પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો, 36 સ્થળો પર હુમલાનો પ્રયાસ, નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યા

MEA Briefing On Operation Sindoor : વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું - પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

Written by Ashish Goyal
Updated : May 09, 2025 18:22 IST
પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો, 36 સ્થળો પર હુમલાનો પ્રયાસ, નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યા
વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને કર્નલ સોફિયા કુરૈશી. (Source: ANI Photo)

MEA Briefing On Operation Sindoor : વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર કર્યો હતો. ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. તંગધાર, ઉરી અને ઉધરપુરમાં ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે. તેમણે તસવીર બતાવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે. પાકિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા.

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું – તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જવાબ આપ્યો અને ડ્રોન કાઉન્ટર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી અભિયાન માટે મોટો આંચકો છે.

આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઓઈલ કંપનીઓની લોકોને અપીલ: પેટ્રોલ-ડીઝલ સ્ટોકને લઈ મોટી વાત

પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રનોનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી પરંતુ તેનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. જ્યારે આ હુમલો થયો ત્યારે કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં પેસેન્જર વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભારતીય સુરક્ષા દળોએ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંયમ રાખ્યો અને નાગરિકોને નુકસાન ન થાય તે માટે મર્યાદિત વળતા હુમલા કર્યા. આ રક્ષણાત્મક અને સંવેદનશીલ વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે.

કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે 7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ ભારતની પશ્ચિમી સરહદ પર ઘણી વખત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો આ પ્રયાસ ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. આ સાથે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર પણ કર્યો હતો. કર્નલ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને લગભગ 300 થી 400 ડ્રોન દ્વારા 36 સ્થળોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સશસ્ત્ર દળોએ આમાંથી ઘણા ડ્રોનને તોડી પાડ્યા હતા.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી કાર્યવાહી માત્ર ભારતીય સૈન્ય સ્થળો પર જ કેન્દ્રિત ન હતી પરંતુ ભારતીય શહેરો અને નાગરિક માળખાગત સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. વિક્રમ મિસરીએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ આ હુમલાઓનો સંતુલિત, યોગ્ય અને જવાબદાર રીતે જવાબ આપ્યો, જેનાથી પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી શકાય.

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિશ્વસનીયતા ઘટી રહી છે

તેમણે પાકિસ્તાન સરકાર પર બેવડું ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનનો આ હુમલાઓનો સત્તાવાર અને સંપૂર્ણપણે હાસ્યાસ્પદ ઇનકાર રાજકારણમાં તેના બેવડા વલણનું બીજું ઉદાહરણ છે. તેઓ જેટલા પોતાના જુઠાણા છુપાવવાનો પ્રયાસ કરે છે, તેટલી જ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિશ્વસનીયતા ઘટી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોની સુરક્ષાથી સંપૂર્ણપણે વાકેફ છે અને કોઈપણ પ્રકારના આક્રમણનો યોગ્ય જવાબ આપવા સક્ષમ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ