Manipur: મણિપુરના 5 જિલ્લામાં 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ, મેઇતેઇ સમુદાયના નેતાની ધરપકડ બાદ ફરી પરિસ્થિતિ વણસી

Manipur Violence News: મણિપુરમાં શનિવારે મોડી રાત્રે મેઇતેઇ સમુદાયના નેતા અરામબાઈ તંગગોલની ધરપકડ બાદ ભારે વિરોધ ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને અફવાઓને ફેલાતી રોકવા માટે ઇન્ટરનેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Written by Ajay Saroya
Updated : June 08, 2025 10:06 IST
Manipur: મણિપુરના 5 જિલ્લામાં 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ, મેઇતેઇ સમુદાયના નેતાની ધરપકડ બાદ ફરી પરિસ્થિતિ વણસી
મણિપુરની બગડતી પરિસ્થિતિ (File Photo: @manipur_police)

Manipur Violence News: મણિપુરમાં શનિવારે રાત્રે 11:45 વાગ્યાથી 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રાજધાની ઇમ્ફાલ સાથે જોડાયેલા ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મેઇતેઇ સમુદાયના નેતા અરમબાઇ ટેંગોલની ધરપકડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હકીકતમાં મેઇતેઇ સમૂદાયના નેતાની ધરપકડને કારણે સરકારને ડર છે કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ અને અફવાઓ દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ કરી શકે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.

ધરપકડ બાદ દેખાવો

ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં ગઈ કાલે મોડી રાત્રે અરામબાઈ તંગગોલની ધરપકડ કરવામાં આવતાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. આ પછી, વહીવટીતંત્રે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને અફવાઓ પર કાબૂ મેળવવા માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ પ્રશાસને જનતાને અપીલ કરી છે કે તેઓ શાંતિ બનાવી રાખે અને કોઈ પણ ભ્રામક જાણકારી પર ભરોસો ન રાખે.

મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, અરામબાઈ તંગગોલની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ શનિવારે રાત્રે રાજ્યની રાજધાની ઇમ્ફાલના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. અહેવાલો અનુસાર ક્વેકેથેલ અને યુરીપોક વિસ્તારમાં લોકોએ શેરીઓમાં ટાયરો અને જૂનું ફર્નિચર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરપકડ કરાયેલા નેતાને મુક્ત કરવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કર્યા છે.

ગૃહ સચિવે આદેશ જારી કર્યા

આ નિર્ણયને લઇ કમિશનર સહ સચિવ (ગૃહ) એન અશોક કુમારે જણાવ્યું હતું કે, “ખાસ કરીને ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થોઉબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક અસામાજિક તત્વો લોકોની ભાવનાઓને ભડકાવવા માટે છબીઓ, અભદ્ર ભાષા અને નફરતભર્યા વીડિયો મેસેજ પ્રસાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ કરી શકે છે.” આની રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસરો પડી શકે છે.

ટોળાને નિયંત્રિત કરવા માટે બળનો ઉપયોગ

મણિપુરના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ, એક અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, ધરપકડ કરાયેલા નેતાના નામ કે તેની સામેના આરોપોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઇમ્ફાલ પશ્ચિમમાં આવેલી ક્વેકેટલ પોલીસ ચોકી પર ટોળાએ હુમલો કર્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં બે પત્રકારો અને એક નાગરિક પણ ઘાયલ થયા હતા, જેના પગલે સુરક્ષા દળોએ ટોળાને વિખેરવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ