Uddhav-Raj Thackeray Rally: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરેએ મુંબઈમાં એક મંચ પર આવીને એ વાતની ચર્ચા જગાવી છે કે મરાઠી અસ્મિતાનો દાવ ફરી કામ કરશે. ઉદ્ધવ અને રાજના એક સાથે આવવાની આ ઘટના 20 વર્ષ પછી બની છે. આ રેલીમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરીને કહ્યું હતું કે જે બાળાસાહેબ ઠાકરે ન કરી શક્યા તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. એટલે કે ભાજપે તે બંને ભાઈઓને એક કર્યા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં હિન્દીને લઇને થયેલા વિવાદ બાદ ઉદ્ધવ અને રાજ ઠાકરેએ એક મંચ પર આવવાની જાહેરાત કરી હતી. વિરોધ એટલો વધી ગયો હતો કે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.
ઉદ્ધવ અને રાજ ઠાકરેના એક સાથે આવવાના રાજકીય ઘટનાક્રમ પર ભાજપ ચાંપતી નજર રાખી રહ્યું છે. સવાલ એ ઉભો થાય છે કે જો શિવસેના (યુબીટી) અને મનસે મહારાષ્ટ્રના રાજકારણમાં સાથે મળીને ચૂંટણી લડે છે, તો પછી આ રાજ્યના રાજકારણ પર તેની કેટલી અસર થશે?
ઠાકરે ભાઈઓ એક સાથે જોવા મળ્યા
રેલી પહેલા સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઇ હતી જેમાં એક સિંહ જંગલી કૂતરાઓને હાંકી કાઢતો જોવા મળ્યો હતો. તેમાં સ્પષ્ટ પણે સંદેશ આપવામાં આવ્યો હતો કે ઠાકરે પાછા આવી ગયા છે. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ રેલીમાં પોતપોતાના પક્ષના નામ, ઝંડા અને પ્રતીકોનો ઉપયોગ કર્યો ન હતો. એવું માનવામાં આવે છે કે બંનેએ આ પગલું વિચારીને લીધું છે અને તેઓ તેમના કાર્યકરોને સંદેશ આપવા માગે છે કે હવે તેઓ તમામ મતભેદો ભૂલી ગયા છે અને તેમનો ઉદ્દેશ મરાઠી લોકોને એક કરવાનો છે.
આ પણ વાંચો – ડિપ્ટી આર્મી ચીફે કહ્યું – ઓપરેશન સિંદૂરમાં ભારતનો ત્રણ વિરોધીઓથી થયો સામનો
આ રેલીના એક દિવસ પહેલાં જ ફડણવીસે કહ્યું હતું કે મરાઠી ગૌરવની વાત કરવી એ ખોટી વાત નથી, પરંતુ મરાઠી ન બોલનારાઓને ડરાવવા કે તેમના પર હુમલો કરવાનું લાઇસન્સ આપતું નથી.
બીએમસીની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે
ઉદ્ધવ અને રાજ ઠાકરે એવા તબક્કે સાથે આવ્યા છે જ્યારે બીએમસી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની છે. આ ભાઈઓ મહારાષ્ટ્રમાં સાથે મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે કે કેમ તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
શિવસેના (યુબીટી)ના એક નેતાનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે ગઠબંધન ઈચ્છે છે પરંતુ કોઈ પણ ઉતાવળા પગલાથી નુકસાન થઈ શકે છે. મનસે તરફથી પણ આવો જ અવાજ સંભળાયો છે. પાર્ટીના એક નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે રાજકારણમાં ધૈર્ય મહત્વપૂર્ણ છે અને અમે મરાઠી લોકોની ઇચ્છા અનુસાર કામ કરીશું.
રાજ અને ઉદ્ધવ ઠાકરેની લડાઈ
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો જંગ ત્યારે શરૂ થયો જ્યારે બાળાસાહેબ ઠાકરેએ ઉદ્ધવને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા. ઉદ્ધવને 2003માં બાળાસાહેબે શિવસેનાના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ આ વાતથી રાજ ઠાકરે ગુસ્સે થયા હતા અને 2006માં તેમણે પોતાની પાર્ટી એમએનએસની રચના કરી હતી.
વર્ષ 2012માં બાલ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની કમાન સંભાળી હતી. થોડા વર્ષો પહેલાં શિવસેનામાં મોટું વિભાજન થયું હતું. આ સમય દરમિયાન મરાઠી ઓળખના મુદ્દે મનસે પણ લડતી રહી. મહારાષ્ટ્રની હાલની રાજકીય પરિસ્થિતિને જોતા ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
શિવસેના (યુબીટી)ને માત્ર 20 બેઠકો મળી
2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને 148 બેઠકો પર ચૂંટણી લડીને 132 બેઠકો જીતી હતી જ્યારે શિવસેના (યુબીટી)નું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને તેને માત્ર 20 બેઠકો મળી હતી. મનસેને માત્ર એક જ બેઠક મળી હતી.
ઉદ્ધવ અને રાજ ઠાકરે વધુ સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી તેમના પક્ષો માટે કરો યા મરોની ચૂંટણી છે અને જો તેઓ પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવા માગતા હોય તો તેમણે સાથે આવવું પડશે. મુંબઈમાં મરાઠી વોટબેન્ક 30થી 35 ટકા સુધીની છે. આ પહેલા ભાજપ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મરાઠી મતો મેળવવા માટે શિવસેના પર નિર્ભર હતો. પરંતુ જો શિવસેના (યુબીટી) અને મનસે ગઠબંધન કરે તો તે માત્ર એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સામે જ નહીં પરંતુ ભાજપ સામે પણ પડકાર ઊભો કરી શકે છે.
જો કે ભાજપના નેતાઓનું માનવું છે કે મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી મતદારોના એકજુથ થવા પર તેમને ફાયદો થશે કારણ કે તેમની પાસે ગુજરાતી અને ઉત્તર ભારતીયોનો મજબૂત ટેકો છે, જે મુંબઈમાં 30-35 ટકા વોટબેંકનો હિસ્સો ધરાવે છે.





