Manmohan Singh Passes Away : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર આખા દેશે તેમના યોગદાન અને કાર્યોને યાદ કરતા શોક વ્યક્ત કર્યો છે. ખાસ કરીને તેમની આર્થિક નીતિઓ અને દેશને મંદીમાંથી બહાર લાવવાના પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી. મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા પહેલા નરસિંમ્હા રાવ સરકારમાં નાણાં મંત્રી હતા અને રાવના નેતૃત્વ હેઠળ દેશમાં ઐતિહાસિક આર્થિક સુધારાઓ થયા હતા. જોકે કોંગ્રેસ પાર્ટીએ રાવને તેમના યોગદાન માટે ક્યારેય સન્માનિત કર્યા ન હતા. તેમના નિધન બાદ રાવની ઉપેક્ષાથી પાર્ટીની છબી પર સવાલો ઉભા થયા હતા.
કોંગ્રેસે નરસિંહરાવને એ સન્માન ન આપ્યું જેના તેઓ હકદાર હતા
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દરમિયાન યાદ અપાવવામાં આવ્યું કે કોંગ્રેસે નરસિંમ્હા રાવને એ સન્માન નથી આપ્યું જેના તેઓ હકદાર હતા. નરસિંમ્હા રાવનું 23 ડિસેમ્બર 2004ના રોજ અવસાન થયું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમના પાર્થિવ શરીરને દિલ્હી લાવવાની મંજૂરી આપી ન હતી અને દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી પણ આપવામાં આવી ન હતી. તેમનો પાર્થિવ દેહ થોડા સમય માટે પાર્ટીના મુખ્યાલયની બહાર રાખ્યો હતો અને ત્યારબાદ તેને આંધ્રપ્રદેશ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નરસિંમ્હા રાવે દેશના અર્થતંત્રને સુધારવાની દિશામાં મોટાં પગલાં લીધાં હતા
નરસિંમ્હા રાવે દેશના અર્થતંત્રને સુધારવાની દિશામાં મોટાં પગલાં લીધાં, પણ કોંગ્રેસે તેમને ક્યારેય મજબૂત નેતા તરીકે સ્વીકાર્યા નહીં. પરિવારની ઇચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય જ્યાં તેમણે તેમની રાજકીય કારકિર્દીનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો, પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેને નકારી કાઢી હતી અને રાવનો પરિવાર આખરે હૈદરાબાદમાં અંતિમ સંસ્કાર કરવા સંમત થયો હતો.
આ પણ વાંચો – પૂર્વ પીએમ મનમોહન સિંહ હંમેશા વાદળી પાઘડી જ કેમ પહેરતા હતા? જાણો કારણ
આ સમગ્ર ઘટનાક્રમે એક ઊંડો રાજકીય વિરોધાભાસ ઉજાગર કર્યો હતો. તત્કાલિન ગૃહમંત્રી શિવરાજ પાટિલે રાવના પરિવારને પાર્થિવ દેહ હૈદરાબાદ લઈ જવાની અપીલ કરી હતી પરંતુ પરિવારે દિલ્હીને પ્રાથમિકતા આપી હતી. આ પછી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીએ રાવના પરિવારને મનાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે હૈદરાબાદમાં તેમના ભવ્ય અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાવના પરિવારે એક શરત મુકી હતી કે દિલ્હીમાં તેમના માટે એક સ્મારક બનાવવામાં આવે, પરંતુ કોંગ્રેસ પક્ષના નેતાઓમાં આ મુદ્દે પણ અસહમતી બની રહી હતી.
તે સ્પષ્ટ હતું કે રાવના પરિવારને સમજાયું કે તેમને કોંગ્રેસ પક્ષ તરફથી ક્યારેય યોગ્ય આદર મળશે નહીં. કોંગ્રેસ પાર્ટીને ડર હતો કે જો દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોત તો પાર્ટી માટે અસહજ સ્થિતિ સર્જાઇ હોત, જેમાં તેમના યોગદાનને નકારવું મુશ્કેલ બની જાત.
નરસિંમ્હા રાવને ભારત રત્ન સન્માન ભાજપ સરકારે આપ્યું હતું
નરસિંમ્હા રાવના યોગદાનથી તેમને ભારત રત્ન જેવા સન્માનો મળ્યા જે તેમને વડા પ્રધાન હતા ત્યારે આપવામાં આવ્યા ન હતા. આ સન્માન ભાજપ સરકારે આપ્યું હતું, જ્યારે કોંગ્રેસે તેમના જીવનકાળ દરમિયાન તેમને તે સન્માન આપ્યું ન હતું. આ સ્પષ્ટ પણે દર્શાવે છે કે પાર્ટીએ રાવના યોગદાન કરતાં તેની રાજકીય નીતિઓ અને વ્યક્તિગત વિચારસરણીને વધુ મહત્વ આપ્યું હતું.
નરસિંમ્હા રાવ એક એવા નેતા હતા જેમણે ભારતના આર્થિક સુધારાઓનો પાયો નાખ્યો અને વૈશ્વિક ફલક પર દેશને નવી ઓળખ અપાવી હતી. પરંતુ કમનસીબે તેમના યોગદાનને તે સમયે ઉચિત સન્માન ના મળ્યું જે તેમને મળવું જોઈતું હતું.
મનમોહન સિંહના અંતિમ સંસ્કારે કોંગ્રેસની આંતરિક રાજનીતિ અને પાર્ટીની નીતિઓને પર્દાફાશ કર્યો. જે રીતે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક બનાવવાનો આગ્રહ રાખ્યો છે, તેવી જ રીતે નરસિંમ્હા રાવ માટે પણ આવું જ કર્યું હોત તો લોકોના મનમાં પાર્ટી પ્રત્યેનું સન્માન વધી ગયું હોત.