Manipur Voilence Jibiram To Imphal: મણિપુર હિંસા સમાચાર: મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. મણિપુરમાં જિરી નદીમાં એક મહિલા અને 2 બાળકોના મૃતદેહો મળ્યા બાદ રાજ્યના શાંત વિસ્તાર માનવામાં આવતા જીરીબામ વિસ્તારમાં શનિવારે ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસા જીરીબામ થી રાજધાની ઇમ્ફાલ સુધી હિંસા ફેલાઈ ગઇ છે. હિંસક ટોળાએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વિસ્તારમાં સંપત્તિ અને વાહનોને આગ ચાંપી દીધી હતી.
હકીકતમાં રાજધાની ઇમ્ફાલ પશ્ચિમમાં સામૂહિક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ ટોળાએ રાજકારણીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. સીએમ એન બિરેન સિંહના મંત્રીઓના ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. હિંસા રોકવા માટે સરકારે વિસ્તારમાં અચોક્સ મુદ્દત માટે કર્ફ્યૂ લગાવી દીધો છે.
મણિપુરના મંત્રીઓ અને ધારાસભ્યો પર હુમલો
શનિવારે ટોળાએ જીરીબામથી ઇમ્ફાલ સુધીના ભાજપના અનેક નેતાઓના રહેઠાણોને નિશાન બનાવ્યા હતા. એટલું જ નહીં, ઇમ્ફાલ સરકારમાં મંત્રી રહેલા સીએમ એન બિરેન સિંહના જમાઇ રાજકુમાર ઇમો સિંહ અને ખુરાઇના ધારાસભ્ય એલ સુસિદ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ભાજપના ઉરીપોકના ધારાસભ્ય રઘુપતિ સિંહ, પટસોઈના ધારાસભ્ય એસપી કુંજકેશ્વર અને થાંગમેઈબંદના ધારાસભ્ય કે જોયકિશન સિંહ અને અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંતના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ નેતાઓના ઘર, સંપત્તિ અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે.
સુરક્ષા દળોએ મુખ્યમંત્રી નિવાસસ્થાનથી ભીડને ભગાડી
જાણકારી મુજબ શનિવારે રાત્રે ટોળાએ ઇમ્ફાલના હેઇંગાંગ સ્થિત મુખ્યમંત્રી એન બિરેન સિંહના આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે તેઓ હાજર નહોતા. સુરક્ષા દળોએ ભીડને પાછળ ધકેલી દીધી હતી, ભીડને ભગાવવા માટે તેમણે ખાલી ગોળીઓ અને અશ્રુવાયુના શેલ છોડ્યા હતા. તેમના નિવાસસ્થાન તરફ જતા હાઇવે પર સળગતા ટાયરો નાખવામાં આવ્યા હતા.
ઇમ્ફાલના પૂર્વ અને પશ્ચિમ બંને જિલ્લાઓ સહિત સાત જિલ્લાઓમાં બે દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્ય મેતેઈના પ્રભુત્વવાળી ખીણના તમામ પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. કુકી-પ્રભુત્વ ધરાવતા સમુદાયો ધરાવતા કાંગપોકપી અને ચુરાચંદપુરમાં પણ ભારે હિંસા જોવા મળી હતી.