Thane School Assault Case : મહારાષ્ટ્રના બદલાપુરમાં એક સ્કૂલના સફાઇકર્મીએ ત્રણ અને ચાર વર્ષની બે બાળકી પર યૌન શોષણ કર્યું હતું. આ પછી મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ શાળામાં તોડફોડ કરી હતી અને બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો પણ રોકી હતી. આ વિરોધ હિંસામાં ફેરવાઈ ગયો હતો. તેઓએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા માટે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.
હવે કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલાપુરમાં પ્રશાસને ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આરોપીઓ પર બળાત્કારના પ્રયાસનો આરોપ લગાવવો જોઈએ.
આવો 10 પોઇન્ટમાં જાણીએ બદલાપુરમાં શું-શું થયું
- એક પ્રખ્યાત સ્કૂલના ટોયલેટમાં બે બાળકીઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટના 13 ઓગસ્ટની છે. એક છોકરીએ 16 ઓગસ્ટે તેના માતાપિતાને આ ઘટના કહી હતી. આરોપીની 17 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
- આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક છોકરીએ 16 ઓગસ્ટે શાળાએ જવાની ના પાડી દીધી હતી. તેણે તેના માતાપિતાને કહ્યું કે જ્યારે તે શૌચાલયનો ઉપયોગ કરવા ગઈ હતી ત્યારે આરોપીએ તેના પ્રાઇવેટ ભાગોને સ્પર્શ કર્યો હતો. બાળકીના માતા-પિતાએ બાળકીની સહેલીના માતા-પિતાનો સંપર્ક કર્યો અને તેમને જણાવ્યું કે તેમની દીકરી પણ સ્કૂલે જતા ડરે છે. ત્યારબાદ માતાપિતા તેમને સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયા હતા. તેમાં ડોક્ટરે જણાવ્યું હતું કે બંને પર યૌન શોષણ કરવામાં આવ્યું હતું. માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો કે ફરિયાદ નોંધાયાના 12 કલાક પછી એફઆઈઆર નોંધાઈ હતી.
- પ્રાથમિક તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે સ્કૂલમાં સીસીટીવી કેમેરા કામ કરતા નથી અને સ્કૂલ મેનેજમેન્ટે એ નક્કી કર્યું ન હતું કે બધી મહિલા કર્મચારી જ બાળકોની દેખભાળ કરશે.મામલાના વિરોધમાં સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, એક ક્લાસ ટીચર અને એક મહિલા એટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા હતા.
- ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશન પર રેલ રોકો પ્રદર્શન કર્યું હતું અને સવારે 8 વાગ્યાથી ટ્રેનો રોકી દીધી હતી. આ વિરોધનો હેતુ આરોપી અને શાળા સામે કાર્યવાહીની માંગ કરવાનો હતો. કેટલાક પ્રદર્શનકારીઓના ટોળાએ શાળાના પરિસરમાં તોડફોડ કરી હતી અને રેલવે સ્ટેશન પર પથ્થરમારો પણ કર્યો હતો. રેલવે સ્ટેશન પર ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
- તપાસમાં બેદરકારી દાખવવા બદલ એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વાલીઓની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી ન કરવા બદલ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની પણ બદલી કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેનું નેતૃત્વ આરતી સિંહ કરશે.
- મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે બદલાપુરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ઝડપથી તપાસ કરવામાં આવશે અને આ કેસની તપાસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો – 21 ઓગસ્ટે ભારત બંધ? શું છે કારણ, બેંક, સ્કૂલ-કોલેજ અને ઓફિસ ખુલી રહેશે કે નહીં, જાણો ડિટેલ
- બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકીઓ પર થયેલા યૌન ઉત્પીડનના મામલામાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યના શિક્ષણ મંત્રીને કહ્યું કે દરેક સ્કૂલમાં એક ફરિયાદ પેટી લગાવવામાં આવે. રાજ્ય સરકારે અગાઉ તમામ શાળાઓને પણ આવું કરવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે જો વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓને કોઇ તકલીફ હોય તો તેમના માટે શાળામાં ફરિયાદ પેટી હોવી જોઇએ. આ ઉપરાંત વિદ્યાર્થી સાથે હંમેશા સંપર્કમાં રહેતા સ્ટાફ પર પણ નજર રાખવી ખૂબ જરૂરી છે.
- મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે અહીં છેલ્લા 10 કલાકથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અમે બધાએ જે ઘટના બની છે તેનો વિરોધ કર્યો હતો. હું આજે બપોરથી અહીં છું. મેં એક કલાક સુધી પ્રદર્શનકારીઓ સાથે વાત કરી અને તેમને રેલવે ટ્રેક ખાલી કરવા પણ આગ્રહ કર્યો. તેમની તમામ માગણીઓ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે, અમે વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિમણૂક કરી છે, શાળા પ્રશાસન સામે કાર્યવાહી, બેદરકાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી પૂર્ણ થઈ છે.
- બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ આ મામલાની તપાસની માંગ કરી છે અને ઘટનાના 18 કલાક બાદ પણ એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસની ટીકા કરી છે. તેમણે કહ્યું કે જો સરકાર રાજ્યની દીકરીઓને સુરક્ષા અને ન્યાય આપવામાં સફળ ન થાય તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ.
- પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બદલાપુર સ્કૂલમાં થયેલી ઘટના દેશમાં ક્યાંય પણ ન થવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એમવીએ સરકાર શક્તિ બિલ પાસ કરવાની તૈયારીમાં હતી, પરંતુ તેમની સરકારને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પાડી દીધી હતી. જે લોકોએ અમારી સરકારને પાડી દીધી અને હવે સત્તામાં છે તેમની જવાબદારી છે કે તેઓ શક્તિ બિલ પાસ કરે અને કડક કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે મને ખબર પડી કે જે શાળામાં આ ઘટના બની છે તે ભાજપના લોકોની છે. પરંતુ હું આ મામલે રાજકારણ કરવા માંગતો નથી. આથી જે પણ દોષી હોય, તે ભાજપનો કાર્યકર હોય કે અન્ય કોઈ પણ હોય, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.





