મહિલાઓ પર ઘરેલું હિંસા મામલે બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ વાત કહી છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે તાજેતરમાં કહ્યુ કે, જો કોઈ પરિણીત મહિલાને તેના પરિવાર માટે ઘરનું કામકાજ કરવાનું કહેવામાં આવે તો તેની સરખામણી ઘરની નોકરાણીના કામ સાથે કરી શકાય નહીં અને તેને ક્રૂરતા માનવામાં આવશે નહીં.
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે એક મહિલા દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. મહિલાએ અલગ રહેતા પતિ અને તેના માતા-પિતા સામે ઘરેલુ હિંસા અને ક્રૂરતાનો કેસ દાખલ કર્યો હતો. જેને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધો હતો.
ન્યાયાદીશ વિભા કંકનવાડી અને જજ રાજેશ એસ પાટીલની ડિવિઝન ખંડપીઠે ભારતીય ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ- 498A હેઠળ ક્રૂરતા માટે મહિલાના પતિ અને સાસરિયાઓ સામે દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદને રદ કરી હતી.
બોમ્બે હાઈકોર્ટે ટીપ્પણી કરી કે, જો કોઈ પરિણીત મહિલાને તેના સાસરીપક્ષના પરિવાર માટે ઘરના કામકાજ કરવાનું કહેવામાં આવે તો તેને નોકરાણી કે નોકરાણી જેવું કહી શકાય નહી. જો તે મહિલાને ઘરના કામ કરવાની ઈચ્છા ન હોય તો તેને લગ્ન પહેલા આ વાત જણાવી દેવી જોઈતી હતી. જેથી પુરુષ અને તેના ઘરના લોકો આ લગ્ન વિશે વિચારી શકે અથવા લગ્ન પછીની વાત હોય તો આવી સમસ્યાનું અગાઉથી જ નિરાકરણ આવવું જોઈતું હતું.
મહિલાએ તેની ફરિયાદમાં એવો આરોપ મૂક્યો હતો કે, લગ્ન પછી માત્ર એક મહિના સુધી તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની સાથે ઘરની નોકરાણી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો.
તેણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને સાસુએ લગ્નના એક મહિના પછી ફોર વ્હીલર ખરીદવા માટે 4 લાખ રૂપિયાની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. તેણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ માંગણીને લઇ તેના પતિએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે મહિલાએ માત્ર એટલું જ કહ્યું છે કે તેણી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, પરંતુ તેણે પોતાની ફરિયાદમાં આવા કોઈ ચોક્કસ કૃત્ય કે હિંસાનો ઉલ્લેખ કર્યો નથી.