Manipur Violence : લાંબા સમયથી વંશીય હિંસાની ચપેટમાં આવેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર સરકારની રચનાની તૈયારી જોર પકડતી દેખાઇ રહી છે. મણિપુરમાં ભાજપના 23 ધારાસભ્યોએ શુક્રવારે મહત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ ધારાસભ્યોએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમણે રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તેઓ પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને બાજુ પર રાખવા માટે તૈયાર છે.
ધારાસભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ સરકાર રચવાના માર્ગો પર ચર્ચા કરી હતી અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે તેઓ માનતા હતા કે આ કટોકટીનો ઉકેલ શક્ય અને જરૂરી છે. ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ મૈતેઇ અને કુકી-જો સમુદાયો વચ્ચે આદાનપ્રદાન માટે પ્લેટફોર્મ બનાવવાની હિમાયત કરે છે.
રાજ્ય વિધાનસભા 13 ફેબ્રુઆરીથી સ્થગિત છે
સતત ખરાબ પરિસ્થિતિઓ બાદ એન.બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું અને રાજ્ય વિધાનસભા 13 ફેબ્રુઆરીથી સ્થગિત છે.
60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપના 37 ધારાસભ્યો છે. 37 ધારાસભ્યોમાંથી 7 કુકી-જો સમુદાયના છે, તે બેઠકમાં સામેલ થયા ન હતા. નોંધપાત્ર વાત એ છે કે આ બેઠકમાં એન.બિરેન સિંહ સામે બળવો કરનારા પક્ષના ધારાસભ્યો અને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ટેકો આપનારા લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, ત્રણ વખત ઘરમાં ઘુસીને માર્યા છે
હાલમાં જ એનડીએના 10 ધારાસભ્યોએ મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્યપાલને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે 44 ધારાસભ્યોનું સમર્થન છે.
મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા
મણિપુરમાં મે 2023 માં મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં હજારો લોકો બેઘર થઈ ગયા છે, સેંકડો લોકોના મોત થયા છે અને સંપત્તિને પણ નુકસાન થયું છે.