Maharashtra : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર આવશે તો તેના મુખ્યમંત્રી કોણ બનશે? આ સવાલનો જવાબ હજી સુધી એમવીએ નેતાઓ અથવા તેમના પક્ષો દ્વારા આપવામાં આવ્યો નથી. આ એક એવો સવાલ છે જે મહારાષ્ટ્રના લોકો પણ જાણવા માંગે છે. જોકે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેના એમવીએના સીએમ ચહેરાને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. શરદ પવારના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે શું એનવીએ પાર્ટીઓ અલગ થઇ જશે?
શિવસેના (ઉદ્ધવ જૂથ) મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ અઘાડી (એમવીએ)ના મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવાનો આગ્રહ રાખી રહી છે. ત્યારે એનસીપી (સપા)ના વડા શરદ પવારે શનિવારે કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી ચહેરા તરીકે રજૂ કરવાના વિચારને નકારી કાઢ્યો હતો.
અમારુ ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે – શરદ પવાર
કોલ્હાપુરમાં પત્રકારોએ શરદ પવારને સવાલ કર્યો કે શિવસેનાના સાંસદ સંજય રાઉતે એ વાત પર ભાર આપ્યો હતો કે ઠાકરેને એમવીએના મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવા જોઈએ. આ સવાલના જવાબમાં શરદ પવારે કહ્યું કે અમારુ ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે. એક વ્યક્તિ આપણો મુખ્યમંત્રીનો ચહેરો ન બની શકે. સામૂહિક નેતૃત્વ એ આપણી ફોર્મ્યુલા છે. ગઠબંધનના ત્રણેય ભાગીદારો આ સંદર્ભમાં સાથે મળીને નિર્ણય લેશે.
આ પણ વાંચો – દિલ્હીમાં ભારે વરસાદ, LGએ વરિષ્ઠ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી
મોદીનો વિરોધ કરી રહેલા તમામ લોકોએ એમવીએનો ભાગ બનવું જોઈએ – શરદ પવાર
તમામ ડાબેરી પક્ષો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓને એમવીએમાં સમાવવાની હાકલ કરતા પવારે કહ્યું હતું કે તાજેતરની લોકસભાની ચૂંટણી દરમિયાન, પીડબલ્યુપી (ભારતીય કિસાન અને શ્રમિક પાર્ટી), આપ અને સામ્યવાદી પક્ષોએ અમને મદદ કરી હતી. એમવીએમાં અમે ત્રણ ભાગીદાર છીએ, તેમ છતાં આપણે આ તમામ પક્ષોનો સમાવેશ કરવો જોઈએ. મોદીનો વિરોધ કરી રહેલા તમામ લોકોએ એમવીએનો ભાગ બનવું જોઈએ. મુખ્યમંત્રીના ચહેરા વિશે જે પણ નિર્ણય લેવાનો છે તે ચર્ચા દ્વારા અને બધાને વિશ્વાસમાં લીધા પછી લેવામાં આવશે.
મુખ્યમંત્રી પદના ચહેરા વિના ચૂંટણી લડવી જોખમી રહેશે – સંજય રાઉત
આ દરમિયાન સંજય રાઉતે શનિવારે ફરીથી કહ્યું હતું કે એમવીએએ મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરવાની જરૂર છે. રાઉતે અગાઉ કહ્યું હતું કે એમવીએ માટે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના ચહેરા વિના ચૂંટણી લડવી જોખમી હશે. મહારાષ્ટ્રએ જોયું છે કે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને કેવી રીતે સંભાળ્યું હતું, ખાસ કરીને કોવિડ -19 ના નિર્ણાયક સમયગાળા દરમિયાન. ઉદ્ધવ ઠાકરેની લોકપ્રિયતાને કારણે લોકોએ એમવીએને મત આપ્યો હતો. ચહેરા વગરનું ગઠબંધન આપણને ચૂંટણી જીતવામાં મદદ કરશે નહીં.
રાઉતે કહ્યું કે જો ઇન્ડિયા બ્લોકે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ચહેરા તરીકે રજૂ કર્યા હોત તો આપણને 25-30 વધુ બેઠકો મળી હોત. લોકોને ખબર હોવી જોઈએ કે તેઓ કોને મત આપી રહ્યા છે. લોકોએ ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા. તેઓ ચહેરો જાણવા માગે છે. આપણો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હોવો જોઈએ તે અંગે આપણી વચ્ચે કોઈ મતભેદ નથી. અમે ચૂંટણી એકજૂટ થઈને લડવા માટે કટિબદ્ધ છીએ. અમે 175 થી 180 વિધાનસભા બેઠકો જીતીશું.