/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/n-biren-singh-.jpg)
મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહ (@NBirenSingh/X)
Manipur News : શું ભાજપ મણિપુરમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે? પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહના તાજેતરના નિવેદન બાદ આ પ્રશ્ન ઉભો થયો છે. એન બિરેન સિંહે શુક્રવારે કહ્યું હતું કે ભાજપ હાઈકમાન્ડે પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ દરમિયાન રાજ્યને લગતા મુદ્દાઓ પર ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને સરકાર રચવા પર પણ વાતચીત થઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે મણિપુરમાં ટૂંક સમયમાં સ્થિર સરકાર બની શકે છે. એ પણ બની શકે કે પાર્ટી સરકાર બનાવવાને લઇને કોઇ પ્રસ્તાવ પસાર કરે.
મણિપુરમાં મે 2023 થી મૈતેઇ અને કુકી-જો સમુદાયો વચ્ચે થયેલી વંશીય હિંસામાં 260 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
હાલ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે
મણિપુરમાં સતત હિંસા વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે 13 ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કર્યું હતું અને તેના કારણે એન બિરેન સિંહને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. રાષ્ટ્રપતિ શાસન લાદતાની સાથે જ રાજ્ય વિધાનસભાને સ્થગિત કરી દેવામાં આવી હતી. મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. 60 સભ્યોની વિધાનસભામાં પાર્ટીના 37 ધારાસભ્યો છે.
ભાજપના ધારાસભ્યએ ચેતવ્યા હતા
ગયા મહિને મણિપુરમાં ભાજપના ધારાસભ્ય એલ રામેશ્વર મૈતેઇએ દાવો કર્યો હતો કે પહાડો અને ખીણ બંનેના ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે ચેતવણી આપી હતી કે જો રાજ્યમાં સરકાર નહીં બને તો ભાજપની સ્થિતિ નબળી પડી શકે છે. તેમણે સરકાર નહીં બને તો રાજ્યમાં નવેસરથી ચૂંટણી યોજવાની માંગ પણ કરી હતી.
આ પણ વાંચો - લોકસભામાં અમિત શાહના ભાષણ વચ્ચે રાહુલે ગાંધીએ આપી ચેલેન્જ, ગૃહમંત્રીએ આપ્યો જવાબ
પીએમ મોદી સપ્ટેમ્બરમાં મણિપુર પહોંચ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લીધી હતી. રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન તેમણે હજારો કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી હતી. હવે જોવાનું એ રહેશે કે ભાજપ મણિપુરમાં સરકાર બનાવવા માટે આગળ વધે છે કે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us