Odhisha Chief Minister Name : ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોહન માંઝીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. મોહન માંઝી બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેવી સિંહ દેવ અને પ્રવતી પરીદા પણ શપથ લેશે. તે બંને રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે.
ઓડિશામાં ભાજપ પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. મોહન ચરણ માંઝી ઓડિશાની ક્યોંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ બેઠક પરથી બીજેડીના મીના માંઝીને હરાવ્યા હતા. મોહન ચરણ માંઝીને 87,815 મત મળ્યા હતા જ્યારે મીના માંઝીને 76,238 મત મળ્યા હતા. મોહન માંઝીએ 11,577 મતથી જીત મેળવી હતી.
મોહન માંઝી ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ મોહન ચરણ માંઝી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. માંઝીને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. મોહન ચરણ માંઝી સરકારમાં કે.વી.સિંહ દેવ અને પ્રવતી પરીદા નાયબ મુખ્યમંત્રી હશે.
પીટીઆઈના રિપોર્ટ અનુસાર ચોકીદારના પુત્ર મોહન માંઝીએ લગભગ ત્રણ દાયકા પહેલા ગામના સરપંચ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 52 વર્ષીય મોહન ચરણ માંઝી આદિવાસી બહુમતી ધરાવતા રાયકલા ગામના વતની છે. આ ગામ ખનિજથી સમૃદ્ધ ક્યોંઝર જિલ્લાનો એક ભાગ છે.
મોહન ચરણ માંઝી 1997થી 2000ની વચ્ચે ગામના સરપંચ રહ્યા હતા
મોહન ચરણ માંઝીએ 1997થી 2000ની વચ્ચે ગામના સરપંચ તરીકે સેવા આપી હતી. તે પછી તેઓ ભાજપ આદિવાસી મોરચાના સેક્રેટરી બન્યા હતા. વર્ષ 2000માં તેઓ પહેલી વાર ક્યોંઝરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી વર્ષ 2004, 2019માં અને આ વખતે 2024માં તેમણે આ જ બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો – મોદી સરકાર 3.0 ના મંત્રીઓ કેટલું ભણેલા છે, કોઈ 10 પાસ તો કોઇ પાસે છે પીએચડીની ડિગ્રી
મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ મોહન ચરણ માંઝીએ કહ્યું કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી ઓડિશામાં ભાજપને બહુમત મળ્યો છે અને હવે રાજ્યમાં સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ ઓડિશાના લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવાનો પૂરો પ્રયાસ કરશે.
મોહન ચરણ માંજી વર્ષ 2000માં પ્રથમ વખત ક્યોંઝર વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેમણે વર્ષ 2004માં પણ આ બેઠક જીતી હતી. 2000ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ પક્ષના જગદીશ નાયકને 22,163 મતોથી હરાવ્યા હતા.
જ્યારે 2004માં તેમણે કોંગ્રેસના મદહબ સરદારને લગભગ અગિયાર હજાર મતોથી હરાવ્યા હતા. આ પછી 2009 અને 2014માં યોજાયેલી વિધાનસભામાં તેમને બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીઓમાં તેમને અનુક્રમે બીજેડીના ઉમેદવાર સુબર્ણા નાઈક અને અભિરામ નાઈકે હરાવ્યા હતા.
ઓડિશામાં ભાજપ પહેલીવાર સરકાર બનાવશે
તમને જણાવી દઈએ કે ઓડિશામાં ભાજપે પહેલીવાર વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર જીતી છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 147 સભ્યોની વિધાનસભામાં 78 બેઠકો જીતી હતી. બુધવારે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે યોજાનારા શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.





