ઠાકરે ભાઈઓના મિલનથી મુશ્કેલમાં કોંગ્રેસ, શું મહાવિકાસ અઘાડી વચ્ચે બધું ઠીક નથી?

Maharashtra Politics : 20 વર્ષ બાદ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિવાદના મુદ્દે ઠાકરે બંધુઓ ભેગા થયા હતા. કોંગ્રેસે ઠાકરે સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાનું ટાળ્યું છે તેના ઘણા કારણો છે

Written by Ashish Goyal
Updated : July 21, 2025 13:14 IST
ઠાકરે ભાઈઓના મિલનથી મુશ્કેલમાં કોંગ્રેસ, શું મહાવિકાસ અઘાડી વચ્ચે બધું ઠીક નથી?
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 20 વર્ષ પછી એક મંચ પર દોવા મળ્યા હતા (Express Photo: Amit Chakravarty)

Maharashtra Politics : 20 વર્ષ બાદ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિવાદના મુદ્દે ઠાકરે બંધુઓ ભેગા થયા હતા. શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સંયુક્ત રીતે મહારાષ્ટ્રમાં ‘વિજયી સભા’ને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસના કોઈ નેતા તેમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તેમને પૂરા દિલથી આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સાથે જ ઘણા કોંગ્રેસી નેતાઓનું માનવું છે કે આ મામલે દિલ્હી અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચે વાતચીતનો અભાવ હતો.

રાજ ઠાકરેનું કટ્ટર હિન્દુત્વ કોંગ્રેસ માટે સારું નથી

કોંગ્રેસે ઠાકરે સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાનું ટાળ્યું છે તેના ઘણા કારણો છે, જેમાં બિહાર વિધાનસભાની થોડા મહિનાઓમાં યોજાનારી ચૂંટણીથી માંડીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીઓનો સમાવેશ થાય છે. રાજ ઠાકરેએ રાજ્યના રાજકારણમાં સુસંગત રહેવા માટે ઘણી વાર કટ્ટર હિન્દુત્વનો અભિગમ અપનાવ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે ઠાકરે બંધુઓનું પુનઃમિલન મર્યાદિત અસર કરશે, જે મુખ્યત્વે મુંબઈ અને બીએમસીની ચૂંટણીઓ સુધી મર્યાદિત રહેશે. કોંગ્રેસ આવી પૃષ્ઠભૂમિમાં તેમની સાથે જગ્યા શેર કરતા જોવા માંગતી ન હતી, પરંતુ ઉદ્ધવને નારાજ કરવાનું પણ તેમને પોસાય તેમ નથી.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ એક અધુરા મનથી આપવામાં આવેલું આમંત્રણ હતું. અમારા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એનસીપી આ કાર્યક્રમમાં ગઈ હતી, પરંતુ તેમનું અપમાન થયું હતું. તેમના નેતાઓને સ્ટેજ પર બોલાવવામાં પણ આવ્યા ન હતા. ઠાકરે મરાઠી આંદોલનનો તમામ શ્રેય લેવા માંગતા હતા. સારું છે કે અમે ન ગયા, કારણ કે કોંગ્રેસ હિન્દી વિરોધી આંદોલનનો ભાગ ન હતી. અજીબોગરીબ નિવેદનો છતાં આપણા નેતાઓએ આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો ન હતો કારણ કે તેઓ દિલ્હી (પક્ષના નેતૃત્વ)ના નિર્દેશ વિશે સ્પષ્ટ ન હતા.

બીએમસીની ચૂંટણી માટે કોંગ્રેસે ક્યારેય ગઠબંધન કર્યું નથી

કોંગ્રેસ અખિલ ભારતીય પક્ષ છે અને ચૂંટણીલક્ષી રાજ્ય બિહાર સહિત હિન્દી હાર્ટલેન્ડમાં પોતાના પ્રદર્શન માટે સખત મહેનત કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી આમ પણ આક્રમક હિન્દી વિરોધી વલણ અપનાવી શકી ન હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે ઠાકરે માત્ર બીએમસીની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે અને અમે બીએમસીની ચૂંટણીમાં એકલા જવા માંગીએ છીએ. બીએમસીની ચૂંટણી માટે અમે ક્યારેય કોઈની સાથે ગઠબંધન કર્યું નથી.

નેતૃત્વમાં કમ્યુનિકેશનની ઉણપ

કોંગ્રેસના અન્ય એક નેતાએ કહ્યું કે ઠાકરેએ બીએમસીમાં સત્તા જાળવી રાખવા માટે આ બધું કર્યું છે. અમારા ધારાસભ્યોમાં એવી લાગણી છે કે આપણે (બીએમસીની ચૂંટણીમાં) એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ. અમારી પાસે જે પણ જગ્યા છે, અમે તેને છોડી શકતા નથી. જ્યારે અમે ગઠબંધન (ઉદ્ધવ સેના સાથે) કરીએ છીએ ત્યારે લઘુમતી વોટબેંક ભાજપના ઉમેદવારોને હરાવવા માટે શિવસેના તરફ આગળ વધે છે, પરંતુ શિવસેનાનો મત અમને મળતો નથી.

આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે. આમ પણ મુંબઈમાં કોંગ્રેસનો બહુ સપોર્ટ બેઝ નથી. અમે ન તો મરાઠી માનુષ (ભૂમિપુત્ર) સાથે છીએ કે ન તો ગુજરાતીઓ સાથે. અમારો જનાધાર માત્ર લઘુમતીઓ વચ્ચે છે, જે કેટલીક જગ્યાએ સપા અને એઆઇએમઆઇએમના ઉમેદવારો વચ્ચેનો છે. ઉત્તર ભારતીયોમાં અમારો થોડો સપોર્ટ બેઝ છે, જો આપણે રાજ સાથે જઇશું તો તેનો અંત આવશે. કોંગ્રેસ માટે હવે બહુ વોટબેંક રહી નથી. અમે પુરી રીતે ભ્રમિત છીએ.

આ પણ વાંચો – ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને ચૂંટણી લડે તો શું મહારાષ્ટ્રમાં ભાજપને મોટું નુકસાન થશે?

કોંગ્રેસનો એક મોટો વર્ગ પક્ષની સ્થિતિથી નાખુશ છે. એક નેતાએ કહ્યું કે અહીં કોઈ પહેલ કરી રહ્યું નથી કારણ કે નાનામાં નાના કાર્યક્રમમાં પણ દિલ્હીની પરવાનગી લેવી પડે છે. મહારાષ્ટ્ર પક્ષની નેતાગીરીને ખાતરી ન હતી કે આપણે હિન્દી વિરોધી વલણ અપનાવવું જોઈએ કે નહીં. મુદ્દો મરાઠીનો નહીં પણ હિન્દી થોપવાનો હતો. જો પહેલા ધોરણથી હિન્દી લાદવામાં આવે તો મરાઠીને નુકસાન થશે. એ જ તર્ક છે.

પાર્ટીના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે અમે (હિન્દી લાદવાના વિવાદ પર) પણ વાત કરી હતી, પરંતુ મનસે અને સેના (યુબીટી) એ આક્રમક વલણ અપનાવ્યું હતું, લોકોને માર માર્યો હતો અને બધું જ કર્યું હતું. કોંગ્રેસ એકલી પડી ગઈ છે. કોંગ્રેસની એક સમસ્યા એ છે કે દિલ્હી તેમને જય હિન્દ યાત્રાઓ, સંવિધાન સન્માન સંમેલનો વગેરેનું આયોજન કરવાનો નિર્દેશ આપી રહ્યું છે, જેમાં માત્ર કટ્ટર કોંગ્રેસી જ હાજર રહે છે. આપણે કૃષિ મૂલ્ય, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર અથવા તો મરાઠી ભાષા જેવા લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ. આપણે શેરીઓમાં આવવું જોઈતું હતું, જરૂરી નથી કે ઠાકરેના નેતૃત્વ હેઠળ.

બિહાર ચૂંટણીને કારણે કોંગ્રેસ મુશ્કેલીમાં

બિહારની ચૂંટણીએ કોંગ્રેસની દ્વિધામાં વધારો કર્યો છે. એક નેતાએ કહ્યું કે અમને હિન્દી અંગે સ્પષ્ટ અને ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. અમે ખુલીને આંદોલનમાં સામેલ થઇ શકતા ન હતા કારણ કે તેનાથી હિન્દી વિરોધી સંદેશો ગયો હોત. આ બિનસાંપ્રદાયિકતાની ચર્ચા જેવું છે, આપણે બિનસાંપ્રદાયિકતા વિશે ઘણી વાતો કરીએ છીએ, આપણને મુસ્લિમ તરફી જોવામાં આવે છે. હાઈકમાન્ડ તરફથી કોઈ દિશાનિર્દેશ મળ્યો ન હતો. આપણે એમ કહી શકીએ કે મરાઠીના ભોગે હિન્દી ન લગાડવી જોઈએ, પરંતુ લોકોને માર મારવો એ હાસ્યાસ્પદ છે. કોંગ્રેસે એવું વલણ અપનાવવું જોઈએ કે અમે આ બધું સ્વીકારી શકીએ નહીં. વ્યાપક પરામર્શની જરૂર છે.

તેમણે કહ્યું કે પીસીસી પ્રમુખ અને મુંબઈ કોંગ્રેસ પ્રમુખ બંને રાજકીય રીતે નબળા છે, પરંતુ ગયા અઠવાડિયે શું થયું તે જુઓ – એઆઈસીસીના પ્રભારી રમેશ ચેન્નીથલાએ રાજ્યના તમામ ટોચના નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યા, આ બધા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવાની આશામાં ગયા હતા, પરંતુ તેઓ ત્યાં ન હતા. જે દિવસે રાજ્ય વિધાનસભાનું સત્ર શરૂ થયું તે દિવસે આ બેઠક બોલાવવામાં આવી હતી. તમે સત્રના પહેલા દિવસે એજન્ડા નક્કી કર્યો, પત્રકાર પરિષદ કરો, તમારા મુદ્દાઓ રજૂ કરો અને અમારા બધા નેતાઓ તે દિવસે દિલ્હીમાં હતા. ચેન્નીથલા મુંબઇ આવીને બેઠક યોજી શકી હોત.

જોકે કોંગ્રેસ નેતૃત્વ પોતાના સહયોગી ઉદ્ધવને પણ નારાજ કરી શકે તેમ નથી. ઇન્ડિયા ગઠબંધન પહેલેથી જ તૂટી ગયું છે. કોંગ્રેસ એમવીએને અકબંધ રાખવા આતુર છે, પછી ભલે તે બીએમસીની ચૂંટણી માટે ના હોય પરંતુ ભવિષ્ય માટે ગઠબંધન બનાવી રાખવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ