Chhattisgarh encounter: છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બીજાપુર અને દંતેવાડાની સરહદ પર ગુરુવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આ નક્સલ વિરોધી ઓપરેશનને અંજામ આપી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશનને તેજ કરવામાં આવ્યું છે, જેથી નક્સલવાદીઓ સામેની કાર્યવાહીને વધુ અસરકારક બનાવી શકાય.
એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)નો એક જવાન શહીદ થયો છે, જ્યારે પોલીસે 18 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ સ્થળ પરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ માર્યા જવાની શક્યતા છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જવાનોએ ચારે બાજુથી વિસ્તારને ઘેરી લીધો હતો અને નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે, અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, જેથી છુપાયેલા નક્સલવાદીઓને પકડી શકાય અને વિસ્તારને સુરક્ષિત કરી શકાય.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નક્સલવાદીઓ માર્યા ગયાનો ચોક્કસ આંકડો અને તેમના સંગઠન સાથે જોડાયેલી માહિતી ઓપરેશન પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.





