Maharashtra Jharkhand Assembly Election Dates Updates, મહારાષ્ટ્ર- ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પૂરી થયા બાદ હવે ચૂંટણી પંચે મંગળવારે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જયારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં યોજાશે. બન્ને રાજ્યોમાં 23 નવેમ્બરે મત ગણતરી થશે. મહારાષ્ટ્ર વિધાન સભાનો હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે.
48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત
ચૂંટણી પંચ દ્વારા 48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જોકે કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. આ ઉપરાંત 20 નવેમ્બરે લોકસભાની 2 બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે. આ બે લોકસભા બેઠકોમાં કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદે સામેલ છે.
ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદાતા
ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં કુલ મતદારોની સંખ્યા 2.6 કરોડ છે, જેમાંથી 1.29 કરોડ મહિલા અને 1.31 કરોડ પુરુષ મતદાતા છે. પ્રથમ વખત મતદાન કરનારની સંખ્યા 11.84 લાખ છે. ઝારખંડમાં 29,562 મતદાન મથકો હશે.
ઝારખંડમાં 24 જિલ્લાની 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. જેમાંથી 44 બેઠકો જનરલ કેટેગરીની છે. 9 બેઠકો એસસી માટે અને 28 બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.
આ પણ વાંચો – મુંબઈમાં પ્રવેશ કરવા પર નહીં ચુકવવો પડે ટોલ ટેક્સ, ગુજરાતીઓને થશે ફાયદો
મહારાષ્ટ્રમાં 9.63 કરોડ મતદારો
મહારાષ્ટ્રમાં કૂલ 38 જિલ્લા છે, જેમાં 288 વિધાનસભા છે, જેમાંથી 234 સામાન્ય છે, ST માટે 25 અને SC માટે 29 બેઠકો છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થાય છે. મહારાષ્ટ્રમાં 9.63 કરોડ મતદારો છે. 4.97 કરોડ પુરુષો અને 4.66 કરોડ મહિલા મતદાતા છે. 1.85 કરોડ યુવા મતદાતા છે, જેમાં 20.93 લાખ પ્રથમ વખત મતદાન કરશે. 52,789 સ્થાનો પર કુલ 1,00,186 મતદાન કેન્દ્ર છે.
મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર અને ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર સત્તામાં
મહારાષ્ટ્રમાં હાલ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શાસન છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના-એકનાથ શિંદે અને એનસીપી-અજિત પવાર સામેલ છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસનું ગઠબંધન રાજ્યમાં સત્તામાં છે અને હેમંત સોરેન મુખ્યમંત્રી છે. જો અહીં સીટોની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 81 સીટો છે.
ઝારખંડમાં સત્તાધારી જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન એનડીએની સામે છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, જેડીયુ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનનો સમાવેશ થાય છે. 2019માં હેમંત સોરેનની જેએમએમએ 30 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી અને હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા હતા.