/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Eknath-shinde-1.jpg)
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી થયું નથી (photo - X)
Maharashtra New CM News : મહારાષ્ટ્રમાં હજુ પણ સરકારની રચના માટે પેંચ અટવાયો છે. 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી થયું નથી. જોકે માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જ રહેશે અને દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. આ દરમિયાન અહેવાલ છે કે 5 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી અને બે ઉપમુખ્યમંત્રી જ શપથ લેશે.
ભાજપ 21થી 22 મંત્રાલયો પોતાની પાસે રાખશે
મંત્રીમંડળનું વિસ્તરણ બાદમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ 21 થી 22 મંત્રાલયો પોતાની પાસે રાખશે. જ્યારે શિવસેનાને 11 થી 12 મંત્રી પદ મળી શકે છે. અજીત પવારની એનસીપીને 10 મંત્રીપદ મળી શકે છે. જોકે એકનાથ શિંદે 16 મંત્રી પદની માંગ કરી રહ્યા છે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠક 4 ડિસેમ્બરે યોજાશે
શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક 4 ડિસેમ્બરે છે અને મુખ્યમંત્રીના નામને આખરી ઓપ આપવામાં આવશે. આ માટે ભાજપે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિમણુક કરી છે.
એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ અને મહેસૂલ વિભાગ ભાજપ પાસે જશે, જ્યારે એનસીપીને નાણા મંત્રાલય અને શિવસેનાને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. સાથે જ વિધાનસભા અને વિધાન પરિષદના અધ્યક્ષનું પદ ભાજપના ખાતામાં જઈ શકે છે.
આ પણ વાંચો - પ્રચંડ બહુમતી, રેકોર્ડ જીત, છતા પણ મહારાષ્ટ્રને પોતાના મુખ્યમંત્રી કેમ મળી રહ્યા નથી?
છગન ભુજબળે કરી મોટી માંગ
મહારાષ્ટ્રમાં સરકાર બનતા પહેલા એનસીપી નેતા છગન ભુજબળે મોટું નિવેદન આપ્યું છે. છગન ભુજબળે કહ્યું છે કે એનસીપીને પણ શિવસેના જેટલા જ કેબિનેટ પદ મળવા જોઈએ. તેમણે કહ્યું છે કે મહાયુતિમાં એનસીપીનો સ્ટ્રાઇક રેટ બીજા નંબરે છે, જ્યારે શિવસેના ત્રીજા નંબર પર છે.
મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠકો મળી?
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને 288 સભ્યોની વિધાનસભામાં 230 સીટો જીતી હતી. મહાયુતિનો ભાગ એવા ભાજપે 132 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષો એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને 57 અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીને 41 બેઠકો મળી હતી. જ્યારે મહા વિકાસ આઘાડીને મોટો ઝટકો લાગ્યો હતો. શિવસેના (યુબીટી)ને 20, કોંગ્રેસને 16 અને એનસીપી (શરદ પવાર જૂથને) માત્ર 10 બેઠકો મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us