CAA નોટિફિકેશન : કોઈએ કહ્યું ઐતિહાસિક છે તો કોઈએ તેની સરખામણી ગોડસેના વિચાર સાથે કરી

CAA rules notification : કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું. આ મુદ્દે પાર્ટીઓના નિવેદનો સામે આવી રહ્યા છે

Written by Ashish Goyal
March 11, 2024 22:52 IST
CAA નોટિફિકેશન : કોઈએ કહ્યું ઐતિહાસિક છે તો કોઈએ તેની સરખામણી ગોડસેના વિચાર સાથે કરી
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Citizenship Amendment Act : કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના નિયમોનું નોટિફિકેશન જાહેર કરી દીધા છે. લોકસભા ચૂંટણી પહેલા આવેલા આ નોટિફિકેશનને કોઇ પક્ષ ઐતિહાસિક ગણાવી રહ્યો છે તો કોઇ પક્ષ તેને ભેદભાવપૂર્ણ કહી રહ્યો છે. ભાજપે એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે જે કહ્યું તે કર્યું. મોદી સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ની નોટિફિકેશન જાહેર કરીને પોતાની ગેરંટી પૂરી કરી. બીજી તરફ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેને ગોડસેના વિચારો પર આધારિત કાયદો ગણાવ્યો છે. અહીં આપણે જાણીશું કે સીએએના નોટિફિકેશન બહાર આવ્યા પછી કોણે શું કહ્યું?

CAA નોટિફિકેશન પર કોણે શું કહ્યું?

-ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ કહ્યું કે અમને ખબર પડી છે કે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તમામ સમુદાયના સભ્યોને મારી અપીલ છે કે આપણે બધા શાંતિ જાળવીએ. નોટિફિકેશનનો અભ્યાસ કરીશું અને પછી કોઇ નિવેદન આપીશું.

-પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું તે તમારે છ મહિના પહેલા નિયમોની સૂચના આપવી જોઈતી હતી. જો કોઈ સારી બાબતો હોય છે તો અમે હંમેશા સમર્થન અને પ્રશંસા કરીએ છીએ. પરંતુ જો કંઈપણ કરવામાં આવે છે જે દેશ માટે સારું નથી તો TMC હંમેશા તેનો અવાજ ઉઠાવશે અને તેનો વિરોધ કરશે. મને ખબર છે કે રમઝાનના એક દિવસ પહેલા કેમ પસંદગી કરવામાં આવી. હું લોકોને શાંત રહેવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરું છું.

-AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તમે ક્રોનોલોજી સમજો. પહેલા ચૂંટણીની મોસમ આવશે અને પછી CAA નિયમો આવશે. CAA સામે અમારો વાંધો યથાવત છે. CAA વિભાજનકારી છે અને ગોડસેની વિચારસરણી પર આધારિત છે. જેની સામે અત્યાચાર થયો છે તેને આશ્રય આપો પરંતુ તે ધર્મના આધારે ન હોવો જોઈએ. સરકારે સમજાવવું જોઈએ કે તેણે આ નિયમોને પાંચ વર્ષ સુધી શા માટે પેન્ડિંગ રાખ્યા અને હવે શા માટે તેનો અમલ કરી રહી છે. NPR-NRCની સાથે, CAA માત્ર મુસ્લિમોને નિશાન બનાવવા માટે છે, તેનો અન્ય કોઈ હેતુ નથી. જે લોકો CAA NPR NRCનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે તેમની પાસે ફરીથી વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

-ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – મોદી સરકારે આજે નાગરિકતા (સુધારા) નિયમો, 2024ને નોટિફાઇડ કરી દીધા છે. આ નિયમો હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર પ્રતાડિત લઘુમતીઓને આપણા દેશમાં નાગરિકતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. આ નોટિફિકેશન સાથે પીએમ નરેન્દ્ર મોદીએ વધુ એક પ્રતિબદ્ધતા પૂર્ણ કરી છે અને તે દેશોમાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી માટે આપણા સંવિધાનના નિર્માતાઓના વાયદાને સાકાર કર્યો છે.

આ પણ વાંચો – શું છે સીએએનો કાયદો, ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

-કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના જારી કરવા પર કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે આટલો વિલંબ શા માટે? જો સરકાર પાસે આ મુદ્દે સહેજ પણ ગંભીરતા હોત તો તેઓ ચાર વર્ષ પહેલા આ આદેશ આપી શક્યા હોત. ચૂંટણી પહેલા ધ્યાન હટાવવા માટે આ જાહેરાત કરવામાં આવી છે.

-બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે જેમ કલમ 370 હટાવવાનું મહત્વનું હતું, તેવી જ રીતે CAA પણ મહત્વપૂર્ણ છે. CAAનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો કોઇએ અત્યાચારનો સામનો કર્યો છે તો તે ભારત આવી જાય અને તેને નાગરિકતા આપીશું. જો વિપક્ષ હંગામો કરી રહ્યો છે તો તે સ્પષ્ટ રીતે વોટ બેંકની રાજનીતિ છે.

-ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું – પીડિત માનવતાના કલ્યાણ માટે નાગરિકતા (સુધારા) અધિનિયમને લાગુ કરવાનો નિર્ણય ઐતિહાસિક છે. જેના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક બર્બરતાથી પીડિત લઘુમતી સમુદાયના સન્માનજનક જીવનનો માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ જીનો આભાર. આ અધિનિયમના અંતર્ગત ભારતીય નાગરિકતા મેળવનાર તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન.

-BSP ચીફ માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાને બદલે, તેને લઇને લોકોમાં જે શંકાઓ, મૂંઝવણો અને આશંકાઓ હતી તેને સંપૂર્ણ રીતે દૂર કર્યા બાદ તેને લાગુ કરાયો હોત તો સારું રહેત.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ