Monsoon 2024 Forecast : હવામાન વિભાગે સતત ગરમી વચ્ચે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, કેરલમાં ચોમાસુ ટૂંક સમયમાં પહોંચી જશે. આ સિવાય સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના અધિકારી મૃત્યુંજય માહાપાત્રાએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ચક્રવાતના પગલે ચોમાસાની સ્થિતિ અનુકૂળ સર્જાઈ છે. આગામી પાંચ-છ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દસ્ક્ત દઈ શકે છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે કેરણમાં ચોમાસુ પહોંચવાની તારીખ 31 મે જણાવી છે. તો મહારાષ્ટ્રમાં 10-11 જૂન, ગુજરાતમાં 14 થી 17 જૂન, ઉત્તર પ્રદેશમાં 18 થી 20 જૂન અને ચોમાસુ આજ રફ્તારથી ચાલશે તો દિલ્હીમાં 29 જૂન સુધી પહોંચવાની પૂરી શક્યતા છે.
ગરમીથી લોકો ત્રાહિમામ છે ત્યારે હવામાન વિભાગના આ સમાચારથી લોકોએ રાહતનો સ્વાસ લીધો છે. ચોમાસુ તેના સમય કરતા એક-બે દિવસ વહેલા આવી શકે છે.
ચોમાસામાં વરસાદ કયા મહિનામાં કેવો હશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂન, જુલાઇ અને ઓગસ્ટ એમ ત્રણે મહિનામાં લા નીનાને કારણે ભારે વરસાદ પડી શકે છે કારણ કે અલ નીનો સમાપ્ત થઈ રહ્યો છે અને જૂન મહિનાથી લા નીનાનો વિકાસ થતો જોવા મળી રહ્યો છે.
જૂન મહિનાની વાત કરીએ તો જૂનમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય તો ક્યાંક સામાન્ય કરતા વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, દેશમાં સામાન્ય વરસાદ 1.66.9 મીમીની લાંબા ગાળાની સરેરાશના 92-108 ટકા થવાની સંભાવના છે.
તેમણે કહ્યું છે કે, જુલાઈમાં સૌથી વધુ સારો વરસાદ જોવા મળી શકે છે. જુલાઈમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગો સિવાય અન્ય તમામ ભાગોમાં સામાન્ય કરતા વધુ મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.
ઓગસ્ટ મહિનામાં પણ લા નીનોના પગલે ભારે વરસાદની સંભાવના છે. ચોમાસાની સ્થિતિ આ વર્ષે સામાન્ય કરતા વધુ સારી જોવા મળી રહી છે.
તો સપ્ટેમ્બરમાં ઉત્તર-પૂર્વ ભારત વરસાદ સામાન્ય કરતા ઓછો જોવા મળી શકે છે. તો સપ્ટેમ્બર સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ અને દેશના મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશોમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો – Gujarat Weather Forecast : અમદાવાદમાં ફરી આકરી બની ગરમી, તાપમાન ફરી 45 ડિગ્રી પાર, ક્યારે મળશે ગરમીમાંથી રાહત?
ગુજરાતમાં કાળઝાળ ગરમી, ઉત્તર ભારતમાં ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા
તમને જણાવી દઈએ કે, દેશમાં નૌતપા ચાર દિવસથી શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારતમાં ગરમીએ લોકોને ત્રાહિમામ કરી દીધા છે. રાજ્યમાં 17 સ્થળોએ પારો 48 ડીગ્રીને પાર કરી હતો, ખાસ કરીને રાજસ્થાનમાં જ્યાં ફલૌદીમાં તાપમાન 50 ડીગ્રી પહોંચી ગયું હતુ. તો પંજાબમાં પણ આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે.