં આવી હતી સોપારી
શરદ પવાર ઉપર પણ કર્યો પ્રહાર
નારાયણ રાણેએ શરદ પવાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શરદ પવાર, જેમની ઉંમર 83-84 વર્ષ છે, તેઓ સિંધુદુર્ગ જિલ્લામાં વિકાસને સહન કરી શક્યા નહીં અને અમારી ટીકા કરતા કહ્યું કે મારા પુત્રોનો ઉછેર યોગ્ય રીતે થયો નથી. પરંતુ મેં તેને મારા ઘરમાં સારી રીતે ઉછેર્યા છે. મેં પવારની કુંડળીનો પણ અભ્યાસ કર્યો છે. અમે ઘણા વર્ષોથી રાજકારણમાં પણ છીએ. પવાર સાહેબ તમે ચાર વાર મુખ્યમંત્રી હતા તેથી વિકાસ કે મરાઠા અનામતની વાત ન કરો. નારાયણ રાણેએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે 23 નવેમ્બરે પરિણામ આવશે કે નિલેશ રાણે ધારાસભ્ય તરીકે ચૂંટાશે.
ભારતીય જનતા પાર્ટીએ નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંકણની કણકવલી બેઠક પરથી તેમને ઉમેદવાર બનાવ્યા છે. નારાયણ રાણેના મોટા પુત્ર નિલેશ રાણેને શિંદે જૂથની શિવસેનાએ કુડાલ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.