rahul gandhi miss india comment : કેન્દ્રીય મંત્રી કિરેણ રિજિજુએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં દલિત-આદિવાસી મહિલાઓને સ્થાન નથી તેવા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે હવે રાહુલ ગાંધી મિસ ઇન્ડિયામાં પણ અનામત ઇચ્છે છે. આ માત્ર બાળ બુદ્ધિની જ સમસ્યા નથી, પરંતુ તેને સમર્થન આપનારાઓ પણ એટલા જ જવાબદાર છે.
કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી પર જાતિગત વસ્તી ગણતરીને લઈને દેશમાં ભાગલા પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો. કિરેણ રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે રાહુલ ગાંધી આપણા દેશના ભાગલા નહીં પાડી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી તમામ મોટી સેવાઓની ભરતીમાં અનામતમાં ફેરફાર કરવાની સુપ્રીમ કોર્ટને મંજૂરી નહીં આપે. પરંતુ તેમને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ, ઓબીસી વડા પ્રધાન, રેકોર્ડ સંખ્યામાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના કેબિનેટ મંત્રીઓની સંખ્યા દેખાઇ રહી નથી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
શનિવારે રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરી માટેની તેમની માંગને પુનરાવર્તિત કરતા દાવો કર્યો હતો કે મિસ ઇન્ડિયાના લિસ્ટમાં દલિત, આદિવાસી અથવા ઓબીસી સમુદાયોની કોઈ મહિલા નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં લોકો આ સમુદાયના નથી.
આ પણ વાંચો – મહિલાઓ પર અત્યાચાર મુદ્દે પીએમ મોદીએ કહ્યું – જે પણ દોષી હોય તેને બક્ષવામાં ન આવે
રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મિસ ઇન્ડિયાની યાદી જોઈ કે શું તેમાં કોઈ દલિત કે આદિવાસી મહિલાઓ હશે કે નહીં, પરંતુ તેમાં કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી મહિલાઓ નથી. હજુ પણ મીડિયા ડાન્સ, સંગીત, ક્રિકેટ, બોલિવૂડની વાતો કરે છે, પરંતુ ખેડૂતો અને મજૂરોની વાત કરતું નથી.
જાતિગત વસ્તી ગણતરી કોઈ રાજકીય કારણોસર નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે તેઓ કહેશે કે પીએમ મોદીએ કોઈને ગળે લગાવ્યા અને આપણે મહાસત્તા બની ગયા. જ્યારે 90 ટકા લોકોની કોઈ ભાગીદારી નથી ત્યારે આપણે મહાસત્તા કેવી રીતે બન્યા. રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરી પર ભાર મુકતા કહ્યું હતું કે તે કોઇ રાજકીય કારણોસર નથી. આ ભારતના 90 ટકા ગરીબ લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાત છે.





