Maharashtra govt formation : મહારાષ્ટ્રમાં ઐતિહાસિક પરિણામો આવ્યા બાદ પણ મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલુ જ છે. દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરે યોજાયેલી બેઠક બાદ કેરટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદે મુંબઇ પહોંચ્યા હતા. અહીં તેમની દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મુલાકાત થવાની હતી. આજે યોજાનારી મહાયુતિની બેઠક પૂર્વે એકનાથ શિંદે પોતાના ગામ સતારા જિલ્લા જવા રવાના થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે શનિવારે મુંબઈ પરત ફરી શકે છે. આ કારણે આજે મુંબઈમાં યોજાનાર મહાયુતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
મોડી રાત્રે અમિત શાહના ઘરે બેઠક યોજાઈ હતી
ગઈ કાલે મોડી રાતે ગૃહમંત્રી અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અલગ-અલગ વાત કરી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં મુખ્યમંત્રી અંગે સર્વસંમતિ સધાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી હશે, જ્યારે શિવસેના અને એનસીપીમાં ડેપ્યુટી સીએમ હશે. એક ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવાર ફિક્સ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા શિંદે ઉપમુખ્યમંત્રીના પદ માટે તૈયાર ન હતા પરંતુ ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ બાદ તૈયાર થયા હતા. બેઠક બાદ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ત્રણેય મોડી રાત્રે મુંબઇ પરત ફર્યા હતા.
આ પણ વાંચો – ઇસ્કોનના ચિન્મય દાસને તાત્કાલિક છોડો, શેખ હસીનાએ બાંગ્લાદેશની યુનુસ સરકાર પાસે કરી માંગણી
મંત્રી પદને લઇને પણ બની સહમતિ?
દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મંત્રી પદ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના ખાસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હશે. એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ રહેશે. ઈન્ડિયન એક્સપ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાને લગભગ 12 મંત્રીપદ મળવાની સંભાવના છે અને તેમાં કેટલાક મહત્વના વિભાગો પણ સામેલ છે. એનસીપીને 10 મંત્રીપદ મળી શકે છે.
ભાજપ 50 વર્ષથી ઓછી ઉંમરના ધારાસભ્યોને આપશે તક
સૂત્રો કહે છે કે ભાજપ 50 વર્ષથી ઓછી ઉંમરના ધારાસભ્યોને મંત્રી પદ માટે પ્રાધાન્ય આપવા માંગે છે. તેનો હેતુ યુવાઓને પાર્ટી તરફ આકર્ષિત કરવાનો છે. પાર્ટીનું માનવું છે કે આનાથી યુવાઓને સંગઠન સાથે જોડવામાં આવશે. ભાજપ ગૃહ અને નાણાં ખાતા પોતાની પાસે રાખવા માંગે છે. જ્યારે કેટલાક મહત્વના પોર્ટફોલિયો સાથીદારોને પણ આપવામાં આવશે. જો કે વિભાગોને લઇને ત્રણેય પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે.